પ્રીતનાં ગીત

સ્મિત ખચિત…. …મોનાલિસા, લુવ સંગ્રહાલય, પેરિસ, મે-2023

બાર વરસના અબોલડા ને તેર વરસની પ્રીત*
કેવી રીતે ગાવાં મારે, કહો! પ્રીતનાં ગીત?

નથી ઇચ્છતું કરવા સહેજે કોઈ કોઈને દુઃખી
પણ એક સ્વભાવે રાતરાણી છે, એક છે સૂરજમુખી
દિલના દરિયાના તળિયામાં બંને મારે ડૂબકી
પણ હાથ શું આવ્યું કહેવા બાબત બંને સેવે ચૂપકી
મોતી ગોતી હાથમાં દેવા કે કરવા સંચિત?

સંધિકાળે રાત દિવસ લઈ હાથ, હાથમાં ઝૂમે
ક્ષિતિજ પર વળી લળીલળીને ગગન ધરાને ચૂમે
તાપ અથરો થાય ભલે ને, સાથ ન છોડે છાંય,
પણ આપણને બંનેને આ વાત ન કેમ સમજાય
કે અળગાં રહીને જોડાવું એ પ્રીતની સાચી રીત?

વિવેક મનહર ટેલર
(૩૦-૦૯-૨૦૨૩)

(*પુણ્ય સ્મરણ: જગદીશ જોષી
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત)

અડીખમ ઈરાદાઓની કવિતા…. એફિલ ટાવર, મે-2023

14 thoughts on “પ્રીતનાં ગીત

  1. બાર વરસના અબોલડા ને તેર વરસની પ્રીત*
    કેવી રીતે ગાવાં મારે, કહો! પ્રીતનાં ગીત?

    વાહ,
    નહી ગાવ તો ચાલશે આવા ગીત લખતા રહેજો હોં..
    મજાની કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *