સાયુજ્ય…..
…ગ્રેટર ફ્લેમિંગો, ધોળાવીરા, 2022
*
અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.
અડધી રમતથી ઊઠવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
મારી શરતથી જીતવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.
બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
ખાલી ન રાખ્યું જિંદગીમાં ખાલીપાએ કંઈ
ખાલી જગાય પૂરવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
મરજીથી જઈ શકાય ને પાછા ફરાય પણ
મરજીના દ્વાર ખોલવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
ઇચ્છા કે એ મળે ને મળે આ જ જન્મમાં
એવું કશુંય ઇચ્છવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
શબ્દોને શ્વાસ માનીને જીવન વીતાવ્યું પણ
લીધા પછી ન છોડવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
છે તારી-મારી વાત, નથી દેહ-પ્રાણની,
રહી-રહીને પાછાં આવવાની છૂટ છે તને.
તારો ને મારો સાથ તો છે દેહ-પ્રાણનો
જાઓ તો પાછા આવવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
– વિવેક મનહર ટેલર
(૦૬-૧૧-૨૦૧૧/૧૮-૧૨-૨૦૧૭)
૦૬-૧૧-૨૦૧૧ના રોજ ‘અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને’ની પ્રતિગઝલ લખવાનું મન થયું… એક-બે શેર લખાયા ન લખાયા ને અડધી રમતથી ઊઠી જવાનું થયું… પછીના છ વરસમાં ક્યારેક ક્યારેક આ પ્રતિગઝલ તરફ ફરવાનું થયું પણ અડધેથી છૂટી ગયેલી રમત પૂરી ન થઈ તે ન જ થઈ… આજે ૧૮-૧૨-૨૦૧૭ના રોજ અચાનક છે…ક છ વર્ષ પછી મળસ્કે પાંચ વાગ્યે આંખ ખુલી ગઈ અને પ્રતિગઝલ મનમાં વમળાવા માંડી. મોબાઇલ હાથમાં લીધો અને મોબાઇલમાં જ સડસડાટ આખી પ્રતિગઝલ લખાઈ ગઈ… જૂની અને આ નવી –બંને ગઝલ એકસાથે રજૂ કરું છું…
બે ગઝલ લખવામાં છ વર્ષ લાગ્યાં… પણ એને પૉસ્ટ કરવામાં બીજા પાંચ વર્ષ લાગ્યાં…
આ લાંબી પ્રતીક્ષા ફળી છે કે નહીં એ જણાવવાનું ભૂલશો નહીં… આપના પ્રતિભાવની હંમેશ મુજબ આકંઠ પ્રતીક્ષા રહેશે…