થોડા દિવસો પછી આ સાઇટ પાંચ વર્ષ પૂરાં કરશે અને વધુ થોડા દિવસો પછી મારા બે કાવ્ય-સંગ્રહો પ્રગટ થશે… અને આજકાલ મારી અન્ય સાઇટ લયસ્તરો.કોમ પર છ વર્ષની ઉજવણી નિમિત્તે જિંદગીને અગત્યના વળાંક ઉપર આણવામાં મદદરૂપ થનાર કાવ્યોની શ્રેણી -અંગત અંગત- પ્રગટ કરવામાં આવી રહી છે એટલે ઇચ્છા થાય છે કે મારી કાવ્ય-યાત્રાની શરૂઆત જે કવિતાઓથી થઈ એ ત્રણ પૈકીની બે રચનાઓ આપ સહુ સાથે કેમ ન વહેંચું…!!
*
(અંદરના અજવાળે…. …સ્વયમ્, હોટલ તવાંગ ઇન, તવાંગ, અરુણાચલ પ્રદેશ, 10-11-10)
*
મારી એ સમયની નોટબુકમાં મેં લખ્યું છે: “તા. ૧૧-૧૧-૧૯૮૦ને દિને ઉમરગામનો પ્રકૃતિને ખોળે ખેલતો દરિયો મને એના કિનારે કાવ્ય રચવાની પ્રેરણા આપી રહ્યો હતો. ૯ વર્ષ, ૭ માસ અને ૨૫ દિવસની ઉંમરે બનાવેલું મારું પ્રથમ કાવ્ય- ‘પ્યારાં પ્યારાં’ !!”
પૃથ્વી જેમની માતા,
ને સૂર્ય જેમના દાદા;
એવાં બાળકો લાગે મને પ્યારાં પ્યારાં…
પૃથ્વીનો જે ભાઈ,
ને સૂર્યનો જે પુત્ર;
એવા ચાંદામામા લાગે મને પ્યારા પ્યારા…
*
અને એ જ દિવસે રચેલું મારું ત્રીજું કાવ્ય-
*
ચીં ચીં ચીં ચકલી બોલે,
કાગડો બોલે કા કા કા;
તોફાની દરિયો બોલે,
લાવ તને હું તાણી જાઉં…. ચીં ચીં ચીં…
ઘૂ ઘૂ ઘૂ પારેવડાં બોલે,
સિંહ બોલે ઘુરરર…ઘુરરર;
જંગલી પ્રાણી વાઘ બોલે,
લાવ તને હું ખાઈ જાઉં…. ચીં ચીં ચીં…
ભઉ ભઉ ભઉ કૂતરો બોલે,
કોયલ બોલે કૂ કૂ કૂ;
મારા મનના વિચાર બોલે,
લાવ એકાદ હું કાવ્ય બનાવું… ચીં ચીં ચીં…
– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૧૯૮૦)
આજે ત્રીસ વર્ષ પછી આ કાવ્યો વાંચતા મને આશ્ચર્ય થાય છે. પાંચમા ધોરણમાં ભણતા એક છોકરાને ગીતનું બંધારણ, લયનો કાચો ખ્યાલ, પ્રાસરચનામાં શક્ય વૈવિધ્ય અને કાવ્યાંતે આવવી જોઈતી ચોટનો વિચાર કેવી રીતે આવ્યો હશે ! કાગડા-ચકલી-કોયલ અને કબૂતર તો નાના બાળકના મનમાં બોલે જ પણ દરિયો બોલે, વાઘ અને સિંહ બોલે એવો ખ્યાલ શી રીતે એ સમયે મગજમાં જન્મ્યો હશે ! અને મનના વિચારો કાવ્ય રચવાનું ‘બોલે’ એ વિચાર પર નજર નાંખું છું તો મને પોતાને મારી જાત પર વિશ્વાસ નથી આવતો…
*
(નહીં માફ નીચું નિશાન… સ્વયમ્, દિરાંગ, અરુણાચલ પ્રદેશ, 7-11-10)