*
આ ગઝલ લખવાનાં કારણ બે જ છે,*
આપ સાથે હો ને ના હો, એ જ છે.
આંખના ખૂણે હજીયે સહેજ છે,*
ભેજ છે કે છેલ્લું છેલ્લું તેજ છે ?
જે છે એ ખુલ્લું છે ને સામે જ છે,
પ્રેમ? હા, અસ્તિત્વમાં આમેજ છે.
જિંદગી સામે પડેલી સેજ છે,
પણ કવિ છું, ઊંઘથી પરહેજ છે.
કેટલી રાતો છે મારી એમાં કેદ-
સામે જે કાગળ, કલમ ને મેજ છે
આપ જાણો આપને છે કે નહીં,
પણ જો અમને પ્રેમ છે તો છે જ છે.
આ જે એ આપે છે, શું ફોકટમાં? ના !
જિંદગી લાગો તો એનો લે જ છે.
ડાઘ મૂક્યા વિના ઊડી જાય ઓસ,
વસવસો ફૂલનેય એનો રહે જ છે.
ભેજ, ચિનુજી! ફૂટ્યો મારામાં કેમ ?
આપની ગઝલોમાં શું લિકેજ છે ?
– વિવેક મનહર ટેલર
(૧૩-૦૯-૨૦૨૦)
(આમેજ- સામેલ; લાગો – વેરો)
(પુણ્યસ્મરણ: ચિનુ મોદી – આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખને ખૂણે હજીયે ભેજ છે.)