ખૂણો

જીવનગાન…. …યુરિશિયન બ્લેકબર્ડ મેલ, મેકલિઓડગંજ, 2022

*
‘બાપા એટલે બાનો પા ભાગ’-
એમ મારા પપ્પા હંમેશા કહેતા.
અમે પપ્પાને કાયમ
‘જે કર ઝૂલાવે પારણું, તે જગત પર શાસન કરે‘ના વિરાટ ઓરડાના
એક ખૂણામાં સ્વેચ્છાએ રહેતા જ જોયા હતા.
અમારા જગત પર સાચે જ મમ્મીનું શાસન હતું.
પણ પપ્પા, મેં કહ્યું તેમ, સ્વેચ્છાએ
આ શાસનમાં એક ખૂણામાં ખુશ હતા.
આમ તો દુનિયાના બધા પપ્પાઓ જે કરતા આવ્યા છે
એ જ એ પણ કરતા.
નોકરીએ જવું,
સમય પર પગાર મમ્મીના હાથમાં મૂકવો,
સમયાંતરે અમને ચોપાટી ફરવા લઈ જવા,
અમારી સાથે અમારી ઉંમરના થઈ જવું,
દુર્વાસા જેવું મગજ છટકે તો એકાદ અડબોથ ઝીંકી દેવી વગેરે વગેરે…
દરેક બાળક માટે એના પપ્પા કુદરતી રીતે સુપર હીરો હોય
એ જ રીતે એ મારા માટે પણ હતા.
મારો ખભો એમના ખભા સાથે હું કાયમ મિલાવતો
અને ક્યારે એમને વટાવી જવાશે એની ગણતરી પણ કરતો.
કવિઓએ સદીઓથી ગાઈ-બજાવીને તોતિંગ બનાવી દીધેલા
મા નામના ઓરડા પર મમ્મીએ યથેચ્છ કબ્જો કર્યો હતો
અને અમે સૌ એમાં જ રાજીખુશીથી મોટાં પણ થયાં.

પેલો નાનકડો ખૂણો
આજે ખાલી થયો છે.
મા નામના વિશાળકક્ષની શરૂઆત જ ત્યાંથી થતી હતી,
આ વાતની સમજણ
હું પોતે બાપ બન્યો એ પછી જ મને પડી,
પણ ત્યાં સુધીમાં તો
જિંદગીની કરાડ પરથી
મોતની ખીણમાં એ જરા વહેલું ઝંપલાવી ચૂક્યા હતા.
હું આભારી છું એમનો,
એટલા માટે નહીં કે
તેઓ પેલો ખૂણો ખાલી કરી ગયા મારા માટે
પણ એટલા માટે કે
પૂરેપૂરા ચાલ્યા જવાના બદલે
તેઓ પોતાને મારામાં મારા માટે મૂકતા ગયા.

એમના જીવતેજીવ
હું ઘરના એ ખૂણાનું સાચું અજવાળું સમજી ન શક્યો
એટલે જે મારે સમય પર એમને કહી દેવું જોઈતું હતું
પણ કહ્યું નહોતું
એ આમ મારે કવિતાના ચોકમાં ઊભા રહીને
સરાજાહેર ચિલ્લાઈને કહેવું પડે છે-
આઈ લવ યુ, પપ્પા!

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૬-૨૦૨૨)

*

યુરિશિયન બ્લેકબર્ડ ફિમેલ, મેકલિઓડગંજ, 2022

26 thoughts on “ખૂણો

  1. હૃદયસ્પર્શી અભિવ્યક્તિ👌👌 ખૂણાની વાત વાંચી આંખનો ખૂણો ભરાઈ જાય એવું આલેખન.. ખૂબ જ ગમ્યું.

  2. વાહ વાહ.. આ કવિતા તો કદાચ ફાધર્સ ડે પર લખેલી હોવી જોઈએ.. પણ દરેક ઘરમાં એક એવી વ્યક્તિ હોય જ, જેનાં સમર્પણની નોંધ લેવાનું બધા સહજ ચૂકી જતા હોય.. એનુંય કારણ એ કે કોઈ દેખાવ કર્યા વગર , કે પોતાની જરુરિયાત ઊભી કર્યા વગર એ વ્યક્તિ બધાની જરુરિયાત સંતોષી દેતી હોય છે. આવાં મૂક સમર્પણને કાવ્યમય અભિવ્યક્તિથી ઉજાગર કરવા બદલ ધન્યવાદ.

  3. પોતાને મારામાં મારા માટે મૂકતા ગયા… વાહ વાહ
    ખૂબ સરસ કાવ્ય..

  4. પણ એટલા માટે કે… ….
    પૂરેપૂરા ચાલ્યા જવાના બદલે
    તેઓ પોતાને મારામાં મારા માટે મૂકતા ગયા.
    – વિવેક મનહર ટેલર – 🙏🏻
    (૧૪-૦૬-૨૦૨૨)

  5. પણ એટલા માટે કે… ….
    પૂરેપૂરા ચાલ્યા જવાના બદલે
    તેઓ પોતાને મારામાં મારા માટે મૂકતા ગયા

    Thank you sir. I know this about my Pappaji. Thank you for putting words to my feeling. God bless you.

  6. ખૂબ જ લાગણી સભર..
    વાંચતા વાંચતા પણ એક ખૂણે ભીનાશ આવી જાય છે સર..

    વાહ વાહ ને બસ વાહ

  7. પૂરેપૂરા ચાલ્યા જવાના બદલે
    તેઓ પોતાને મારામાં મારા માટે મૂકતા ગયા.

    કેટલું હૃદયસ્પર્શી અને કાવ્યાત્મક !

    અંતેનો અફસોસ … સમય પર કહી દેવું જોઈતું હતું….

    આંખ ભીંજવી જાય એવું…

    વાહ વિવેકભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *