(તું તારા, હું મારા રસ્તે…… ….ઊભરાટ, માર્ચ-૨૦૦૯)
*
પ્રેમ !
કઈ ભાષાનો શબ્દ છે આ ?
કોઈ કહેશો મને?
*
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા
મારા ચોર્યાસી લાખ વહાણોનો કાફલો*
એવું કહી ગયા પછી ગયેલું
એનું વહાણ
છેલ્લી ઇસવીસનના
છેલ્લા કિનારા પર
છેલ્લે નજરે પડ્યું હતું.
(*સ્નેહાભાર: મુકુલ ચોક્સી)
*
સદીઓથી
પોતપોતાની સમજણની સાંકળથી
એક જ પાંજરામાં
બંધાઈ રહેવાની ગોઠવણને
આપણે શું કહીશું ?
પ્રેમ ?
*
પ્રેમ એટલે
મોબાઇલમાંથી
સમયસર ડિલિટ કરી દેવાયેલો
કોલ-લોગ !
*
એણે મને આઇ લવ યુ કહ્યું.
હજારો વર્ષ પછી પણ
ઊંડા વિચારમાં ગરકાવ
હજી હું ત્યાં જ ઊભો છું,
નિઃશબ્દ !
*
પ્રેમ
એટલે
જાતને જોઈ શકાય
એવો સાફ અરીસો,
સમયનો પથરો
જેને કરી દે છે ચકનાચૂર
અને
બાકી જિંદગી
આપણે ટુકડા જ વીણતા રહીએ છીએ-
લોહીનીંગળતા આંગળાઓથી!
– વિવેક મનહર ટેલર
(૩૦-૦૩-૧૫ / ૨૫-૦૫-૧૫)
*
Very Good Creation, Send me some more and one thing i must tell you that prem ni vykhya manvi manvi e badlay che
Waahhhhh
સરસ !
Sunder….last one bahu j gamyu .