સોનેરી થ્યો ઇંતજાર…

યુરોપનો ગરમાળો….. …પેરિસ, મે 2023

*

ખોટો જ વવાયો છે, ઉખેડી નાંખું, ચલ! પલ-પલ આ આવે વિચાર,
બળબળતી લૂમાં પણ લૂમે ન ફૂલ એવા ગરમાળામાં શું ભલીવાર?

ગત ભવનું લેણું કઈં બાકી હશે તે એના પ્રેમમાં હું આ ભવમાં પડ્યો,
દર વરસે એના પર માંડી રહું મીટ હું કે – હમણાં ફળ્યો, હમણાં ફળ્યો…
પણ ભવભવનો વેરી ના હોય જાણે એમ એને ફર્ક નહીં પડે તલભાર.
ખીલ્યો ના નફ્ફટ લગાર!

ગામ આખામાં જે કોઈ ઉગ્યા છે એ સૌ પર સેરોની સેરો લળુંબે,
ઘરનો આ વધ્યો તો બમણું પણ એના પર લીલી નિષ્ફળતા ઝળુંબે…
ડાળ-ડાળ પાંદ-પાંદ માંડીને બેઠો છે જાણે એ ઠઠ્ઠાબજાર.
વરસો આ ચાલ્યું ધરાર…

કીધું, ના કારવ્યું, બસ, અચિંત્યો ઓણ એણે પહેલો પીળો શ્વાસ લીધો,
વર્ષોની અડિયલ લીલોતરીમાં જાણે ખુદ સૂરજે જ ચાંપ્યો પલીતો.
ખોટો વવાયાનો તાજો વિચાર થયો રાતોરાત વાસી અખબાર,
સોનેરી થ્યો ઇંતજાર…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪~૦૮-૦૫-૨૦૨૨)

*

ગરમાળો….. સ્વિટ્ઝર્લેન્ડ, મે 2023

17 thoughts on “સોનેરી થ્યો ઇંતજાર…

  1. વાહ મસ્ત ગીત…

    ખીલ્યો ના નફ્ફટ લગાર…કેવી રીસ!
    સરસ ગીત બન્યું ડૉક્ટર સાહેબ
    અભિનંદન

  2. સોનેરી થ્યો ….ફૂલ n આપે એ ગરમાળામાં શું ભલીવાર….બંને કલ્પન મસ્ત

  3. વાહ… સરસ ગીત લયબધ્ધ. સ્વરાંકન કરીને ગાઈ શકાય એવું મસ્ત મીઠું.

  4. વાહહહ…સરસ
    પ્રકૃતિ અને પ્રેમ આપે જ છે ખીલે જ છે થોડી પ્રતીક્ષા પણ કરાવે છે…ગરમાળાનુ પીળું સૌંદર્ય તો અતિ પ્રિય..સરસ ગીત

  5. ગત ભવનું લેણું કઈં બાકી હશે તે એના પ્રેમમાં હું આ ભવમાં પડ્યો,
    દર વરસે એના પર માંડી રહું મીટ હું કે – હમણાં ફળ્યો, હમણાં ફળ્યો…
    પણ ભવભવનો વેરી ના હોય જાણે એમ એને ફર્ક નહીં પડે તલભાર.
    ખીલ્યો ના નફ્ફટ લગાર!

    ખૂબ સરસ

  6. ગરમાળો પ્રેમી જ આવી સુંદર રચના રચી શકે… વાહ..

  7. વિદેશના ગરમાળાના ચિત્રો સહિત ખુલતા ખીલતા ગરમાળાનું મઝાનું ગીત….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *