શિકાર થયો શિકારી….


(નન્હે શિકારી….            …આન્યા ભક્ત, ૨૦૧૮)
(છબી સૌજન્ય: જયશ્રી ભક્ત, ટહુકો ડોટ કોમ)

*

માથે શિકારીની ટોપી, પગમાં પહેર્યાં બૂટ,
ટાઇટ પેન્ટ ચડાવી પગમાં, ઉપર જંગલસૂટ,
સૂટની ઉપર મફલર નાંખ્યું, આંખે કાળા ચશ્માં,
ગન મૂકી ખભા પર, અમે નીકળી પડ્યાં વટમાં.

મમ્મી પૂછે, સવાર-સવારમાં ક્યાં ઊપડ્યા બચ્ચુ?
એક નંબરની આઇટમ મમ્મી, કેમનું ખાધું ગચ્ચુ!
શિકારીને રેડી જોઈને ડરી જવાનું હોય
કે પછી ક્યાં ચાલ્યા સાહેબ, એમ પૂછે શું કોઈ?

આઘી ખસ, ત્યાં જંગલમાં સૌ રાહ જુએ છે મારી,
બ્રેકિંગ ન્યૂઝ ફેલાઈ ચૂક્યા છે- આવે છે શિકારી.
વાઘ-સિંહ ને ચિત્તા-દીપડા થઈ ગ્યા ઘાંઘાંવાંઘાં
ને અહીં તું રસ્તો રોકી સવાલ કરે છે પાછા?

હવે તું આઘી નહીં ખસે તો ગન મારી ઊઠાવીશ,
એઇમ લઈને સીધું ગોળી પર ગોળી ચલાવીશ.
મમ્મી થોડી ડાહી હશે તે ખસી ગઈ વચમાંથી,
ઘબ્બ ધબ્બ કરતીકને હું નીકળી જ્યાં ઘરમાંથી,

મેગી કોણ ખાવાનું એવી પાછળથી બૂમ આવી,
આપણે સીધા દોડ્યા ઘરમાં, ગન-ગૉગલ્સ ફગાવી.
શિકારનું આખ્ખુંયે પ્લાનિંગ થઈ ગયું ધૂળ ધાણી,
મમ્મી! તારી મેગીએ તો ફેરવી દીધું પાણી!

લાખ મથે બેટમજી પણ મમ્મી જ કાયમ ફાવી,
શું મારા સૌ મન્સૂબાની એની કને છે ચાવી?
આજે પણ જોઈ લ્યો! મારી ચાલી ન હોંશિયારી;
નીકળ્યો’તો શિકારે પણ ખુદ શિકાર થયો શિકારી.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૧૮)

15 thoughts on “શિકાર થયો શિકારી….

    • Are vahhh. Yad aavi gai bachapan ni kavita. Chal bachuda lai le soti sainik sainik ramiye …. vah vivek moj padi gai lalkarvani pan😍

  1. સુંદર રચના….

    આ કાવ્યનો પ્રકાર કયો કહેવાય?

  2. હા હા હા
    મોજ પડી ગઈ

    શરૂઆતમાં તો હું ખુદ જંગલમાં પહોંચી ગયો હતો

  3. આહા….. જોરદાર મજા પડી. .
    મેગીની લાલચ બાળકોથી લઈ મોટેરાઓ સુધી રહે છે જ.
    હું પણ બાકાત નથી..

  4. કાંટા લઈને કરો શિકારી,મેગી ઉપર વાર,
    જંગલ જાવુ જાવ દ્યો,ભૂખનો કરો શિકાર..
    મજા આવી ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *