જૂનું ગુલાબ મહેકે

પુસ્તક ઊઘાડતાં શું જૂનું ગુલાબ મહેકે?
ના, ફૂલ એ સૂકું નહિ, પણ યાદ એક ચહેકે.

યાદોનું કામ પાછું અદ્દલ શરાબ જેવું,
જે જેટલી જૂની લે, એ એટલું જ બહેકે.

યાદોના વનમાં એને શોધું તો કઈ રીતે હું?
જાઉં જો ત્યાં તો અહીં ને અહીં હોઉં તો ત્યાં ગહેકે.

બોલો, વધી વધીને એ શું બગાડી લેશે?
પણ યાદ અડકી લે તો કોઈ એનું એ જ રહે કે?

ના આગ કે ના તણખો, ના વીજ કે ના તડકો
યાદોમાં એવું શું છે કે રોમ-રોમ દહેકે?

મોસમને લાગે મહિના, યાદોનું એથી ઊલટું,
ચપટીમાં પાનખરના સ્થાને વસંત લહેકે.

-વિવેક મનહર ટેલર
(૧૦-૪/૦૧-૦૭-૨૦૧૮)

22 thoughts on “જૂનું ગુલાબ મહેકે

  1. મોસમને લાગે મહિના, યાદોનું એથી ઊલટું,
    ચપટીમાં પાનખરના સ્થાને વસંત લહેકે
    મસ્ત ગઝલ.

  2. બોલો, વધી વધીને એ શું બગાડી લેશે?
    પણ યાદ અડકી લે તો કોઈ એનું એ જ રહે કે?
    👍🏻
    Nop…

  3. બીજો શેર તો હાંસિલ-એ-ગઝલ.
    ખૂબ સુંદર રચના…

  4. મોસમને લાગે મહિના, યાદોનું એથી ઊલટું,
    ચપટીમાં પાનખરના સ્થાને વસંત લહેકે.

    બહુ સરસ શેર ….. યાદો ની વાદીઓ મા ફરવું ગમ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *