પ્રેમ – ૦૧

P1013806
(Twogether……..               …ડેટ્રોઇટ, ૨૦૦૯)

*

નદીના વહેણથી
છૂટા પડી ગયેલા દેખાતા
બે કિનારા
તળિયાની માટી સાથે એકાકાર જ છે
એ સમજી શકાય
એ ઘટનાને આપણે શું કહીશું ?
*

સમયની આખરી ભેખડ પર
એણે મારો હાથ ઝાલ્યો.
હું
આવતીકાલની ખીણમાં લપસતો રહી ગયો.

*

એની આંખના
છેક નીચલા કિનારે
આવી ઊભેલું એક વાદળ
અચાનક
મને પલાળી ગયું.
આજ પ્રેમ છે
કહીને મેં રૂમાલ કાઢ્યો.

*

મને તરતાં આવડતું હતું
પણ
એના સ્મિતનો ધક્કો જ એવો હતો
કે હું ડૂબી ગયો એના જળાશયમાં.

*

મને યાદ નથી
કે
મેં એને છેલ્લીવાર આઇ લવ યુ ક્યારે કહ્યું હતું.
પણ
દરિયાની ભીની રેતીમાં
મેં પડતા જોયા છે
હંમેશા
ચાર પગલાં જ !

*

આજીવન સાથે રહીએ એ કંઈ પ્રેમ છે ?
છટ્ !
– એણે કહ્યું,
મને એવા કોઈ બંધન પસંદ નથી.
હું તો ખાલી તને સમજવા માંગું છું.

*

પવનના ભરોસે
વરસાદના ટીપાનું
ઠે..ઠ આભથી પડતું મેલવું
અને
ટીપે-ટીપે પવનને ભીંજવવું એ પ્રેમ.
વરસાદનું ટીપું નક્કી સ્ત્રી હોવું જોઈએ
અને….
પવન ?

*

સિત્તેરમા વરસે
એ ચાલી ગઈ
ત્યારે
મને પહેલીવાર
એણે કદી નહીં કીધેલું
આઇ લવ યુ સંભળાયું !

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૩-૧૫ / ૧૪-૦૪-૧૫)

*

OLYMPUS DIGITAL CAMERA
(આતુર…….                                              …ડેટ્રોઇટ, ૨૦૦૯)

11 thoughts on “પ્રેમ – ૦૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *