વાર લાગે છે…

યુગોના વળગણોને છોડવામાં વાર લાગે છે,
જૂની હો તોય સાંકળ તોડવામાં વાર લાગે છે.

તમે તો કહી દીધું કે આવ, મારી પાસે બેસી જા,
શરમને પગ લઈને દોડવામાં વાર લાગે છે.

જુએ છે રાહ મારી જેમ આ સપનુંય આજે, પણ
તમારા સમ! બે પાંપણ જોડવામાં વાર લાગે છે.

હજારો મન્સૂબા તૈયાર થઈ આવે છે રોજેરોજ
છતાં પણ શી ખબર, વરઘોડવામાં વાર લાગે છે!

કશું તો છે જ્યાં આવીને ભરોવાઈ પડ્યું છે મન
નકર શું કાંચળી તરછોડવામાં વાર લાગે છે?

મને કોરાણે મૂકી ક્યારે હું નીકળી ગયો આગળ,
સ્મરણપટ પર એ દિ’ તાજો થવામાં વાર લાગે છે.

બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.

હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?

રદીફો-કાફિયાના વૃક્ષ નીચે છું હું સદીઓથી,
છતાં મનગમતાં ફળ ઝંઝોડવામાં વાર લાગે છે.

– વિવેક મનહર ટેલર
(૨૭-૦૨-૨૦૧૮)

19 thoughts on “વાર લાગે છે…

  1. વાહ…ખરેખર મજાની ગઝલ…મત્લા જબરદસ્ત…પાંચમો , આઠમો શેર સરસ…છેલ્લો શેર જોરદાર…

  2. Ur All Gazals shows ur quality
    This one has the same tremendous effect.
    I personally like બુરાઈ….
    We want many more sir 👌👌👌👏👏👏

  3. ખૂબ સરસ રચના…

    કશું તો છે જ્યાં આવીને પરોવાઈ ગયું છે મન
    નકર શું કાંચળી તરછોડવામાં વાર લાગે છે?

  4. અંતિમ શેર તો દરેક કવિની વિમાસણ સુપેરે રજું કરે છે. મતલા ઉત્તમ. બધા જ શેર સારા થયા છે.

  5. વાહ કવિ સાહેબ. .

    સ્મરણપટ પર એ દિ’ તાજો થવામાં વાર લાગે છે. . મસ્ત શેર 👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *