અછાંદસત્રયી કાવ્યગુચ્છમાંથી આપણે પ્રથમ અને દ્વિતીય અછાંદસ કાવ્યો માણ્યાં… આજે એ ગુચ્છનું આખરી પુષ્પ… ત્રણેયને એક જ સળંગ કાવ્યના ત્રણ ભાગ તરીકે પણ માણી શકાશે અને સ્વતંત્રપણે પણ…. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે…
*
છૂટી, સોરી, તૂટી ગયેલા સંબંધના વસવસા
અને મરણ નામના અંતિમબિંદુની વચ્ચે
ત્રિશુંકુ બનીને હું સદીઓથી લટકી, સોરી, અટકી રહ્યો છું.
લાશો વચ્ચે લાશ બનીને જીવવું પણ દુભર
અને રાખ થઈ ગયેલા શ્વાસોને ફરી છાતીમાં ભરવા પણ અસંભવ.
‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ ભૂલીને
જીવતેજીવ સ્વર્ગ પામવા જઈએ ત્યારે આ હાલ થાય.
હવે સમજાય છે
કે ખરું સ્વર્ગ સંબધમાં નહીં,
સ્વયંમાં જ હતું.
સંબંધનું પેટ ચીરવા બેસો તો
રુચે એવું કશું હાથ આવે જ નહીં.
ચામડી ગમે એટલી લિસ્સી ને સુંવાળી કેમ ન હોય,
નીચે તો માંસ-મજ્જા અને લોહી જ ને!
સ્પર્શસુખ એ જ ચરમસુખના છત્તર નીચે
હજારો વરસોથી જીવતાં આવ્યાં એ લોકો શું મૂરખ હતાં
તે હું સામી છાતી કરીને ચામડીની નીચે ઘૂસ્યો…!
ઘૂસ્યા તે ઘૂસ્યા…
ભોગ લાગ્યા તે ભોગવો હવે, બીજું તો શું!
બટકો ને છટકો ને લટકો ને અટકો હવે…
શિલા થઈ જવાયું હોત તો કોઈ રામ પણ આવત,
પણ
ત્રિશંકુને ઉગારવા કોણ આવે?
જેના માટે થઈને લટક્યા, એ તો એ ને ઉપર બેઠા,
પોતાની ત્વચા પંપાળતા…
– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫-૨૦૨૪)