શિયાળો જ આવ્યો છે ને ?

Swayam Vivek Tailor
(આ કેવું ફરમાન ?     ….સ્વયમ્, લદાખ, ઓક્ટોબર-૨૦૧૩)

*

બાળદિન પર તો આપણે બાળગીત માણીએ જ છીએ… આજે કોઈ પણ વાર-તિથિના ટાણાં વિના જ માણીએ એક બાળગીત… ના…ના… આ બાળગીત ક્યાં છે? આ તો ટીન-એઇજના ઉંબરે હણહણતા તોખારનું એક કુમારગીત… ટીન-એઇજમાં ભીતર હૉર્મોન્સ કેવા ઉછાળા મારતા હોય છે એ આપણે સહુએ અનુભવ્યું જ છે.. પણ એ વયકાળમાં એ ઉછાળા શાના છે એ ક્યાં સમજાતું જ હોય છે? કિશોર કુમાર બને ત્યારે અંદર કેવું તોફાન અનુભવે છે અને એનું શું પરિણામ આવે છે એ આપણે એક ટીન-એજરની જુબાને જ સાંભળીએ…

*

સ્વેટર પહેરી બહાર જવાનું- આ કેવું ફરમાન !
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

શિયાળામાં સ્વેટર-જેકેટ તમે ભલે ચડાવો,
બારી-બારણાં બંધ કરીને ગોદડે જઈ ભરાઓ;
મમ્મી-પપ્પા ! આ બધું તો ઑલ્ડ એઇજમાં ચાલે,
મારા માટે એ.સી. અથવા પંખો ફાસ્ટ ચલાવો,
તમને ચાના હોય, મને તો આઇસક્રીમના અરમાન.
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

મારી અંદર આખ્ખેઆખ્ખો ક્લાસ ચડ્યો તોફાને,
અદબ-પલાંઠી-મોં પર આંગળી ? વાત ન એકે માને;
ઠંડીમાં પણ ગરમી લાગે, છે કેવી ગરબડ ?
ભીતરમાં શું ફાયર-પ્લેસ છે ? ઑન રહે છે શાને ?
તમને આવું થયું જ નહીં ? શું તમે હતાં નાદાન?
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૩)

*

Swayam Vivek Tailor
(ભીતર તોફાન…                      ….સ્વયમ્, લદાખ, ઓક્ટોબર-૨૦૧૩)

17 thoughts on “શિયાળો જ આવ્યો છે ને ?

  1. બહુ જ સુંદર મઝાનું ગીત.

    તમને ચાના હોય, મને તો આઇસક્રીમના અરમાન.
    શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?
    ન્યૂઝમાં મેં સાંભળ્યું કે
    માઈનસ ૧૫ ડિગ્રીમાં અઅઈસ્ક્રીમ ખાતા બાળકો કહે કે આ વાતાવરણમાં આઈસ્ક્રીમ જ એકલો ગરમ છે.

  2. ઠંડીમાં પણ ગરમી લાગે, છે કેવી ગરબડ ?
    ભીતરમાં શું ફાયર-પ્લેસ છે ? ઑન રહે છે શાને ?
    તમને આવું થયું જ નહીં ? શું તમે હતાં નાદાન?
    શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

    વાહ

    અહીં આવી જા દોસ્ત
    અહી તો પ્રખ્યાત ધોધ નાય્રગાની આસપાસ એટલી હદે તાપમાન ઘટી ગયું હતું કે અહી આવેલા ઝરણાનું પાણી બરફમાં ફેરવાઇ ગયું ! અમે આવી ગયા દક્ષિણમા

    રહે છે આમ તો પી ડી તટી, દ.કેરોલીનામાં એ કિન્તુ,
    મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો

  3. બાળ સહજ મનોકામનાઓ અને લાગણી વ્યક્ત કરવાની અલગ છટા, અને મન મસ્તીનો આનદ નોખો જ હોય છે, સરસ બાળગીત

  4. વાહ ! મજા પડી ગઈ …મોટા ભલે ચા ના અરમાન રાખે ,કિશોરને તો આઈસ્ક્રીમ જ
    ગરમ રાખે.કાવ્ય વાંચીને અહીની માઈનસ ઠંડીમાં મેં પણ આઈસ્ક્રીમ ખાઈ લીધો.

  5. મજાનું ગીત! ગીતમાં ખોવાઈ શકીએ તો દરેકની અંદર રહેલ બાળક ઝૂમી ઊઠે એવું “મજાનું ગીત”

    મારી અંદર આખ્ખેઆખ્ખો ક્લાસ ચડ્યો તોફાને,
    અદબ-પલાંઠી-મોં પર આંગળી ? વાત ન એકે માને

    આ પંક્તિ ખૂબ જ ગમી..

  6. બાલ ગેી તો નિ દુનિયા અસ્ત પમિ રહિ , જાગ્રુત જ કરિ સકે , ધન્ય્વદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *