હળવોહળવો હસ્તદાબ

હસ્તદાબ…. ….રાજા સીટ, કુર્ગ, 2023

શા માટે મધરાતે હૈયા પર વર્તાયો હળવોહળવો હસ્તદાબ?
ઓ સપના! તું દે ને જવાબ…

સદીઓથી ખાલીપો પગમાં પહેરી ચાલ્યે રાખ્યું એકાંત લઈ સાથમાં,
પગલાં કોઈના દે પગલામાં તાલ જાણે, હાથેય વર્તાય આજે હાથમાં;
નજરે ચડે ન એવા દેશમાંથી આવીને ઝાકળ જેમ ભીંજવે ગુલાબ..
હળવોહળવો હસ્તદાબ…

નક્કર આભાસ જાણે અણદીસતો કાચ, કદી નીકળી શકો ન આરપાર,
જીવતરનો બોજ સાવ હળવોફૂલ લાગે એવો છાતી પર વર્તાતો ભાર;
જિંદગી તો આવી છે રૂમઝૂમતી સામે પણ ચહેરા પર રાખી નકાબ…
ઓ સપના! તું દે ને જવાબ…

વણદીઠું, અણજાણ્યું, કોઈ તો છે જેના હોવાનો થ્યો છે વિશ્વાસ,
અડધી રાતેય મારા દીવડાની શગમાં કોઈ પૂરે છે તેલ જેવા શ્વાસ;
પલટાતાં પાસાંમાં નીંદર કચડાય તોય દિવસે તો અકબંધ રૂઆબ…
પણ જે કંઈ છે, છે લાજવાબ…

– વિવેક મનહર ટેલર
(૦૩-૧૧-૨૦૨૨)

વિસરાયેલી ધરોહર…. …હોયસાલેશ્વર (હાલેબીડુ), કર્ણાટક, 2023

43 thoughts on “હળવોહળવો હસ્તદાબ

  1. વાહ વાહ વાહ

    શગમાં કોઈ પૂરે છે તેલ જેવા શ્વાસ

    આહા

  2. ખાલીપો પગમાં પહેરી કે પછી…શગમાં કોઈ પૂરે છે તેલ જેવા શ્વાસ…
    અદ્ભુત રચના અને એ.પણ સાતસોમી !
    આખે આખી રચના સુંદર આલેખાઈ છે.
    આટલી લાંબી મજલ સફળતાપૂર્વક આગળ ધપાવવી એ નાની સૂની વાત નથી….
    અને આટલે લાંબે આવીને આવી રચના આપવી એ જ કવિની સફળતા જતાવે છે… સાતસો વાર અભિનંદન !!!!
    આગળ પણ અનેક પ્રયોગ સાથેની અવનવી રચના માણવા માટે વાચકગણ આતુર રહેશે…

  3. ખાલીપો પગમાં પહેરી ચાલે એકાંત.ક્યા બાત વિવેકભાઈ. સુંદર રચના.અભિનંદન.

  4. Congratulations on 700th post! Amazing journey so far, and wishing you many more of such milestones!!

  5. 700 પોસ્ટ ના માઈલ સ્ટોન ને ઉજાગર કરતી અદ્ભુત રચના.. ખૂબ ખૂબ અભિનંદન સર

  6. ખુબ સરસ કવિતા સાહેબ , અભિનંદન ને પ્રણામ .
    સાથે મુકેલ ચિત્ર જાણે આ કવિતા માટે જ હલેબીડ માં મૂક્યું હશે સદીઓ પહેલા એમ લાગણી થઇ . અસ્તુ

  7. આખું ગીત બહુ જ સરસ,,
    નક્કર આભાસ જાણે અણદીસતો કાચ
    કદી નીકળી શકો ન આરપાર,,વાહ કવિ,, અદ્ભૂત
    કવિકર્મ,,આપની કાવ્ય સફર ને ખુબ ખુબ અભિનંદન..

  8. ગીતોની સાથે ખુબ સરસ તસ્વીરો માણવાનો પણ અમને લાભ મળે છે.. ધન્યવાદ…

  9. જોરદાર ભાવાવેગનુ ઝરણું વહી નીકળ્યું હોય એવું હ્દય સ્પર્શી આલેખન.
    રચના નું શીર્ષક ‘ હસ્તદાબ ‘ અને શબ્દોનું સાયુજ્ય હૃદય ભાવને તાદૃશ વર્ણન કરે છે. મધરાતેય કોઈ માનસપટ પર આવી હૃદયને દ્વારે હળવો હસ્તદાબ આપી જગાડી જતું હોય એવું અનુભવાય છે.
    આપની સંવેદનશીલ કલ્પના શક્તિ ને વંદન કરું છું.

  10. વાહ, ખૂબ સરસ રચના. ખૂબ ખૂબ અભિનંદન. શ્વાસની જેમ જ શબ્દ સાધના અસ્ખલિત વહે એવી શુભેચ્છાઓ

  11. વાહ બહુજ સુંદર હૃદયસ્પર્શી શબ્દ રચના
    જે હૈયે વ્હાલ ને પ્રેમ ના પુષ્પ મહેંક મહેંકાવે
    ને સંબંધ જ નહીં બસ જાણે એ વિશ્વાસ ને
    શ્વાસ બની ધબકાર બની રહ્યાં તેવું ઉત્તમ
    ને શ્રેષ્ઠ આલેખન કર્યું છે 👌🌹✍️
    Frome Nitesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *