
અક્સ…… ….કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ભરતપુર, ૨૦૨૫
હૈયે ફૂટ્યું એ પૂરું કોળે એ પહેલાં સાવ લીલેલીલું જ એને વેડવું,
ને વળી મસ્તીનું નામ દઈ ઇચ્છો છો એમ કે હસતે મોઢે એ મારે વેઠવું;
આને જીવ લીધો કહેવું કે છેડવું?
નજરો નજરથી ટકરાઈ પહેલવહેલી, ને ભીતર તડાક્ દઈ તૂટ્યું,
ધુમાડા થઈ ગ્યા સૌ કક્કા-બારાખડી, પેનમાંથી મેઘધનુ ફૂટ્યું,
હોંશ-કોંશ, સાન-ભાન સઘળું થ્યું ધ્વસ્ત, જાણે સુરત શિવાજીએ લૂંટ્યું,
સીધી લીટીમાં જતાં ઝરણાંને ઓચિંતું ખીણમાં જ સીધું ધક્કેલવું,
અને સીધી લીટીથી ખસેડવું…
શું એને પણ કહેશો છંછેડવું…?
હોકાયંત્રેય કંઈ ફેરવ્યાં એવાં કે જહાજ સામું જઈ વમળોમાં પેઠાં,
દરિયામાં મોજાંય કંઈ એવાં ચડ્યાં જે ચડે ઊંચે ઊંચે, ન પડે હેઠાં,
વરસ્યા ન વરસ્યા બે શબ્દો ત્યાં વાદળ બે પર્વતની ટોચે જઈ બેઠાં
ને પર્વતનું સહેજસાજ આગળ નમીને વળી વાદળને બાજુ હડસેલવું,
પછી ફફડે ન બોલો બટેરવું?
સખી! આવું તે કેવું છંછેડવું!
– વિવેક મનહર ટેલર
(૦૭-૧૧-૨૦૨૨/૩૦-૦૮-૨૦૨૪/૧૭-૦૪-૨૦૨૫)

જા, નથી રમતા સજનવા…… ….બગભગત, કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ભરતપુર, ૨૦૨૫