રોજ મને ઊંઘ જરા ઓછી જ પડે

આ સૂરજને કહી દો કે ઊગે ન આજે…. …બેલેન્સિંગ રોક, આર્ચિઝ નેશનલ પાર્ક, અમેરિકા, ઓક્ટોબર 2024

રોજ મને ઊંઘ જરા ઓછી જ પડે,
ઊડી નથી કે ફેર પાછી ચડે.

થાય, કોઈ સૂરજને આટલું કહે-
કે આજ જરા આભમાં એ મોડો ચડે…

ના ખૂટતા કામ જેવી આવે છે રાત,
કેમ એ ખૂટાડવી, એ ના આવડે.

ઊંઘ ઓછી પડવાના કારણ હજાર,
ને બધ્ધા જ આ વાલામૂઈને નડે.

સાસરિયાંની યાદી હું ના કરું,
વીત્યા જમાનાની વહુ એ ઘડે..

સ્વિમિંગપુલ, જીમ, ટ્રેક, સાઈકલ બધાં જ
રોજ થોડું થોડું મારા નામનું રડે.

બિસ્તર બન્યું છે બોક્સિંગ રિંગ જ્યાં
ઊંઘ અને હું – બે લડે આખડે.

મૂઈ! રાતભર સાજનને બથમાં રાખે,
પછી ક્યો તમે, એ મને શીદ પરવડે?

પ્હો ફાટતાં જ ફેર એકલી હું તો,
તો બોલો કે ગુસ્સો ચડે, ના ચડે?

– વિવેક મનહર ટેલર
(જુલાઈ-ઓગસ્ટ, ૨૦૨૨, જાન્યુઆરી ૨૦૨૫)

આ આંખોમાં ઊંઘ નથી આજે….
…બ્રાયસ કેન્યન, અમેરિકા, ઓક્ટોબર 2024

શું કહેવું? કેમ કરી કહેવું?

સતર્ક….. … ….ગ્રેટર રોડરનર, લેક પોવેલ, પેજ, અમેરિકા, ઓક્ટૉબર 2024

શું કહેવું? કેમ કરી કહેવું?
ન પૂનમ, ન બીજ,
ન મસ્તી, ન ખીજ,
શું આને કહેવાય છંછેડવું?

તું તો કહેતો’તો કે મસ્તી-મજાક તારા લોહીનો ભાગ નથી, લોહી છે,
ને વાયરાની એકધારી છેડખાની પર જ તો મધુમાલતી મૂળે મોહી છે.

શું કહેવું? કેમ કરી કહેવું?
રે ચતુર સુજાણ,
શું છે તને જાણ
કે રાહ જોઈ જીવતું બટેરવું?

પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એવું કહેતું આવ્યું છે લોક સદીઓથી,
પણ તારો બદલાવ તો એવો કે દરિયે જળ બંધ કર્યું લેવાનું નદીઓથી;

શું કહેવું? કેમ કરી કહેવું?
હોય જ્યાં અપેક્ષા
પણ મળે ઉપેક્ષા
એ જીવતરને કેમ હવે વેઠવું?

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૦-૨૦૨૩)

ये कौन शिल्पकार है?…… …. …….હૂડૂ, બ્રાયસ કેન્યન, ઓક્ટોબર 2024

બારમાસી અમાસો

તેજકુંડાળું…. …ડેટ્રોઈટ, ૨૦૨૪

વિવસ્વાન* મોઢું ફુલાવીને બેઠો,
‘નથી ઊગવું’ કહી ન જાણે ક્યાં પેઠો.

અને તારલાઓય જિદ્દે ચડ્યા છે,
નિયત સ્થાનથી સહેજ પણ ના ડગ્યા છે;
પડી છે સવાર,
છતાં અંધકાર
ગગનની અટારીથી ઉતરે ન હેઠો,
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.

અમારા ગગનથી જે વહેતો થયો છે,
એ ચાંદો શું કંઈ આવું કહેતો ગયો છે?-
ન કોઈ દિવાકર,
ન કોઈ શશિયર,
હવે બારમાસી અમાસોને વેઠો…
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૨૪)

(*વિવસ્વાન= સૂરજ)

પ્રકાશ દ્વાર…. બ્રાયસ નેશનલ પાર્ક, ૨૦૨૪

મરવા દે –

ધોધમાર… ગૌમુખ ધોધ, સોનગઢ, ઓગષ્ટ 2024

મને મારા એકાંતમાં મરવા દે.
પ્રાણવાયુ વિનાની હવાને શ્વાસોનું નામ દઈ છાતીમાં ભરવા દે.

બાર તમે સાંધો ને તેર તૂટે એ રીતે વરસોના વરસ ચલાવ્યું,
ચલાવ્યું? ના ભઈ ના,
નહીં સાંધો, ને નહીં રેણની જેમ નિત જિગરાંને જિગરાંથી ફાવ્યું;
પ્રેમમાં શી ખોટ હતી? કંઈ નહીં.. કંઈ નહીં… સાચ્ચું જ હતું સાવ સગપણ,
પ્રેમમાં કંઈ ખોટ ન’તી,
ખોટના નામે તો બસ ઓછી પડતી’તી – આ ‘હું’ને કેમ ભૂંસવો એ સમજણ;

તૂટ્યો છે સમજણનો છેલ્લો તરાપો, અને તળિયે બૂડ્યો છું, હવે ઠરવા દે,
મરવા દે.

લીપાપોતી કરી કેટલાક દિ’ હજી ભીતરના લૂણાને ઢાંકશું?
કેટલાક દિ? કહો
તકલીફની બારી પર ક્યાં લગી આંખ આડા કાનના પડદા ચડાવશું?
લાગણી તો સાચી છે, સાચી છે, સાચી, હા! નફરત શું ખોટી છે, ભઈ?
શું સાચું! શું ખોટું!
છાંયડા ને તડકા હકીકત છે જીવતરની, સ્વીકારવાનું, રડવાનું નંઈ;

સમ-બંધની વસિયતના છેલ્લા પાના ઉપર છૂટા પડ્યાની સહી કરવા દે,
મરવા દે.

– વિવેક મનહર ટેલર

(૨૮-૦૯-૨૦૨૩)

જળશીકર… … ….ગૌમુખ ધોધ, સોનગઢ, ઓગષ્ટ 2024

દુઃખ આવ્યું, દુઃખ લ્યો.

કેરળ, માર્ચ, 2024

દુઃખ આવ્યું, દુઃખ આવ્યું, લઈ લ્યો,
દુઃખ આવ્યું, દુઃખ લ્યો.

સુખ છે ઝાકળ, ગાયબ પળમાં, તાપ થતો જ્યાં આળો,
તાપ વધે એમ ખીલે વધારે, દુઃખ તો છે ગરમાળો;
પગ પ્રસારી દિલમાં, કેવો ફૂલેફાલે, ક્યો!

સસ્તું, સુંદર, ટકાઉ; ના ના, સુંદર તો નહીં કહું,
પણ છે આગળ વધવાની ચાવી, લાવ્યો છું, દઉં?
પછી ન કહેતા, હાથ ચડ્યો એ કીમિયો હાથથી ગ્યો.

સુખ રાખે સૂતેલાં તમને, સુખમાં છકી જવાય,
જે દખ ના વખ પચાવે એને જડતો તરણોપાય;
ચાલ ચાતરો, દુઃખ વધાવો, સૌથી આગળ ર્.યો.

– વિવેક મનહર ટેલર
(૧૯/૨૫-૧૨-૨૦૨૩)

ઠસ્સો…. . . …બ્લુ વ્હિસલિંગ થ્રશ, મુન્નાર, કેરળ, 2023

સઘળું લીલું-લીલું…

પ્રશાંત…… ….નાગરહોલ ટાઇગર રિઝર્વ, માર્ચ-૨૦૨૪

તું આવ્યો કે મેઘો? સઘળું લીલું-લીલું…
હતું ભીતર જે વીલું-વીલું, થયું લચીલું…

મળ્યો છે ઉષર ધરતીને  લીલો પડવાશ,
ઊગી વર્ષો વેરાની, ત્યાં ઊગી છે હાશ;
હૈયું છે કે રજનીગંધા? ખીલું ખીલું…

ગીત હોત તો વાત હું અઘરી અઘરી માંડત,
પ્રીત છે આ તો, પ્રીતમાં ના હોય મોટી આરત;
કાગળનો ખોબો નાનકડો, શું શું ઝીલું?

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૭/૦૭/૨૦૨૨)

લીલું લીલું…. બેક વોટર્સ, અષ્ટમુડી, માર્ચ – ૨૦૨૪

તને ગરમાળો જોઈને શું થાય?

(ઊગ્યા સૂરજ ડાળે ડાળે….. . …ગરમાળો, મે-૨૦૨૪)

તને ગરમાળો જોઈને શું થાય?
કોઈ પૂછે આમ ત્યારે મનડું મૂંઝાય કે ઉત્તર શું એને દેવાય,
કે મને ગરમાળો જોઈને શું થાય?

પીળે તે પાંદ લીલા ઘોડા ડૂબાડી*ને
કવિઓએ બેસાડ્યો ધારો,
લીલું તે તાજપ ને જીવન-વિકાસ,
પીળું જરા-મરા-મરકીનો ભારો;
ગરમાળો જોઉં ત્યારે જગના જડ નિયમોના લીરાઓ ઊડતા દેખાય,
મને મારા જેવું કો’ ભળાય,

તાપ જેમ જેમ વધે એમ ખીલી ખીલી
એ સૂરજની સામે કાઢે કાઠું,
એક પગે ઊભેલા તાપસ સમો એ
મને આપે છે જીવતરનું ભાથું,
ઊંચી હલકથી વળી ‘પહેલે કા નાતા’વાળું ગીત એ તો મસ્તીમાં ગાય,
એને ઋણાનુબંધ ન કહેવાય?

હજીયે ના સમજાણું? તો લો, એક વાત કહી
મૂકું હથિયાર મારાં હેઠાં;
દુનિયાથી ઊલટું હું ગરમીની ઝંખનામાં
નજરોનાં બોર કરું એંઠાં,
પીળાં-પીળાં તારવીને છાબડી ભરી મેં, એને ફૂલોનું નામ ન દેવાય,
એ તો રામજીના પગલાં છે, ભાઈ!

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૫-૨૦૨૪)

(* = પુણ્યસ્મરણ: રાવજી પટેલ)

(પીળે તે પાંદ લીલા ઘોડા ડૂબ્યા….. . …ગરમાળો, મે-૨૦૨૪)

હાયે! આ ગરમાળો નીંભર…

(ફુલ્લકુસુમિત….. . . …..ગરમાળો, સુરત, મે- ૨૦૨૪)

રોજ મીટ માંડું છું ઉપર,
એક સેર પીળી જોવાને આયખું – આંખ્યું સઘળું તત્પર,
હાયે! આ ગરમાળો નીંભર…

હરખે વાવ્યો, હેતે સીંચ્યો,
ઉત્કંઠા પી-પીને પાછો વાંભ-વાંભ વધ્યો એ ધાંસુ;
હમણાં ખીલે, હમણાં ખીલે
કરતાં કરતાં ખાલી વીતતાં વરસોને પણ આવ્યાં આંસુ,
કોરા કોરા જાય ઉનાળા,
મારા યત્નો, તાલાવેલી જોઈ હસે જાણે સચરાચર
હાયે! આ ગરમાળો નીંભર…

ગામ આખાના ગરમાળાને
પાંદ-પાંદ પે દીવડા પ્રગટે, મારે ત્યાં બસ લીલપ લટકે;
સૂરજ આંખો લાલ કરે પણ
સમ ખાવા પૂરતુંય ના, જો ને! એનું એક રૂંવાડું ફરકે,
એકટક જોયે રાખું એને,
સૂરજ નહીં ને આંખના તાપની થાય કદાચિત કંઈક અસર.
હાયે! આ ગરમાળો નીંભર…

-વિવેક મનહર ટેલર
(૨૭-૦૮-૨૦૨૧)

(ગ્રીષ્મચક્ર….. . . ….કવિના ઘરનો ગરમાળો, સુરત, મે- ૨૦૨૪)

શબ્દો કેવળ શબ્દો ઠાલા

એકટક…. પોન્ડ હેરોન, અષ્ટમુડી, કેરળ, માર્ચ 2024

શબ્દો કેવળ શબ્દો ઠાલા,
વાણીમાં ધાણી જેમ ફૂટ્યા, વર્તનમાં ક્યાં ઉતર્યા, વહાલા !

જીવન આખું વીતવા આવ્યું,
થોથાઓના ટેકેટેકે;
અંડરલાઈન કર્યે રાખી બસ,
અંદર લાઈન થઈ ના એકે,
અંધારાં અક્ષરનાં પીધાં, सबद कहाँ भया उजियाला?

લંકાનું સોનું છે શબ્દો,
દૂર રહો તો કામ ન આવે;
સમદરજલ મેં સ્વર્ણદ્વારિકા
ભીતર ઉતરે વો હી પાવે
જે છે હલ, છે એ જ ઉખાણું, सबद ही कूची, सबद ही ताला.

– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨- ૦૬/૦૪/૨૦૨૪)

(પુણ્યસ્મરણ: ગુરુ ગોરખનાથ – ॐ सबदहि ताला सबदहि कूची सबदहि सबद भया उजियाला)

સ્થિતપ્રજ્ઞ… …ઓરિએન્ટલ મેગપાઈ, મુન્નાર, કેરળ, માર્ચ 2024

માસિકદ્વયી : ૦૨ : દીકરાને માનો જવાબ

બેટા! શાને તું કરતો ફિકર?
બસ, રમવાની તૈયારી કર..

દાદીએ દીદીને એના જમાનાના જૂનવાણી પાઠ છો ભણાવ્યા,
ડૉન્ટ વરી, બેટા! મેં દાદીને પણ આજે વિજ્ઞાનનાં લેસન શીખવાડ્યાં,
‘માસિકમાં ‘sick’ નહીં, ‘મા’નો છે મહિમા,’ કહી દાદીને પણ મેં સમજાવ્યાં,
ન પાપ-ન બગાડ, આ તો કુદરતની દેણ કહી સદીઓના જાળાં હટાવ્યાં.
દીદી તૈયાર છે, જા! સમજણના સથવારે ભાગી છૂટ્યો છે એનો ડર.

રમશે એ તારી સંગ, મંદિર પણ આવશે, વિતાડીશ ના એને તું ઝાઝું,
કમ્મર દુઃખે ને જરા કમજોરી લાગે, બાકી રાખવાનું કાંઈ નથી છાનું;
મૂડ સ્વિંગ છો ચાલે થોડા દિ’ દીદીને, તારે સીધા જ ચાલવાનું,
સાચું છે જે એને સમજીને ચાલશું તો જીવન પણ બનશે મજાનું.
સહિયારી શકશે નહીં દીદીનું દુઃખ ભલે, પાસે જઈ ખભો તું ધર.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૯/૦૫/૨૦૨૨)

માસિકદ્વયી : ૦૧ : દીકરાનો માને સવાલ

મા! દીદી કેમ દૂર જઈ બેઠી?
રમવા બોલાવું તો આવતી નથી ને વળી રહે છે એ મારાથી છેટી.

કહે છે મને કે હવે ત્રણ-ચાર દહાડા
મારે એનાથી દૂર રહેવાનું,
દહાડા તો ઠીક, બે ઘડી નહીં ચાલે
એ કેમ કરી મારે કહેવાનું?
ઓચિંતુ ક્યાંથી આ દુઃખ આવી પડ્યું જે
મસ્તીના બદલે સહેવાનું?
ટાઇમ નામની આ કઈ નવી મુસીબત, મા! અમારી દુશ્મન થઈ બેઠી?
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

કાગળમાં બાંધીને ચોરીછૂપીથી એણે
કચરાપેટીમાં કંઈ નાંખ્યું,
હુંય તે કંઈ ઓછો છું! ખાનગીમાં ધાપ મારી
મેં એ પેકેટ ખોલી કાઢ્યું,
હાય હાય મા! દીદીને એવું શું વાગ્યું કે
આટલું લોહી એણે સંતાડ્યું!
દર મહિને આવશે, પેલ્લું કે છેલ્લું નથી- કે’તી’તી તારી એ બેટી.
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૫-૨૦૨૨)

જે લખ્યું નથી મેં, તે હું છું

મારાં કાવ્યો તો શબ્દો, બસ શબ્દો છે કેવળ, જે લખ્યું નથી મેં, તે હું છું,
તમને નજરે દેખાય છે એ કાયા છે કેવળ, જે નજરોની પાર છે તે હું છું.

ભીતરને છલકાવા ઇચ્છા થઈ ને
મેં છલકાવા દીધું, એ છલકાયું;
હાથ ઝાલી દુનિયાએ દીધેલી ભાષાનો,
દુનિયા-દીધું જ્ઞાન મલકાયું;
જે દુનિયાએ દીધેલા કાગળ પર અવતર્યો, કોણે કીધું કે તે હું છું ?

ફેંકી દો, પરજીવી અજવાળાં તકલાદી,
મુજને નિરખવા એ નક્કામાં;
અજવાળાં બધ્ધાં જ્યાં પૂરાં થઈ જાય
ત્યાં આવો, ત્યાં મારા છે ધામા,
અથવા તો દાટી દો જે કઈં મે લખ્યું છે, અંધારું ઊગશે તે હું છું.

– વિવેક મનહર ટેલર
(૦૮-૧૨-૨૦૨૩)

નજરોની પાર…. ….જર્મની, મે-2023

પ્રીતનાં ગીત

સ્મિત ખચિત…. …મોનાલિસા, લુવ સંગ્રહાલય, પેરિસ, મે-2023

બાર વરસના અબોલડા ને તેર વરસની પ્રીત*
કેવી રીતે ગાવાં મારે, કહો! પ્રીતનાં ગીત?

નથી ઇચ્છતું કરવા સહેજે કોઈ કોઈને દુઃખી
પણ એક સ્વભાવે રાતરાણી છે, એક છે સૂરજમુખી
દિલના દરિયાના તળિયામાં બંને મારે ડૂબકી
પણ હાથ શું આવ્યું કહેવા બાબત બંને સેવે ચૂપકી
મોતી ગોતી હાથમાં દેવા કે કરવા સંચિત?

સંધિકાળે રાત દિવસ લઈ હાથ, હાથમાં ઝૂમે
ક્ષિતિજ પર વળી લળીલળીને ગગન ધરાને ચૂમે
તાપ અથરો થાય ભલે ને, સાથ ન છોડે છાંય,
પણ આપણને બંનેને આ વાત ન કેમ સમજાય
કે અળગાં રહીને જોડાવું એ પ્રીતની સાચી રીત?

વિવેક મનહર ટેલર
(૩૦-૦૯-૨૦૨૩)

(*પુણ્ય સ્મરણ: જગદીશ જોષી
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત)

અડીખમ ઈરાદાઓની કવિતા…. એફિલ ટાવર, મે-2023

મને આભ ન જડે તો હવે તમારો વાંક

ચારમિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

તમે વેળાસર ટહુક્યાં નહીં, હે સહેલીજી! વેળાસર દીધી ન હાંક,
મને આભ ન જડે તો હવે તમારો વાંક.

વરસોથી એમ તમે વહ્યે રાખ્યું છે
જાણે કાંઠાથી લેવા ન દેવા,
ઓચિંતું છલકીને ભીંજવો જો એક દી‘
તો કાંઠાને કેમ પડે હેવા?
વળી સંકોરી જાત થાવ વહેતાં તમે, થઈ અજાણ લઈ એવો વળાંક;
તો તો નીકળેને આપનો જ વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

વાયરા કનેથી કહો, શીખ્યાં ન કેમ
સદા સાથે રહેવાનો મહાવરો?
વહેતો રહે કે પડી જાય યા ફૂંકાય તોય
મેલે ન આવરો ને જાવરો;
તમે મરજીથી આવો ને મરજીથી ગાયબ તો જીવતરના કેમ માંડું આંક?
બીજા કોઈનો શું કાઢવાનો વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૯/૦૩/૨૦૨૩)

ચાર મિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

વિડિયો કૉલ

(વિહંગાવલોકન… ….આર્ક ડિ ટ્રોમ્ફ, એફિલ ટાવર પરથી, મે-23)

વાગ્યા ધ્રબાંગધમ્ ઢોલ,
છાતીના ઓરડાનો સદીઓનો સન્નાટો ઓચિંતો ભાંગ્યો, લે બોલ:
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

‘કહી દઉં કે નહીં કહું?’ની ભીનીછમ માટીમાં
ખીલું-ખીલું વાણીની વેલ,
પણ નેણથી નેણ જ્યાં ટકરાયાં એ પળમાં
શબ્દોએ માંડ્યો કંઈ ખેલ,
કશુંય બોલવાનું રહ્યું ન સહેલ,
સ્મિતની એક નાની-શી વીજળી પડી ને અહીં ધરતી આખ્ખીય ડોલમડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

સ્ક્રીન પર તો આલિંગન-ચુંબન કંઈ થાય નહીં,
સ્ક્રીન પર વધાય નહીં આગળ;
તૃષા છિપાવવાના સ્થાને એ ભડકાવે
જાણે મયદાનવ રચ્યાં જળ-સ્થળ,
સમજ્યું સમજાય ના આ છળ,
ફરતોયે જાય અને વધતોયે જાય એવો વિરહનો આ તો ચકડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

– વિવેક મનહર ટેલર
(૧૯/૨૪-૦૪-૨૦૨૩)

 

 

(Les Invalides…
એફિલની ટોચેથી, પેરિસ, મે-23)

હોઠેથી ‘તરસું છું’ ડોકાયું….

તેરા સાથ હૈ તો…. …Jungfraujoch, Switzerland 2023

*

ઉમળકો ભીતરનો એવો તો છલકાયો, હૈયું આ રોક્યું ન રોકાયું,
‘કહેવું જ નથી કંઈ’ના દરવાજા તોડીને હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

નક્કી જ રાખ્યું’તું કે કાઢીશ આ વેળા હું
જન્મોજન્માંતરની ખીજ,
ઘનઘોર ગંભીર કાળા મેઘાની ઓથમાં મેં
ગોપવીને રાખી’તી વીજ,
કાળવી અમાસ બારમાસી મેં ધારી’તી
ઓચિંતી થઈ ગઈ કેમ બીજ?
આપમેળે હોઠ એમ વંકાયા જાણે તારા આવવાનું વેણ ન હો ભોંકાયું!
હૈયું આ રોક્યું ન રોકાયું.

નામ તારું આંજીને રાખ્યું એ આંખ્યુંને
કાજળ-બાજળ તો શી ચીજ?
લાલી શા ખપની એ ચહેરાને
જેને તારા આવવાની પૂરણ પતીજ?
સાજણ જ સાચો શણગાર છે બસ, મારે તો,
બાકી જે છે સૌ ખારીજ.
અભરે ભરાઈ ડાળો ખાલીખમ જીવતરની, નામ જરા તારું જ્યાં ટૌકાયું.
હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૨૦૨૩)

*

નામ જરા તારું જ્યાં ટૌકાયું… …Jungfraujoch, Switzerland 2023

ઊંઘવામાં કેમ કરી ફાવું?



12 meters tall Giant Thumb (Caesar’s Le Pounce)… …@La Defence, Paris, May 2023



*

આંખે ટકોરા દઈ અડધી રાતે તું પૂછે, સપનામાં આવી- હું આવું?
હું પછી ઊંઘવામાં કેમ કરી ફાવું?

ઊંઘનો નાજુક કાચ તૂટે તડ્ડાક દઈ,
ઝીણી ઝીણી કરચો પથરાતી…
અડખામાં, પડખામાં, વલખામાં, મનખામાં
ધીમુંધીમું તું ભોંકાતી;
આ બાણશય્યા પર લોહીનીંગળતી પ્રતીક્ષાને ક્યાં લગી તાવું?

મધદરિયે ઊંડાણે હોય નહીં હલચલ કઈં,
વહેણ ન અવાજ ન ઉજાસ પણ;
મધરાતે અહીંયા પણ દુનિયા સ્થિર થઈ ગઈ છે,
ચાલવાનું વિસરી ગ્યા શ્વાસ પણ,
હવે નિશ્ચેતન ઘડિયાળમાં ટકટક ભરે એ વહાણાંનાં વહેણ ક્યાંથી લાવું?

-વિવેક મનહર ટેલર
(૦૧-૧૨-૨૦૨૨)

હરિત પથ…. …પેરિસ, મે-2023

અવઢવ

હરિતપથ…. …પેરિસ, મે-2023

*

બહારે વરસે છે વરસાદ,
ભીતર તરસી દે વર સાદ,
ઉંબરમાં લઈને ઉન્માદ,
જાવું શીદ એ અવઢવમાં ફસાઈ ગઈ છું હું આબાદ.

આભેથી જે વરસે છે, એ છે મારો પહેલો પ્યાર,
ખાસ મારા કિસ્સામાં,
જે આવી એના હિસ્સામાં,
ફોરાંઓના ખિસ્સામાં
સાચવી રાખી છે એણે, મારી કોડીઓ અઢાર;
થાયે કેમ પછી આ છોડી,
પળમાં આવું બંધન તોડી, એના કામણથી આઝાદ?

ભીતર જે તરસે છે, એ છે મારા મનડાનો ભરથાર,
એના પર હું વારી છું,
તન-મન, સૂધ-બૂધ હારી છું,
એનીય પ્રાણપિયારી છું,
ભીંજાવા એની વહાલપમાં મારા રોમ-રોમ તૈયાર;
એના સાદનો ઝાલી હાથ,
કરવો છે એની સંગાથ મારે હોવાનો સંવાદ.

બેઉથી સરખો છે લગાવ, તો બંનેને સાચવવા,
બે છાંટા બહારથી ઝાલી,
ચાલી, હું ઘર ભીતર ચાલી,
થવાને પિયુની વહાલી,
તમે ક્ષિતિજ કહો કે સંધ્યા, ચાહું સંધિકાળ જ મનવા;
સંગતની રંગત ઉજવીશ,
ભીની છું, ભીનો કરીશ, આપીને લઈશ હું સોગાદ.

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૧-૨૦૨૩)

*

ક્રીડા…. Jardin des Tuileries, Paris, May-2023

તમે જ બાવન બા’રા

પારલૌકિક… સ્વિટ્ઝર્લેન્ડ, ૨૦૨૩

તમે જ અમારા બાવન અક્ષર, તમે જ બાવન બા’રા,
તમે અમારી શોધના દરિયા, તમે એકમેવ આરા.

કલમ તમે છો, તમે જ કાગળ, તમે જ ફકત લખાયા,
તમે અમારી કવિતાઓમાં ભાવ થઈ પથરાયા;
‘તમે મળો’ની કુંજગલીમાં અમે પૂરણ ભૂંસાયાં,
તમે અમારી એક જ મંઝિલ, તમે હરએક ઉતારા.

તમે અકળ છો, તમે સકળ છો, તમે છૂપા પરગટમાં,
તમે અમારી એક એક ઘટના, તમે અમારા ઘટમાં
તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..

– વિવેક મનહર ટેલર
(૦૨-૧૨-૨૦૨૨)

મારે પણ એક ઘર હોય…. સ્વિટ્ઝર્લેન્ડ, ૨૦૨૩

સોનેરી થ્યો ઇંતજાર…

યુરોપનો ગરમાળો….. …પેરિસ, મે 2023

*

ખોટો જ વવાયો છે, ઉખેડી નાંખું, ચલ! પલ-પલ આ આવે વિચાર,
બળબળતી લૂમાં પણ લૂમે ન ફૂલ એવા ગરમાળામાં શું ભલીવાર?

ગત ભવનું લેણું કઈં બાકી હશે તે એના પ્રેમમાં હું આ ભવમાં પડ્યો,
દર વરસે એના પર માંડી રહું મીટ હું કે – હમણાં ફળ્યો, હમણાં ફળ્યો…
પણ ભવભવનો વેરી ના હોય જાણે એમ એને ફર્ક નહીં પડે તલભાર.
ખીલ્યો ના નફ્ફટ લગાર!

ગામ આખામાં જે કોઈ ઉગ્યા છે એ સૌ પર સેરોની સેરો લળુંબે,
ઘરનો આ વધ્યો તો બમણું પણ એના પર લીલી નિષ્ફળતા ઝળુંબે…
ડાળ-ડાળ પાંદ-પાંદ માંડીને બેઠો છે જાણે એ ઠઠ્ઠાબજાર.
વરસો આ ચાલ્યું ધરાર…

કીધું, ના કારવ્યું, બસ, અચિંત્યો ઓણ એણે પહેલો પીળો શ્વાસ લીધો,
વર્ષોની અડિયલ લીલોતરીમાં જાણે ખુદ સૂરજે જ ચાંપ્યો પલીતો.
ખોટો વવાયાનો તાજો વિચાર થયો રાતોરાત વાસી અખબાર,
સોનેરી થ્યો ઇંતજાર…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪~૦૮-૦૫-૨૦૨૨)

*

ગરમાળો….. સ્વિટ્ઝર્લેન્ડ, મે 2023

હળવોહળવો હસ્તદાબ

હસ્તદાબ…. ….રાજા સીટ, કુર્ગ, 2023

શા માટે મધરાતે હૈયા પર વર્તાયો હળવોહળવો હસ્તદાબ?
ઓ સપના! તું દે ને જવાબ…

સદીઓથી ખાલીપો પગમાં પહેરી ચાલ્યે રાખ્યું એકાંત લઈ સાથમાં,
પગલાં કોઈના દે પગલામાં તાલ જાણે, હાથેય વર્તાય આજે હાથમાં;
નજરે ચડે ન એવા દેશમાંથી આવીને ઝાકળ જેમ ભીંજવે ગુલાબ..
હળવોહળવો હસ્તદાબ…

નક્કર આભાસ જાણે અણદીસતો કાચ, કદી નીકળી શકો ન આરપાર,
જીવતરનો બોજ સાવ હળવોફૂલ લાગે એવો છાતી પર વર્તાતો ભાર;
જિંદગી તો આવી છે રૂમઝૂમતી સામે પણ ચહેરા પર રાખી નકાબ…
ઓ સપના! તું દે ને જવાબ…

વણદીઠું, અણજાણ્યું, કોઈ તો છે જેના હોવાનો થ્યો છે વિશ્વાસ,
અડધી રાતેય મારા દીવડાની શગમાં કોઈ પૂરે છે તેલ જેવા શ્વાસ;
પલટાતાં પાસાંમાં નીંદર કચડાય તોય દિવસે તો અકબંધ રૂઆબ…
પણ જે કંઈ છે, છે લાજવાબ…

– વિવેક મનહર ટેલર
(૦૩-૧૧-૨૦૨૨)

વિસરાયેલી ધરોહર…. …હોયસાલેશ્વર (હાલેબીડુ), કર્ણાટક, 2023

હું ને તું ભેટ્યાં કે શું?

હું ને તું…. …હિમાલયન બુલબુલ, પાલમપુર, 2022

*

હું ને તું ભેટ્યાં કે શું?
ના.. ના.. ના..
આપણ બે જુદાં જ ન હોઈએ તો ભેટ્યાંને ભેટ્યાં જ કહીશું કે કંઈ બીજું?

આંખોમાં તું છે તો લોહીમાં જે વાંભવાંભ હિલ્લોળા લે છે એ કોણ?
બાંહોમાં હોય એ જ તું હો તો હૈયામાં ધકધક જે થાય છે તે કોણ?
કહે, ઓગળશે બંનેની સમજણ સૌ પહેલાં કે ઓગળીશું આપણ બે પહેલું?
નક્કી કર, હું ને તું ભેટ્યાં કે શું?

અળગાં જે હોય એને બાંધીય શકાય કોઈક રીતે ને કંઈકે સમ-બંધમાં,
અલગાવ જ લાગવા ન દે એ લગાવ અહીં વિકસ્યો છે ફૂલ ને સુગંધમાં;
આવા આપણા વળગવાને વળગણ કહીશું કે નામ દઈશું અદ્વૈત સમું ઊંચું?!
બોલ સખી, હું ને તું ભેટ્યાં કે શું?

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૭-૨૦૨૨)

*

હું અને તું… … દીવ, ૨૦૨૨

ફાગણની મોસમનો પહેલો કમાલ

*
ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.

પહેલાં પર અટકી રે’ એ શું કમાલ, ભઈ?
ગુલમોરના નામે જુઓ, કેવી ધમાલ થઈ?
ગરમાળા પીળા થ્યા, કેસૂડા કેસરી,
આંબાને પાન-પાન લૂમઝૂમતી મંજરી,
આભેથી આગગોળા વરસ્યા કે વહાલ, જુઓ!

કોકિલ બદમાશ કેવો! આભમાં કંઈ ચીતરે છે,
તડકાની હારોહાર ટહુકાઓ નીતરે છે,
ખાલીપો ખખડે છે વગડાના કણકણથી,
અભરે ભરાય છે એ સારસના ક્રંદનથી,
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…

સઘળું રંગાયું તો માણસ શેં બાકી રહે?
ક્યાં લગ એ લાલ-પીળા-ભગવાને તાકી રહે?
ફાગણના વાયુ સંગ કેવો આ નાતો છે?
બહારથી વિશેષ તો, ભઈ! ભીતરમાં વાતો એ,
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૬-૨૦૨૨)

*

સૂરજ પડ્યો શું માંદો?

તમારી યાદનો માંડવો…. …છત્તેડી, ભુજ, 2022

*

સૂરજ પડ્યો શું માંદો?
દીસે છે કેવો, ઊગ્યો હો જાણે ધોળે દહાડે ચાંદો.!

રણમધ્યે પૂગવા આવ્યો પણ તીર ન એકે તાતા,
રસ્તાઓના ચહેરા જુઓ, જરા થયા ન રાતા;
ધુમ્મસના ગોટાય હજી પડ્યા છે આળસ ખાતા,
દિ’ તો થ્યો પણ દિ’ જેવા એંધાણ જ ક્યાં દેખાતા?
એય વિમાસે, ઊગીને આણે કાઢ્યો છે શો કાંદો?

નાડ બતાવો, સૂરજ જેવો સૂરજ શીદ અળપાયો?
કુપોષણ છે? થાક ચડ્યો? બોરિંગ લાગ્યો ચકરાવો?
વૈદ મેલે હથિયાર તો જોષી-ભૂવા પણ તેડાવો-
કિયા તે ગ્રહનો ગ્રહસ્વામી પર પડ્યો છે પંછાયો?
ધરતી-અંબર એક કરો, પણ આણો કંઈક ચુકાદો.

એકસરખા તો જાય નહીં ને કોઈના સુખના દા’ડા?
બીજું કશું નહીં, શ્રાવણ-ભાદોના જ છે આ ઉપાડા,
વાદળ-ધુમ્મસ, ભેજ-મેઘ તો હંગામી રજવાડાં,
આજ નહીં તો કાલ ઊતરશે ફરી તેજનાં ધાડાં;
શ્રદ્ધા રાખો, રાહ જુઓ, નબળી ક્ષણ વીતી જવા દો.

– વિવેક મનહર ટેલર
(૦૩/૧૩-૦૯-૨૦૨૨)

*

ધોળાવીરા, 2022

આંધી! તું પૂરજોર આવ…

અમને ઉખાડી બતાવ… ….પાલિતાણા જતાં, ૧૫-૦૮-૨૦૨૨

*

આવ, આંધી! તું પૂરજોર આવ
અમને મૂળથી ઉખાડી બતાવ…

એક જ લપડાકમાં ઊડી ગ્યા હોંશ અને થઈ ગ્યા જમીનદોસ્ત સહુ,
ટકશું-ફંગોળાશું, બચશું-ના બચશુ – કંઈ પલ્લે પડે ના, શું કહું!
આમ તો તું આવીને ચાલી જાય, આંધી! પણ ઓણ સાલ લંબાઈ બહુ,
આ ગમ કે ઓ ગમ કે ચોગમ જ્યાં જ્યાં જુઓ, તારો જ દીસે પ્રભાવ,
કોને કહીએ કે અમને બચાવ ?!
આવ, આંધી! તું પૂરજોર આવ…

જોયો છે બોલ કદી, છોડ તેં લજામણીનો? અડતાવેંત આળપે જે જાત,
ડર્યો છે, મર્યો છે, માનીને હરખે એ હરખાની ભૂલ, બલારાત;
ડૂબ્યાને ડૂબ્યો ના ગણશો, સૂરજ ફેર ઉગશે જ થઈને પ્રભાત…
આલ્લે! અમેય ફરી સીધા થઈ ઊભા! નથી અમ પર કઈં તારો પ્રભાવ,
હતું ઝૂકવું એ કેવળ બચાવ…
અમને મૂળથી ઉખાડી બતાવ…

વિવેક મનહર ટેલર
(૧૬-૦૫-૨૦૨૨)

*

બહાર આવું કે? … …….સુગરી, પાલિતાણા જતાં, ૧૫-૦૮-૨૦૨૨

ફરી ખીલ્યું કાસાર

એક બુંદ પણ બચ્યું નથી લગાર… કમળકાસાર, ડુમસ, મે ૨૦૨૨

*

તળ લગ જળનું એક બુંદ પણ બચ્યું નથી લગાર,
ખાલીખમ કાસાર,
કમળનાં ક્યાંથી મળે આસાર?

ઓણ તાપ વરસ્યો કંઈ એવો
ધરતીનાં ભીનાં સ્વપ્નોને અંગઅંગથી ફૂટ્યો લૂણો,
દૂર દૂર લગ આંખ જ્યાં પહોંચે
એ તો ઠીક પણ આંખમાં સુદ્ધાં બચ્યો ન એકે ભીનો ખૂણો,
સૂરજ ના ઊતર્યો ઊણો
તો પાણીનાં પાણી ઊતર્યાં ને ફાટ્યું પડી અપાર…
કમળનાં ક્યાંય નથી આસાર…

તરસ્યા પાસે સામે ચાલી
કૂવો આવે એવું કૌતુક થયું પ્યાસ જ્યાં આવી નાકે,
વાદળનાં ધણનાં ધણ આવ્યાં
કોઈ ન જાણે, ક્યાંથી આવ્યાં આમ અચાનક ને કોણ હાંકે?
હવે ના લગરીક બુંદો થાકે,
તિરકીટ તિરકીટ ધા ધા તિરકીટ થતું રહે દેમાર,
જુઓ તો, ફરી ખીલ્યું કાસાર.

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૮/૧૬-૦૯-૨૦૨૨)

*

જુઓ તો, ફરી ખીલ્યું કાસાર… …કમળકાસાર, ડુમસ, ઓગસ્ટ ૨૦૨૨

આખ્ખું આકાશ પહેરી

આખ્ખું આકાશ…. . …નેત્રંગ, 2021

*

આખ્ખું આકાશ પહેરી આવી તું સામે, મને સૂઝયું નહી મારે શું કરવું,
ધડકન તો ધડકન, હું ચૂકી ગ્યો સાવ તારી તારીફનું પાનું ઉતરવું.

આમ તો પટોળું હતું આસમાની તોય ઝાંય વર્તાઈ સઘળે ગુલાબી,
ધરતીથી વ્હેંત-વ્હેંત ઊંચો હું ચાલું, જાણે હાથ લાગી ઊડવાની ચાવી;
વરસોનાં વહેણ એક પળમાં ભૂંસીને ઋત સોળવાળી પળમાં થઈ હાવી,
રોમરોમ નર્તંતા હોય એવી પળમાં શીદ પાંપણ ભૂલી ગઈ પલકવું?
ધડકન તો ધડકન, હું ચૂકી ગ્યો સાવ તારી તારીફનું પાનું ઉતરવું.

હાથોમાં હાથ લઈ ‘કેમ છો’ પૂછી, હોય શોધવાની બેસવાની જગ્યા,
કોફીના કપમાં ઓગાળવાના ધીમેથી મીઠા એ દિવસો, જે વહી ગ્યા;
નકશો તૈયાર હતો મનમાં પણ ટાણે જ અહલ્યાબાઈ થઈ ગયાં શલ્યા,
અંતરથી અંતરનું અંતર ઘટાડવાનું, ત્યાં જ અંતરનેટનું બટકવું…
મને સૂઝયું નહી મારે શું કરવું.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૨/૦૫-૦૬-૨૦૨૨)

*

વારકા બીચ, ગોવા, ૨૦૨૧

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?

ઠસ્સો…. ….યલો બિલ્ડ બ્લૂ મેગપાઇ, મેકલિઓડગંજ, 2022

*

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?
આ જો, રણમધ્યેથી નંદકુંવર નાનુડો પાડી રહ્યો છે મને સાદ!
મને ગોકુળિયું આવે છે યાદ..

હાથમાં જે રથની લગામ છે એ જાણે કે મા-બાંધી હીર તણી દોર,
ગોધૂલિવેળાની ઘૂઘરી છે ચારેકોર, ગાયબ રણભેરીનો શોર;
વણતૂટ્યાં શીકાં ને વણમાંગ્યા દાણ, જો ને, અહીં આવી કરે ફરિયાદ.
મને ગોકુળિયું આવે છે યાદ..

લોહી અને આંસુથી લાખ ગણું સારું હતું ગોરસ ને દહીં વહેવડાવવું,
થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
તને એકલાને ક્યાં છે વિષાદ?

-વિવેક મનહર ટેલર
(૧૯-૨૧/૦૫/૨૦૨૨)

*

Brooding…. …yellow billed blue magpie, MacLeod Ganj, 2022

ગરમાળાનું ગીત…

ખીલ્યા સૂરજ ડાળે ડાળે..

*

કેવો ટ્વિસ્ટ લીધો ગરમાળે,
ઊગ્યા સૂરજ ડાળે-ડાળે.

લીલી નિરાશા ને વીલી પ્રતીક્ષાએ
સદીઓ લગ કેવો ટટળાવ્યો!
ખોટું વવાયાની ખાતરીને છેલ્લે પો’ર
સરપ્રાઇઝ આપીને જગાડ્યો,
અધખુલ્લી આંખો ને બારીમાં થઈને મને
પીળી આશાઓ પંપાળે…

શ્રદ્ધા-સબૂરીના સાઇનબૉર્ડ થઈ હવે
સેરોની સેરો ઝળુંબશે,
રોજ-રોજ થોડાં થોડાં તડકાના ટીપાંઓ
મારા હોવાને અજવાળશે;
મારા માટે છે હવે ઉજળો-હૂંફાળો
ઉનાળો જે દુનિયાને બાળે.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫-૨૦૧૯)

*

ઉષ્ણચક્ર…

…પણ હું તો છું પિંજરમાં કેદ!

નીલ ગગન કે તલે… …હિમાલયન ગ્રિફન વલ્ચર, મેકલિઓડ ગંજ, ૨૦૨૨

*

આભ મહીં ઊડનારું પંખી તું ઝંખે પણ હું તો છું પિંજરમાં કેદ,
મને ઊડવાનો નથી નિર્વેદ, પણ તને આટલું હું કહું છું સખેદ.

ઝરણાંને બાંધ્યાં બંધાય નહીં, કલરવ પણ કંઠ મહીં કેમ રહે બંધ?
વેલીને વધવાની સાથે, ને વાયુને વહેવાની સાથે સંબંધ;
કુદરતમાં કોઈનોય આઝાદી સાથે શું જોવા મળે છે વિચ્છેદ?
ના કોઈ સરહદ, ના ભેદ,
…પણ હું તો છું પિંજરમાં કેદ.

પણ મારા પગને તો જોડામાં રહેવાનું શિખવાડાયું છે જનમથી,
કાયા જેમ કપડાંમાં એમ મારું હૈયું પણ છાતીમાં રહે છે નિયમથી,
દુનિયાએ બાંધેલા નિયમોની વાડ મારી આંખોને માટે છે વેદ.
ક્યાંય ના કો’ બારું- ના છેદ
મને ઊડવાનો નથી નિર્વેદ.

અડચણ જગ આખાની જાઉં વળોટી પણ જાતને વળોટવાની કેમ?
તાણાવાણા જે ગળથૂથીએ ગૂંથ્યા એ તોડતા શીખવશે શું પ્રેમ?
ઓગાળ્યે ઓગળતો કેમ નથી ભીતરની સાંકળ પર જામેલો મેદ?
મેં તો લોહીનોય કર્યો પ્રસ્વેદ…
બસ, આટલું હું કહું છું સખેદ.

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૨-૨૦૨૧)

*

કેચ મી ઇફ યૂ કેન… …હિમાલયન ગ્રિફન વલ્ચર, મેકલિઓડ ગંજ, ૨૦૨૨

મૂંઝારો

ડૂબકી…. … અમૃતસર, ૨૦૨૨

*

કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. કૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા. અક્રૂર કૃષ્ણને મથુરા લઈ આવ્યા. ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ ઉદ્ધવને પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા વૃંદાવન મોકલ્યા, કારણ કે કૃષ્ણ કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, હવે માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…

*

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)

ખજ્જિયાર, ૨૦૨૨

તું ના આવે એ ચાલે?

પ્રકૃતિનો રંગપર્વ…. …. સૂર્યાસ્ત, મેકલિઓડગંજ, હિમાચલ પ્રદેશ, ૨૦૨૨

*

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?

કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?

ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)

એક તારા અવાજના ટાંકણે…

સાચવી સંકોરીને…. દમણ, ૨૦૨૨

સાચવી-સંકોરી મેં કાચની એક પેટીમાં બંધ કરી દીધી’તી જાતને,
થઈ ગઈ સમૂચી એ પળભરમાં ચકનાચૂર, તારા અવાજ તણા ટાંકણે.

બેઉ જણે સમજી-વિચારીને કીધા’તા મળવાના દરવાજા બંધ,
ધ્યાન પાછું બંનેએ રાખ્યું’તું એનું કે બારસાખને આવે ન ગંધ,
દરવાજા ભીંતોમાં ફેરવાતા ગ્યા અને હું-તુંમાં ફેરવાયાં આપણે.
એક તારા અવાજ તણા ટાંકણે…

ડૂબ્યાં’તાં બંને જણ નિજનિજના દરિયામાં વણકીધી વાતોનો ભાર લઈ,
ઓચિંતો પરપોટો લઈ આવ્યો બહાર, બોલ, ક્યાંથી ને કેમની આ વહાર થઈ?
સદીઓની દૂરી ને જન્મોના મૌન પછી એકાએક સૂઝ્યું’શું આ તને?
એક તારા અવાજ તણા ટાંકણે…

– વિવેક મનહર ટેલર
(૦૭-૧૨-૨૦૨૧)

પૂરાં કીધાં છે પચ્ચીસ…

Two-gether…

*

ભીંસ હજી ભીંસ હજી ભીંસ હજી ભીંસ
હૈયું ચીરીને છેક ભીતરથી નીકળે ના જ્યાં સુધી વહાલપની ચીસ.

ત્સુનામી, ધરતીકંપ, આંધી-વંટોળ અને જ્વાળામુખીય ઘણા ફાટ્યા,
સોંસરવાં ખંજર હુલાવી હજારવાર ખુદને ખુદ જીવતેજીવ દાટ્યા;
સાંધો જ્યાં બાર, તેર તૂટે એ દહાડા વલોવીને અમરતને ખાટ્યા,
અને બાર વત્તા તેર એમ માંડી હિસાબ આજ પૂરાં કીધાં છે પચ્ચીસ.
હજી કાઢીએ એકાદ-બે ‘પચ્ચીસ?’

હાથોમાં હાથ લઈ એવો સંગાથ કીધો, મારગ ખુદ ભરતો સલામી,
માઇલોના પથ્થર વિચારે છે- ‘વીતવામાં જલ્દી કરી બેઠા ખાલી;’
ઉંમરનાં પાન પીળાં પડતાં ગ્યાં એમ એમ છોડ ઉપર વધતી ગઈ લાલી,
હવે ઢળતા સૂરજની સાખ દઈએ એકમેકને, આગલા જનમના પ્રોમિસ,
ના, ના, ભવભવ તને જ પામીશ.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૨૨)

*

ચલો દિલદાર ચલો…. … મલેશિયા, ૨૦૧૮

ક્યાંય કવિતા ના પામ્યા…

Twogether…. કિલ્લો, મોટી દમણ, ૨૦૨૧

*

એક પછી એક સામયિકોનાં પાને પાનાં ઉથલાવ્યાં,
શબ્દોનાં ધાડાં મળ્યાં પણ ક્યાંય કવિતા ના પામ્યા;
મનજીભાઈ તો મૂંઝાયા…

રદીફ કાફિયાના ડબ્બા લઈ બે મિસરાના પાટા પર,
ગોળ ગોળ કાપ્યે રાખે છે ગઝલોની ટ્રેનો ચક્કર;
બેતબાજી ને તુકબંધી, લ્યો! ડબ્બે ડબ્બે સચરાચર,
પણ એકેમાં કયાંય જડે નહીં શેરિયત નામે પેસેન્જર,
સ્ટેશન-બેશન છે જ નહીં, આ ક્યાં બેઠા? શીદ ચકરાયા?
મનજીભાઈ તો મૂંઝાયા…

થોડી ગઝલો, થોડાં ગીતો, થોડાં અછાંદસ, સૉનેટો,
સૂંઠના ગાંગડે ગાંધી થાવા નીકળી પડ્યા છે પંડિતો,
પદક્રમને લાતે ફંગોળો, વ્યાકરણને બે મુક્કા ઝીંકો,
તમે છો સર્જક, તમે છો બ્રહ્મા, મનમરજી પડે એ છીંકો…
બોડી બામણીનું ખેતર છે, વિવેચક સૌ કુમ્ભકર્ણાયા…
મનજીભાઈ તો મૂંઝાયા…

સંપાદકને મેગેઝીનના પાનાં ભરવાથી મતલબ છે,
કોણ છે નવરું જોવા કે બકવાસ લખ્યું છે કે કરતબ છે?
કંઈ ન હો તો સૉશ્યલ મીડિયા હાજર જ છે ને અનહદ છે,
લાઇક્સ, કમેન્ટ, ને શેરની દુનિયા, નેતિ નેતિની સરહદ છે,
કોણ નથી ખેંચાયું વાટકી વહેવારના દરિયામાં, ભાયા?
મનજીભાઈ તો મૂંઝાયા…

– વિવેક મનહર ટેલર
(૨૮-૨૯/૧૦/૨૦૨૧)

હું આખી થઈ ગઈ સુગંધ…

મારા ઘરની રાણી…. રાતરાણી, ૨૦૨૦


*
ખોબોભર રાતરાણી પાલવમાં પડતાવેંત હું આખી થઈ ગઈ સુગંધ
આ કેવો ઋણાનુબંધ!

લખી-વાળીને હું બેઠી’તી જીવતરને, અચિંત્યો આવ્યો ત્યાં તું,
છોડી દીધા’તા એ શ્વાસોને શ્વાસોમાં ફેર ભરી લાવ્યો ‘લ્યા તું;
રોમરોમ નર્તે છે વણકીધા સ્પર્શોથી, પ્રેમનો આ કેવો પ્રબંધ!
ખુદ ફૂલ જાણે ભમરામાં બંધ!

શું કીધું, વર્ષોની વાટ ફળી એમાં મેં શીદ લીધો આવડોક ઉપાડો?
બહુ નહિ, ઓ સૈંયાજી! બે જ ઘડી માટે લ્યો, વિરહનો બોજ તો ઉપાડો;
લગરિક ફરિયાદ નથી, પ્રથમી સાહીને ભલે ઝૂકી ગ્યા મારા બેઉ સ્કંધ
છું હું તારી જ ને છું અકબંધ.

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૪/૦૬/૨૦૨૦)

*

ખોબોભર??? રાતરાણી

આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી

*

એવું નથી કે મેં તને પહેલાં ન જોઈ’તી,
પણ આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી.

પહેલાંય તારી ચાલ, જે આજે છે એ જ હતી,
ને ગાલ પર ખંજન હતાં પહેલાંય આનાં આ જ;
પહેલાંય રોકટોક વિના કરતી તું તારી વાત,
જેનાથી વાતે-વાતે હું આવી જતો’તો વાજ,
સઘળું છે એનું એ છતાં શીદ એનું એ નથી?
શું આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી?

રસ્તામાં આજે હું મને સામો મળી ગયો,
ઓળખી જ ના શકાયું, મને હું જ છળી ગયો;
તુજ ચાલ, ગાલ, બકબક -સઘળું ગમે છે કેમ?
આ માર્ગ ક્યાંથી નીકળ્યો’તો ને ક્યાં વળી ગયો?
મારામાં હું નથી, તું છે તારામાં શું હજી?
હા, આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી!

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૧-૨૦૨૧)

*

હું ગીત છું પણ…

પર્પલ રમ્પ્ડ સનબર્ડ, ગોવા, ૨૦૨૧

હું ગીત છું પણ હૈયામાં બંધ,
કોઈ ધક્કાનો કરજો પ્રબંધ,
કે આડબંધ તૂટે ને ધડ ધડ ધડ ધડ ધડ ધડ વહેતો રે આવે મુખબંધ…

દિલની તિજોરીને ચાવીગર પાસે લઈ જઈ કહ્યું, ખોલી દે તાળું,
મૂઆએ તાળાંને ફટ્ટ કરી ‘રાઇટર્સ બ્લોક’ નામ દઈ દીધું રૂપાળું;
લ્યા! નામમાં તે એવાં શાં દટ્ટણપટ્ટણ, તને કામ નથ દેખાતું, અંધ?

રેખાની માયામાં પેન અટવાઈ છે, એવું કૈક જોશીડો ભણ્યો,
ભૂવાએ કાળ તણું નારિયેળ વધેર્યું ત્યાં ખાલીપો માલીપા ધૂણ્યો,
રામ જાણે! હચમચ ક્યાં ગઈ જે કંપાવતી’તી આંગળીથી માંડીને સ્કંધ.

મારગમાં જ્ઞાની એક મળ્યો એ બોલ્યો, કોઈ દિલના માલિકને તરસાવે,
થોડીક મહેર કે પછી થોડોક કહેર અગર એની ઉપર જો વરસાવે,
સંભવ છે તો જ ફૂટે ફૂવારો ક્યારનો જે ભીતર રહ્યો’તો અકબંધ.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૪/૦૮/૨૦૨૧)

ક્રિમસન સનબર્ડ, ગોવા, ૨૦૨૧

દરિયામાં સ્કુબા તો શીખી લીધું…

Scuba Diving at Andaman, 2013

દરિયામાં સ્કુબા તો શીખી લીધું મેં, પણ હૈયામાં ખાલી સ્નૉર્કેલિંગ,
આજ કરી લઉં છું આ વાતનો સ્વીકાર હું કે આજ મારે કરવું છે ડેરિંગ.

માસ્ક ભીતર પાણી ભરાઈ જાય અથવા તો પાઇપ જાય મોઢેથી છૂટી,
તળિયા લગ પહોંચતાં જ પ્રેસર ગેજ ચિત્કારે: ઑક્સિજન ગયો છે ખૂટી;
દરિયાના તળમાં તો હિંમત જ બેલી, ને માલમ સબૂરી જે ઘૂંટી
રંજ છે કે આ સઘળા કીમિયા હું શીખ્યો, પણ સંબંધમાં લીધી ના ટ્રેનિંગ.
દરિયામાં સ્કુબા તો શીખી લીધું મેં, પણ હૈયામાં ખાલી સ્નૉર્કેલિંગ,

પાણીમાં પાણી થઈ સામુદ્રી સૃષ્ટિના એક-એક અચરજ હું નાણું,
કોરલ કે રીફને કંઈ હાનિ ના પહોંચે એમ એની વિવિધતા હું માણું,
માછલીના ટોળાંમાં માછલીની જેમ કેમ સરવું એ કીમિયો પણ જાણું;
હૈયાને પહોંચે ના હાનિ-ખલેલ, એવો જીવતરમાં બન્યો ના કેરિંગ.
દરિયામાં સ્કુબા તો શીખી લીધું, હા, પણ હૈયામાં ખાલી સ્નૉર્કેલિંગ.

– વિવેક મનહર ટેલર
(૧૮-૧૯/૦૭/૨૦૨૦ – ૦૨/૦૭/૨૦૨૧)

સમુદ્રના ભીતરી ઐશ્વર્યને માણવાની બે કારગત તરકીબ એટલે સ્નૉર્કેલિંગ અને સ્કુબા.

સ્નૉર્કેલિંગ આસાન છે. ફેસ-માસ્ક અને મોઢાથી પકડેલી પાઇપનો એક છેડો પાણી બહાર રહે એમ દરિયાની સપાટી પર તરતા રહી જળચર સૃષ્ટિ અને પરવાળાં (કોરલ)નો આનંદ લેવો એ સ્નૉર્કેલિંગ.

સ્કુબા કડક તાલિમ વિના શક્ય નથી. દરિયાની ઠેઠ ભીતર સ્કુબાનો ડ્રેસ, ફેસ-માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજનની માત્રા સૂચવતો પ્રેસરગેજ, વિ. અસબાબ ધારીને દરિયામાં એકદમ ઊંડે જઈને સચરાચર સૃષ્ટિનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરવાનું સાહસ એટલે સ્કુબા.

હું અને મારો દીકરો સ્વયમ –બંને PADI સર્ટિફાઇડ સ્કુબા ડાઇવર છીએ અને દુનિયાના કોઈપણ દરિયામાં અમે બે buddies કોઈપણ ગાઇડ વિના ૬૦ ફૂટ સુધી ઊંડે જઈ શકવા સ્વતંત્ર છીએ.

આ બંને તરકીબોને અડખેપડખે રાખીને એક ગીત લખવાનો પ્રયાસ કર્યો છે… આશા છે, આપને ગમશે… આપના પ્રતિભાવ અવશ્ય આપજો..

Scuba Diving at Maldives 2002

Scuba diving at Great Barrier Reef, Australia 2019

વહેમનાં ગીત



*

‘લખે છે શું તું?’ -તેં પૂછ્યું; મેં કહ્યું કે, ‘પ્રેમનાં ગીત!’
‘પ્રેમ વળી કઈ ચીજ?,’ તું બોલી, ‘કહે કે વહેમનાં ગીત.’

‘પ્રેમ ઉપર લખવાનું કોણે બાકી રાખ્યું, બોલ?
પ્રેમના નામે જગ આખામાં ઓછા ફાટ્યા ઢોલ?
પોચટ સપનાં, પોચું બિસ્તર છોડી આંખો ખોલ;
પ્રેમનાં ગીતો પડતાં મૂક તું, પ્રેમ છે પોલંપોલ,
નવું કશું પણ બચ્યું નથી તો લખશે કેમનાં ગીત?

‘પ્રેમ નહીં પણ પ્રેમના ભ્રમમાં રાચે છે સંસાર,
પ્રેમના નામે કરે છે સઘળાં જાતની સાથે પ્યાર;
પ્રેમ છે ઈશ્વર સમ, છો એનો કરે બધા સ્વીકાર,
પણ કોઈને સાચા અર્થમાં થયો શું સાક્ષાત્કાર?
મળ્યા નથી, ન મળશે કોઈ દી લખે તું જેમના ગીત.’

વાત સાંભળી તારી મેં પણ પેન મૂકી બાજુએ,
પ્રેમ નથી એ માની લઉં છું, વ્હેમ છે રૂંવે રૂંવે;
પણ ચશ્માં કાઢી તારાં તું જો નજરથી મારી જુએ-
દેખાશે કે ટકી છે દુનિયા ભ્રમના આ તંતુએ
પ્રેમનાં ગીતો બીજું તો શું છે? કુશળક્ષેમનાં ગીત!

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૨૦)

લટ

મનોર, સપ્ટેમ્બર-૨૦૦૭

*

ફટ ચહેરા પર આવી જે લટ
સૈં! સમજી લે એને ઘુંઘટ!

અચિંતો આવી ઊભો મનનો માણીગર ને જડ્યું ના સંતાવા ઠામ,
આફતની વેળ લટે આગળ આવીને કેવું કીધું જો ડહાપણનું કામ;
વીજ અને વાદળને ઢાંકી દઈને એણે પત મારી રાખી ઝટપટ!
પણ હૈયું તો ધકધક નટખટ!

લટને હટાવીને લુચ્ચાએ જે ઘડી આંખ્યુમાં આંખલડી પ્રોઈ,
પગ તળે ધરતી હતી જ નહીં એ છતાં ડરી ના હુંય વાલામોઈ;
હળવેથી વાળને આગળ આણીને ફરી જાળવી લીધો મે મારો વટ!
ને કહી દીધું, જા આઘો, હટ!

– વિવેક મનહર ટેલર
(૧૮-૧૨-૨૦૨૦)

પારિજાત – વિવેક મનહર ટેલર

ઘર આંગણે પારિજાત

કહે આંગણે ખીલેલું પારિજાત –
કાશ ! ઓરું ના આવે પ્રભાત,
મારી સૈયા સાથે છે મુલાકાત…

સૂરજની સાથે જે ખરવાનું ઊગે એ કોને ન લાગે અકારું?
પણ ખરીએ તો જ માથે પૂગાશે એ કારણે ખરવું પણ ગણ્યું છે પ્યારું;
બે પળ જો પહો ફાટે મોડું તો આજ થોડી જાત વધુ થાય રળિયાત.

દરિયાની નોટબુકમાં હોડીનું ટપકું એમ રાત મહીં મારો ઉજાસ,
પણ અંધારે ઓગળેલી ડાળખીને એથી જ તો મળે છે પોતાનો ક્યાસ;
આંગણામાં ઉતર્યું છે મુઠ્ઠીભર આભ, અને તારાભરી છે તારી રાત..

– વિવેક મનહર ટેલર
(૧૬-૦૯/૧૫-૧૨-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: હરીન્દ્ર દવે ~ રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત)

કોરો ના કોઈ રહી જાય…



ગયા વરસે આ બે પંક્તિ લખી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એક વરસ પછી પણ આ પંક્તિઓ એવી ને એવી જ પ્રસ્તુત રહેશે. ગયા વરસની એ બે પંક્તિઓને આ વરસે ગીતમાં ઢાળીને આપ સહુ સમક્ષ રજૂ કરું છું… આશા છે, આ સંદેશો કોઈ રીતે આપણને કામ લાગે…

કોરો ના કોઈ રહી જાય એય જોજો,
કોરોના કોઈને ન થાય એય જોજો

ચુટકીનું કામ ચુટકીભરમાં થઈ જાય અને
ડિસ્ટન્સનું ધ્યાન રાખી કરજો નમસ્તે;
સ્પર્શનો અભાવ કંઈ તડકો નથી કે
ઊડી જાશે સંબંધ જાણે ઝાકળના રસ્તે;

ગુલાલ ગાલ લાલ કરી જાય એ તો જોજો જ,
પણ વાઇરસથી કોઈ ના રંગાય એય જોજો.

વેક્સિનની નાનકડી પિચકારી લઈને
દેશ આખાને રંગવો એ અઘરું છે ટાસ્ક,
મસમોટા માસને બચાવવો જો હોય તો
એકમાત્ર હીરો છે મોઢા પર માસ્ક;

‘આવજો’ રખે ને કહેવાઈ જાય, જોજો,
ને કહેવાનું છે બાય બાય, એ ય જોજો

– વિવેક મનહર ટેલર
(૦૩-૨૦૨૦/૨૮-૦૩-૨૦૨૧)

નીર ગયાં શું ભાળી?



કોરાકટ કાંઠા પર ઝૂકી પૂછે કદંબ ડાળી*
નદી અહીં વહેતી’તી પહેલાં, ક્યાં ગઈ દઈ હાથતાળી?

હલકાળી લટકાળી કેવી રૂપાળી જોરાળી!
ધીરજની નદીઓમાં પહેલાં સદીઓ જાત પખાળી;
પણ ગાય વસુકે એ પહેલાં તો સૂકે ચડી ભમરાળી,
કહાન પછીતે નીકળી ગઈ કે રીસમાં થઈ છે આળી?

રાધાએ પણ બંધ બાંધીને આંસુ રાખ્યાં ખાળી,
ગોપીઓ પણ જાત ઝબોળી નહાવાનું રહી ટાળી;
કાળા જળને જે મસ્તીઓ દેતી’તી અજવાળી,
મેશનું ટીલું રેલી ગ્યું ને નજરું લાગી કાળી.

ક્યાંય નથી માધવ એ ગાતાં યુગયુગ વાટ નિહાળી,
આવન કહ ગયો, અજહુઁ ન આયો**, કેવો છે વનમાળી?
નીર ગયાં શું ભાળી?

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૨૦)

(પુણ્ય સ્મરણ:
*હરીન્દ્ર દવે- કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી
**અમીર ખુસરો – आवन कह गए, अजहूँ न आए)

કદંબ ફળ…

વનફૂલ

તારા વગર તો હું એવી છું, વહાલમ, જેમ બારણાં વિનાની બારસાખ,
હોવાનો અર્થ જ હું ખોઈ બેસું સાવ જ એ પહેલાં તું આવવાનું રાખ.

કિલ્લાએ પહેરેલી સદીઓની હવ્વડ આ ઇંતજારી રાખી કબૂલ,
જોજે તું, કાળથીય પહેલાં ન થઈ જાયે રાંગ તણી ઈંટ ઈંટ ધૂળ;
આડેધડ ઊગેલાં બાવળિયાં વચ્ચે પણ ખીલ્યું છે એક વનફૂલ,
ખરી ખરી ફરી ફરી મ્હોરે છે એમ જાણી આ ભણી કરશે તું આંખ.
વહાલમ! વેળાસર આવવાનું રાખ.

એક પછી એક ઋતુ બદલાતી જાય, મારી બારમાસી મોસમ છે તું,
આવે ને જાય કંઈ કેટલુંય અંદર પણ અણછૂઈ અણોસરી છું હું;
એક તારી ચડાઈમાં મારી વડાઈ, બીજા સઘળામાં જૌહરની લૂ,
તારે ખાતર હું ઇતિ-હાસ થઈ પથરાઈ, છે તને વાંચવાની ધાખ?
વહાલમ! એકદા તો આવવાનું રાખ.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૯-૨૦૨૦)

વનફૂલ… .સોનગઢનો કિલ્લો, ૨૦૨૦

આમ ન રેઢી મેલ

આમ ન રેઢી મેલ,
ગીતની જેમ જ આવી ગઈ છું, પોંખ, ના તું હડસેલ.

વૃંદાવનની કુંજગલીમાં કર્ફ્યુ થયો છે અમલી,
કાયા છોડી પ્રાણ ગયા છે, ફરકે ના એક ચકલી;
સન્નાટાનો ગોવર્ધન પડ્યો છે, ક્યાં છે ટચલી?
ધીમે ધીમે તો પણ પગલી ભરી રહી આ પગલી,
છો ના આવ્યો તું, હું આવી, દુનિયા આઘી ઠેલ.
આમ ન રેઢી મેલ.

હશે ભલે, હું બોલી ગઈ કંઈ, એમાં તે શું આમ
સંગોપી લઈ સરસામગ્રી, કીધા નવા મુકામ?
હું રુઠું એ ઠીક પણ લાગે, તું રીસે ઘનશ્યામ?
સૉરી કહું છું, મન મોટું કર, મોટું છે તુજ નામ.
સાથ જ ગોકુળ, સાથ દ્વારિકા, સમજ જરા, વંઠેલ!
આમ ન રેઢી મેલ.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૪-૨૦૨૦)

થનગાટ… કાન્હા, ૨૦૧૭

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીત,
નહીં કરેલી થઈ ગઈ પ્રીત, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીત;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)

જન્મદિવસ પર સુમધુર સ્નેહકામનાઓ, વહાલી વૈશાલી…

મોરપિચ્છની રજાઈ ઓઢો…

મોરપિચ્છની રજાઈ ઓઢો, બંધ કરી દ્યો આંખ્યું,*
અમે તમે પોઢો એ માટે મઢી વીંઝણે જાત્યું,
કાનજી! આ તો પ્રેમ, પ્રેમની વાત્યું!

સરજનહારની લીલા અપરંપારનું એ ઉખાણું,
પાઠ ભજવવા બેઠા એનો, તંઈ જઈને સમજાણું;
સકનભર્યા રે’ દન અમારા, સપનભરી રે’ રાત્યું-
એથી એણે કદી ન પોપચું વાખ્યું.

ચૌદ ભુવનના નાથનું આજે કરવા મળ્યું રખોપુ,
ઉજાગરા ભવભવના લઈને નીંદર બે પળ સોંપું;
હળવા-હળવા શ્વાસના દોરે સપનું આ એક કાંત્યું,
પ્રભુ! અમે પણ ધ્યાન જરા તો રાખ્યું!

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૧-૨૦૨૦)

( *પુણ્ય સ્મરણ: શ્રી સુરેશ દલાલ: મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સૂઓને શ્યામ, અમને થાય પછી આરામ…)

કાન્હા, મે-૨૦૧૭

ખુદની કેડી લે લો…

ઠાગાઠૈયા મૂકો રામજી, અલબત-શરબત ઠેલો*,
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

એની એ ગઝલો ને ગીતો, એનાં એ સૉનેટો,
એક પછી એક કેટલી પંગત? થાળ સદાનો એંઠો;
નિજના મીઠાં-મરચાં વિણ શું થાળ બને અલબેલો?
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

વ્યાસ, વાલ્મિકી, હૉમર બોલો કોણે કોને વાંચ્યા?
અવાજ સૌનો નોખો, નોખાં કાવ્યો, નોખી વ્યાખ્યા.
પછી જ પડશે ધારો, પહેલાં તો કોઈ થાયે પહેલો.
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

દુનિયાના દરિયેથી જડ્યાં, ફગાવ સઘળાં મોતી,
ડૂબકી દઈને ખુદની ભીતર, એક કંકર દે ગોતી;
કાલે એને ભજશે સૌ, છો આજ તને કહે ઘેલો.
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૬-૨૦૨૦)

(*પુણ્યસ્મરણ: રાવજી પટેલ – ‘ઠાગા થૈયા ભલે કરે રામ! આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું’)

ખુદની કેડી… …ધ નેક, બ્રુની આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ૨૦૧૯

હું છું crazy-fool!

હાથ ફેરવી દે તું માથે, મને કરી દે cool,
હું નાની છું, મારાથી તો થતી રહે છે ભૂલ,
હું છું crazy-fool!

ઘુવડ પેઠે રાત–રાતભર ક્યાં લગ જાગું, બોલ?
જામી ગયેલાં તાળાવાળી મનની પેટી ખોલ;
ઉધઈ-ખાધાં કાગળ- જે કંઈ તું કાઢે એ કબૂલ.
બધું કરી દે ડૂલ, એકમેકમાં થઈએ મશગૂલ.
હું છું crazy-fool!

સો વાતની એક વાત છે, ચણભણ થતી જ રહેશે,
વેલી નાજુક લાગે છો ને, લાખ તૂફાનો સહેશે;
તારો સાથ હશે તો એની ઉપર ખીલશે ફૂલ.
સાથના છે સૌ મૂલ, સાથમાં દુઃખ-દર્દ બધાં વસૂલ.
હું છું crazy-fool!

– વિવેક મનહર ટેલર
(૨૭-૦૪-૨૦૨૦)

*



(ગુપચુપ…. ઑસ્ટ્રેલિયા, ૨૦૧૯)