
તું નાસીપાસ રહે એ મને નથી ગમતું…. ….સામાન્ય કલકલિયો, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫
૧૧-૧૧-૨૦૨૨ના દિવસે અડધી લખેલી ગઝલ ત્રણ વરસ પછી ૨૪-૧૦-૨૦૨૫ના રોજ પૂરી કરી – તમે ઉદાસ રહો એ મને નથી ગમતું… પણ ‘રહો’ રદીફ રહી રહીને ‘રહે’ પોકારતી હતી, એટલે એ ગઝલ રદ કરીને એકાદ-બે નવા શેર સાથે આ નવી ગઝલ. આપને કઈ ગઝલ ગમી? મૂળ ગઝલ કે આ નવ્યસંસ્કરણ? કમેન્ટમાં અવશ્ય જણાવજો…
તું નાસીપાસ રહે એ મને નથી ગમતું,
સતત ઉદાસ રહે એ મને નથી ગમતું.
ઉદાસ રહે ભલે, કિંતુ ઉદાસ હાલતમાં
તું આસપાસ રહે એ મને નથી ગમતું.
મને ગમે જ છે તું આસપાસ હો એ, પણ
હા, બારેમાસ રહે એ મને નથી ગમતું.
અમાસ છે તો આ સૌ તારલા બુઝાવી દો…
લગીર ઉજાસ રહે એ મને નથી ગમતું.
તરત પરત જવા દેવાનું રુચે કેમ ભલા?
તું થઈને શ્વાસ રહે એ મને નથી ગમતું.
હો ફક્ત આવજા ગંતવ્ય એવો શ્વાસ સમો
અદિશ પ્રવાસ રહે એ મને નથી ગમતું
ગઝલમાં આવે છે તો આવ અર્થ થઈ, કેવળ
બનીને પ્રાસ રહે એ મને નથી ગમતું.
– વિવેક મનહર ટેલર
(૨૦-૧૧-૨૦૨૫)
ભલેને તેં મને દિલની નજીક રાખ્યો નથી,
બીજાની ખાસ રહે એ મને નથી ગમતું.
– આ શેર તો બિલકુલ અનાયાસ ને આપોઆપ જ સ્ફૂરી આવ્યો… પણ લખ્યા પછી ખ્યાલ આવ્યો કે ‘તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી’ ગીતના દૃઢીભૂત સંસ્કારનું જ એ ફરજંદ હોવાની શક્યતા નકારી ન શકાય. એટલે ગઝલના નવોન્મેષ સમયે એ શેર ગઝલમાંથી દૂર કર્યો છે.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને… ….સામાન્ય કલકલિયો, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫







































































*

















