છૂટ છે તને / છૂટ ક્યાં છે, દોસ્ત ?



સાયુજ્ય…..
…ગ્રેટર ફ્લેમિંગો, ધોળાવીરા, 2022



*

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

અડધી રમતથી ઊઠવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
મારી શરતથી જીતવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

ખાલી ન રાખ્યું જિંદગીમાં ખાલીપાએ કંઈ
ખાલી જગાય પૂરવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

મરજીથી જઈ શકાય ને પાછા ફરાય પણ
મરજીના દ્વાર ખોલવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

ઇચ્છા કે એ મળે ને મળે આ જ જન્મમાં
એવું કશુંય ઇચ્છવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

શબ્દોને શ્વાસ માનીને જીવન વીતાવ્યું પણ
લીધા પછી ન છોડવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

છે તારી-મારી વાત, નથી દેહ-પ્રાણની,
રહી-રહીને પાછાં આવવાની છૂટ છે તને.

તારો ને મારો સાથ તો છે દેહ-પ્રાણનો
જાઓ તો પાછા આવવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

– વિવેક મનહર ટેલર
(૦૬-૧૧-૨૦૧૧/૧૮-૧૨-૨૦૧૭)

*

૦૬-૧૧-૨૦૧૧ના રોજ ‘અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને’ની પ્રતિગઝલ લખવાનું મન થયું… એક-બે શેર લખાયા ન લખાયા ને અડધી રમતથી ઊઠી જવાનું થયું… પછીના છ વરસમાં ક્યારેક ક્યારેક આ પ્રતિગઝલ તરફ ફરવાનું થયું પણ અડધેથી છૂટી ગયેલી રમત પૂરી ન થઈ તે ન જ થઈ… આજે ૧૮-૧૨-૨૦૧૭ના રોજ અચાનક છે…ક છ વર્ષ પછી મળસ્કે પાંચ વાગ્યે આંખ ખુલી ગઈ અને પ્રતિગઝલ મનમાં વમળાવા માંડી. મોબાઇલ હાથમાં લીધો અને મોબાઇલમાં જ સડસડાટ આખી પ્રતિગઝલ લખાઈ ગઈ… જૂની અને આ નવી –બંને ગઝલ એકસાથે રજૂ કરું છું…

બે ગઝલ લખવામાં છ વર્ષ લાગ્યાં… પણ એને પૉસ્ટ કરવામાં બીજા પાંચ વર્ષ લાગ્યાં…
આ લાંબી પ્રતીક્ષા ફળી છે કે નહીં એ જણાવવાનું ભૂલશો નહીં… આપના પ્રતિભાવની હંમેશ મુજબ આકંઠ પ્રતીક્ષા રહેશે…

41 thoughts on “છૂટ છે તને / છૂટ ક્યાં છે, દોસ્ત ?

  1. કવિ, આ મને બહુ ગમતી ગઝલ છે. આ ગઝલ તો અદ્ભુત છે જ. પણ આનું સ્વરાંકન પણ એટલું જ દમામદાર છે.
    પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે આ ગઝલની સાથે જ જે વિરોધાભાસી ગઝલ તમે અહીં મૂકી છે એ પહેલી ગઝલ જેવી મજા નથી આપતી.

    • @ જિત ચૂડસમા:
      પ્રામાણિક પ્રતિભાવ દુર્લભ અસ્ક્યામત બનીને રહી ગયા છે… ખૂબ ખૂબ આભાર…

  2. સુંદર પ્રતિગઝલ.

    લીધા પછી ન છોડવાની છૂટ ક્યાં છે દોસ્ત?

    એ એનાટોમોકલી અદભુત છે.

  3. “છૂટ છે તને…” ની અદ્ભુતતા અને વિશીષ્ટ માં સ્વરાંકન એનો જાદુ છોડવા દેતું જ નથી…
    પણ નવી ગઝલનો પ્રતિકૂળવાદ અસર કરે છે હો!

  4. વાહ બન્ને ગઝલ મજાની થઈ છે અને આ પ્રયોગ પણ કાબિલે દાદ છે…

  5. કેટલાંક અંજળ નિમિત્ત હોય છે. માટલું પડ્યું પડ્યું પાકે એમાં પછી પાણી ઠંડુ થાય એને પછી ફ્રીઝ ની જરૂર રહેતી નથી.આટલા વર્ષો પછી તમારી ગઝલ પુરી થઈ હશે ત્યારે તમને જે સંતોષ નો ઓડકાર આવ્યો હશે,એનો આનંદ ઉત્તમ હોય છે.
    ગઝલ તો ખૂબ સરસ જ છે.દોસ્ત ને ઉદબોધન કરી ક્યાં છૂટ છે તને?- અને છૂટ છે તને….કહી જે પરસ્પર contrast ઉભો કર્યો છે એમાં નિત નિત વિધ વિધ રંગો છે.આ પાર અને સામે પાર જેવી નૌકા વિહાર ની મજા શબ્દો કરાવે છે.અભિનંદન💐

  6. મને ગમતી ગઝલમાંની એક ગઝલ , કારણ એમાં નિત નિત વિધ વિધ રંગો છે

  7. ખરેખર ખૂબજ અદભુત રચના છે ..ખાસ કરીને વિરોધાભાસ નો અનુભવ કરાવ્યો તે કાબિલેદાદ છે…ખુબ જ સુંદર…

  8. અદભુત ગઝલ વિવેક ભાઈ
    મારી મનગમતી આ ગઝલ.છે
    પ્રતિગઝલ પન પણ આજે વાંચી ખૂબ જ આનંદ થયો અભિનંદન

  9. વાહ ગજબનું કોમ્બિનેશન સર, સ્વરાકન પણ જોરદાર.. છે આ ગઝલનું

  10. ખૂબ સુંદર અને સફળ પ્રયોગ. પણ છતાં મને મૂળ ગઝલ સહજ, સુંદર લાગે છે અને ગમે છે જ્યારે પ્રતિ ગઝલ એક સફળ આયાસ બનીને રહી જાય છે. અભિનંદન.

  11. અદ્ભૂત કવિરાજ !
    વાચી વાંચી ને મન ધરાતું નથી.શુ! રજૂઆત છે.🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *