એક અડધી કવિતાની ડાળે

એક અડધી કવિતાની ડાળે,
અટકી પડ્યો છું હું – લટકી પડ્યો છું ન ઊગતા કશાકની વચાળે.

કાગળ તો ઝંખે છે વર્ષા થાય, વર્ષા થાય,
શબ્દો આવે ને ડૂબાડે,
પણ વિચારનાં વાદળિયાં શલ્યા થઈ બેઠાં છે,
કોણ એને સ્પર્શે? જગાડે?
એંઠું ચાખીને ભૂખ ભવભવની ભાંગે એ ભાંગી આશાની કો’ક પાળે
મોઢું વકાસી વિમાસે છે પેન – ના થાવાનું થ્યું બનવાકાળે.
એક અડધી કવિતાની ડાળે…

એકાદું પાન ક્યાંક ફૂટે તો ડાળખીને
સધિયારો થાય કે હું છું,
પાનમાંથી પાન પછી આપોઆપ ફૂટે
ને ફૂલનેય થાય, ચાલ ખીલું.
પણ થાય શું જ્યાં મૂળ પોતે ચડી બેઠું હો કારમા દુષ્કાળના ચાળે.
પાણી ઊતરી ગ્યાં કૂવાના દેશે કિયો માટી માટીને પલાળે?
એક અડધી કવિતાની ડાળે…

– વિવેક મનહર ટેલર
(૨૪-૦૯-૨૦૧૮)

9 thoughts on “એક અડધી કવિતાની ડાળે

  1. It’s an excellent song.
    Title itself is so fascinating
    And the matters in song fulfill the intention of title
    U deserve a big round of applause 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  2. બીજો બંધ તો કાવ્યતત્વની ટેકરી પર જઈને બેઠો છે. ખૂબ સરસ ગીત.

  3. પણ થાય શું જ્યાં મૂળ પોતે ચડી બેઠું હો કારમા દુષ્કાળના ચાળે.
    પાણી ઊતરી ગ્યાં કૂવાના દેશે કિયો માટી માટીને પલાળે? Waah !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *