સાંકળ

जीवो जीवस्य जीवनम्…. Darter (Snakebird) in action @Keoladeo Bird Sanctury, Bharatpur, February 2025

કવિતા લખવા માટે
એણે
કાગળ પર પહેલું ડગલું ભર્યું ન ભર્યું
ત્યાં તો ખણકખણ ખણકાટે એ અટકી ગયો.
કલમમાંથી સાંકળનો અવાજ કઈ રીતે આવે!
હશે! કરીને બીજી જ પળે એ વળી આગળ વધવા ગયો
પણ ડગલું ભરી જ ન શકાયું
ત્યારે ખ્યાલ આવ્યો
કે સાંકળનો અવાજ કલમમાંથી નહીં,
સાંકળમાંથી જ આવતો હતો
જે એના હાથે-પગે બંધાયેલી હતી.
ઓહ! આ લોકોએ તો મને બાંધી લીધો છે
એ સમજાતાં એણે સબંધન સ્થિર રહી ચોકોર નજર દોડાવી.
બધાની હાલત એના જેવી જ હતી.
બધા જ પોતપોતાની સાંકળોના દાયરામાં રહીને
છાયડામાં બેસીને
સાંકળ દેખાય પણ નહીં અને સંભળાય પણ નહીં
એનું બેવડું ધ્યાન રાખીને કાગળ ઉપર કામ કરી રહ્યા હતા.
ચાલવા જાવ તો પહેલાં તો
અડધા બોલે ઝાલ્યો ને પછી અડધો સાંકળથી ઝાલ્યો
-એમ બંને મોરચે અટકી જ જવાવાનું હતું.
કવિતા લખવી અનિવાર્ય જ થઈ પડ્યું હોય
તો આ સાંકળના કુંડાળાની અંદર રહીને જ લખવી પડશે
એમ વિચારી એણે આગળ ભરેલ અડધું ડગલું પારોઠનું કરી
કલમ કાગળ પર મૂકી.
ત્યાં જ એની નજર ચકા પર પડી.
સાંકળો તોડી-ફગાવીને

બરફ પર સ્કીઇંગ ન કરતો હોય એમ
કાગળ પર ઉન્મુક્ત વિહરતો હતો.
બે ઘડી એના તરફ સાશ્ચર્ય નજરે જોઈ
પાગલ છે
બબડીને બધા પુનઃ પોતાની કવિતા કરવામાં મગન થઈ જતાં હતા.
પાગલ જ સ્તો
કહીને એણે પણ એમ જ કર્યું.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૨-૨૦૨૫)

एएएएए फंसी…. ….Darter (Snakebird) @Keoladeo Bird Sanctury, Bharatpur, February 2025

23 thoughts on “સાંકળ

  1. વાહ…સાંપ્રત સમયની સાવ સાચી વાત…અભિનંદન કવિશ્રી

  2. અથથી ઈતિ સુધી સુંદર વાત ! જંજીરે બંધાયને કાવ્ય લખવાની પ્રવૃતિમાં મગ્ન !
    એક ચકો બેડી ફગાવી સ્કીઈંગ કરવા પહોંચી ગયો પણ કોને પડી છે ચકાની
    અને સહું કવિતાની રચનામાં પરોવાય ગયા ! સરસ રચના જેને માણવી અને જાણવી પડે!

    • @ધૃતિ મોદી:

      વાહ… કેવો સ-રસ પ્રતિભાવ! કોઈપણ સર્જકને કેવળ વાહ વાહ કરતાં આવા રચનાત્મક પ્રતિભાવની જ સદૈવ પ્રતીક્ષા હોય..

      ખૂબ ખૂબ આભાર

  3. સાકળની જેમ જકડી રાખે એવી રચના
    ખૂબ ખૂબ અભિનંદન સર

  4. પાગલ જ સ્તો
    કહીને એણે પણ એમ જ કર્યું. Mast 👌🏻

    – વિવેક મનહર ટેલર – Eva re Ame Eva re…

  5. Namaskar Vivek-Bhai

    Jem Motivation quotes hoy chhe, evi rite motivation sher/gazal nu hu list banavu chhu, jo tamari pase pan evu koi list hoy to share (Mara email par) karva namra vinanti.

    Jem ke,

    હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
    જળને વ્હેવાની ૨સમ શિખવાડવાનું છોડીએ.

    – હેમેન શાહ
    ~~~~~~~~~~~

    મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
    આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

    – ઓજસ પાલનપુરી
    ~~~~~~~~~~~
    ના કશે પ્હોંચી શકયા હાંફી ગયાને એટલે,
    ને અમે હાંફી ગયા બેસી ગયાને એટલે.

    મન અગર મક્કમ હશે પ્હોંચી શકાશે ક્યાંય પણ,
    આ બધું બોલી શકો પ્હોંચી ગયાને એટલે.

    – ભાવિન ગોપાણી
    ~~~~~~~~~~~

    ચેતજે જીતમાં ય હાર ન હો,
    સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;
    એવો કોઈ મુગટ બન્યો જ નથી,
    જેનો માથે જરા ય ભાર ન હો.

    – રઈશ મનીઆર
    ~~~~~~~~~~~

    ઘોર અંધાર છે આખી અવનિ ઉપર, તો જરા દોષ એમાં અમારો ય છે;
    એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

    ~ બરકત વિરાણી ‘બેફામ’

    ~~~~~~~~~~~

    જળની ધારા ગમે તેવા પાષણને, એક ધારી પડે તો જ ભેદી શકે;
    ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે, યત્ન કર ખંતથી એજ પયગામ છે.

    ~ ‘શૂન્ય’ પાલનપુરી

    ~~~~~~~~~~~

    પાપ ને પુણ્ય જેવું કશુંય નથી, માત્ર નીતિના મૂલ્યાંકનો છે જુદા;
    ખૂબ સમજી લે મન તારા કર્મો થકી,તું જ ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે.

    ~ ‘શૂન્ય’ પાલનપુરી

    Regards
    Jagdish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *