૧.
રોજ રાત્રે
મારા આંગણાના આકાશમાં
જે તારાઓ ટમટમે છે
એને જ આપ પારિજાત કહો છો?
૨.
કોઈના આંગણાનું ઝાડ
કોઈના આંગણામાં ફૂલ ખેરવે
એને પારિજાત કહેવાય
૩.
સારું નરસું કંઈ કેટકેટલું વલોવાયું,
ને કંઈ કેટકેટલું મંથન થયું
ત્યારે
મારી અંદરથી
થોડું અજવાળું ને થોડી સુગંધ પ્રગટી.
૪.
દિવસના ખિસ્સામાંથી ચોરી લીધેલું અજવાળું
રાત્રે પારિજાત બનીને
અંધારામાં બાકોરાં પાડે છે
ને સવારે ચોરી પકડાઈ જતા વેંત જ
ખરી પડે છે.
૫.
જ્યાં સુધી
હું
મારી ડાળથી છૂટો પડી
રસ્તામાં
ખરી નથી જતો
ત્યાં સુધી
તું
મને તારા માથે ચડવા દેતી નથી
૬.
તું
મને આલિંગે છે
એ ક્ષણે
મને
મારામાં
પારિજાતનો મઘમઘાટ
કેમ અનુભવાય છે ?
તું શું તારાથી
અળગી થઈ વળગી છે?
૭.
અંધારામાં
કોઈ જોઈ ન શકે
એમ તું મારા રોમરોમે ખીલે-પીમરે છે
ને પહો ફાટતાં જ
એમ ખરી જાય છે
જાણે આપણે બે કદી એક હતાં જ નહીં
આ કેવો સંબંધ?
૮.
કહે છે
કૃષ્ણ એક પારિજાત વાવીને
બે સ્ત્રીઓને સાચવતો હતો
પણ
મારી સમસ્યા જરા જુદી છે
મારે તો અડધાનો જ ખપ છે…
૯.
ભલે રાત્રે ખીલતું હોય,
પારિજાત પ્રતીક છે
અસ્તિત્વના અજવાસનું;
અંધારું ગમે એટલું કાળું કેમ ન હોય
પારિજાતને કદી રંગી શકતું નથી
નક્કી આગલા જનમમાં એ સ્ત્રી જ હશે.
– વિવેક મનહર ટેલર
(૧૦-૧૦-૨૦૨૦)