કઈ આંખથી વાંચું?

તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું,
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?

છાપાં, કાગળ, નોટબુક – તું જે મળે એ ધાપે,
ટાઇલ્સ હો કે ચાદર, તું બસ, એક માપથી માપે;
ભીંતોના મુડદાલ રંગોમાં આજે વર્ષો બાદ,
જાન આવી છે તારા ચિતરડાઓના જ પ્રતાપે,
તું કે’ તો એ પોકિમોન છે, તું કે’ તો પિકાચુ.
તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું.

આ તારી એબીસીડી ને આ એકડા તારા,
આમ જુઓ તો કૈં નથી એ, છે નકરા ગોટાળા;
પણ જે રીતે તું મચી પડીને કામ આ કરે છે,
ખરું કહું તો થઈ રહ્યા છે સપનાંના સરવાળા,
પણ ભણી ગયેલી આંખો મારી, મારું ભણતર કાચું.
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?

– વિવેક મનહર ટેલર
(૨૪/૨૫-૧૦-૨૦૧૮)

22 thoughts on “કઈ આંખથી વાંચું?

  1. તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?
    – વિવેક મનહર ટેલર aahaa…

  2. બાળપણ તાજું થયું.
    કેટલાયે વરસો ને ભણતરના ચશ્મા ખરી ગયા…

    ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *