મને આભ ન જડે તો હવે તમારો વાંક

ચારમિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

તમે વેળાસર ટહુક્યાં નહીં, હે સહેલીજી! વેળાસર દીધી ન હાંક,
મને આભ ન જડે તો હવે તમારો વાંક.

વરસોથી એમ તમે વહ્યે રાખ્યું છે
જાણે કાંઠાથી લેવા ન દેવા,
ઓચિંતું છલકીને ભીંજવો જો એક દી‘
તો કાંઠાને કેમ પડે હેવા?
વળી સંકોરી જાત થાવ વહેતાં તમે, થઈ અજાણ લઈ એવો વળાંક;
તો તો નીકળેને આપનો જ વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

વાયરા કનેથી કહો, શીખ્યાં ન કેમ
સદા સાથે રહેવાનો મહાવરો?
વહેતો રહે કે પડી જાય યા ફૂંકાય તોય
મેલે ન આવરો ને જાવરો;
તમે મરજીથી આવો ને મરજીથી ગાયબ તો જીવતરના કેમ માંડું આંક?
બીજા કોઈનો શું કાઢવાનો વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૯/૦૩/૨૦૨૩)

ચાર મિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

12 thoughts on “મને આભ ન જડે તો હવે તમારો વાંક

  1. અદ્ભૂત સરળ સચોટ શબ્દરચના – મીઠા/મીઠું પ્રેમનું ગીત

  2. ખૂબ સરસ રચના કવિ શ્રી 🙏
    અંતરનો ભાવ શબ્દે શબ્દે રેલાય રહ્યો છે.
    “તમે મરજીથી આવો ને મરજીથી ગાયબ તો જીવતરના કેમ માંડું આંક.”
    વાહ 👌🏻👌🏻👌🏻👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *