દફ્તરને ગુસ્સો આવ્યો….

keLavNi ni kavita_01

*

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત “કેળવણીની કવિતા” પુસ્તકમાં સમાવિષ્ટ મારું કાવ્ય આપ સહુ માટે… (આ સંગ્રહમાં એક બીજું કાવ્ય ભૂલથી મારા નામ સાથે છપાઈ ગયું છે, જો કે એ કવિતા મારી નથી)

ડિસેમ્બર ૨૦૧૧માં આ ગીત લખ્યું ત્યારે એ અડધું-અડધું લાગતું હતું… ગીત તો લખી નાંખ્યું પણ વીસ વરસ પહેલાંનું દફતર અને આજના દફ્તરની વચ્ચેનો એક સેતુ ખૂટતો-તૂટતો હોય એવું અનુભવાતું હતું… સવા વરસ પછી ફેબ્રુઆરી ૨૦૧૩માં અચાનક એ સેતુ રચાઈ ગયો… નવા લખેલા પહેલા અંતરા સાથે આ ગીત ફરી એકવાર… કહે છે ને કે કવિતા ક્યાંક અગોચર જગ્યાએથી આવે છે…!

*

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?

વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?

સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.

દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું

– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)

keLavNi ni kavita_02

3 thoughts on “દફ્તરને ગુસ્સો આવ્યો….

  1. બહુ સરસ ઃ)
    યાદ કરડવાનું ક્યારેય નહીં થાય બંધ ???? એક બુંદ છું દરિયા મા મળવા માટે ડરું છું ….ગણિત માં લાગણી ને સ્થાન નથી….ને અહીં રોવાની પણ મનાઈ છે..માત્ર હસી નાંખવાનું પછી ભલે રડવું હોય, કેટલુંય કેહવું હોય …જાના થા જાપાન પહુંચ ગયે ચીન …બસ આજ ક્રમ ચાલ્યા કરે એમાં વિરછેદ ના થાય ….સવાર પડે ગુડ મોર્નીંગ જય શ્રી કૄષ્ણ ને રાત્રે ગુડ નાઈટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *