રોજ મને ઊંઘ જરા ઓછી જ પડે

આ સૂરજને કહી દો કે ઊગે ન આજે…. …બેલેન્સિંગ રોક, આર્ચિઝ નેશનલ પાર્ક, અમેરિકા, ઓક્ટોબર 2024

રોજ મને ઊંઘ જરા ઓછી જ પડે,
ઊડી નથી કે ફેર પાછી ચડે.

થાય, કોઈ સૂરજને આટલું કહે-
કે આજ જરા આભમાં એ મોડો ચડે…

ના ખૂટતા કામ જેવી આવે છે રાત,
કેમ એ ખૂટાડવી, એ ના આવડે.

ઊંઘ ઓછી પડવાના કારણ હજાર,
ને બધ્ધા જ આ વાલામૂઈને નડે.

સાસરિયાંની યાદી હું ના કરું,
વીત્યા જમાનાની વહુ એ ઘડે..

સ્વિમિંગપુલ, જીમ, ટ્રેક, સાઈકલ બધાં જ
રોજ થોડું થોડું મારા નામનું રડે.

બિસ્તર બન્યું છે બોક્સિંગ રિંગ જ્યાં
ઊંઘ અને હું – બે લડે આખડે.

મૂઈ! રાતભર સાજનને બથમાં રાખે,
પછી ક્યો તમે, એ મને શીદ પરવડે?

પ્હો ફાટતાં જ ફેર એકલી હું તો,
તો બોલો કે ગુસ્સો ચડે, ના ચડે?

– વિવેક મનહર ટેલર
(જુલાઈ-ઓગસ્ટ, ૨૦૨૨, જાન્યુઆરી ૨૦૨૫)

આ આંખોમાં ઊંઘ નથી આજે….
…બ્રાયસ કેન્યન, અમેરિકા, ઓક્ટોબર 2024

શું કહેવું? કેમ કરી કહેવું?

સતર્ક….. … ….ગ્રેટર રોડરનર, લેક પોવેલ, પેજ, અમેરિકા, ઓક્ટૉબર 2024

શું કહેવું? કેમ કરી કહેવું?
ન પૂનમ, ન બીજ,
ન મસ્તી, ન ખીજ,
શું આને કહેવાય છંછેડવું?

તું તો કહેતો’તો કે મસ્તી-મજાક તારા લોહીનો ભાગ નથી, લોહી છે,
ને વાયરાની એકધારી છેડખાની પર જ તો મધુમાલતી મૂળે મોહી છે.

શું કહેવું? કેમ કરી કહેવું?
રે ચતુર સુજાણ,
શું છે તને જાણ
કે રાહ જોઈ જીવતું બટેરવું?

પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એવું કહેતું આવ્યું છે લોક સદીઓથી,
પણ તારો બદલાવ તો એવો કે દરિયે જળ બંધ કર્યું લેવાનું નદીઓથી;

શું કહેવું? કેમ કરી કહેવું?
હોય જ્યાં અપેક્ષા
પણ મળે ઉપેક્ષા
એ જીવતરને કેમ હવે વેઠવું?

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૦-૨૦૨૩)

ये कौन शिल्पकार है?…… …. …….હૂડૂ, બ્રાયસ કેન્યન, ઓક્ટોબર 2024

એક એક કરતાં ઓગણીસ ગયાં…

હાથમાં કલમ લઈને કાગળ પર છેલ્લી કવિતા ક્યારે લખી હશે એ યાદ નથી… ટેકનોલોજી એ હદે સદી ગઈ છે કે કવિતા હવે સીધેસીધી મોબાઇલમાં કે કમ્પ્યુટરના કી-બૉર્ડ પર જ લખાય છે. વરસે-બે વરસે એકાદવાર કવિતા છપાવવા માટે સામયિકોને મોકલતો હોઈશ… સામયિકોના રસ્તે થઈ આપ સહુ સુધી પહોંચવાના બદલે જે ટેકનોલોજી કાવ્યસર્જનનું ઉપાદાન બની છે, એનો જ હાથ ઝાલીને આપના સુધી પહોંચવું મને વધારે પસંદ પડે છે… અને આ પસંદગીને આજે એક એક કરતાં ઓગણીસ વરસ પૂરાં થયાં… જાણું છું કે આમાંનું કશું જ આપ સહુના એકધારા સ્નેહ અને સંગાથ વિના શક્ય જ નહોતું…

આપનો આ સ્નેહ અને સંગાથ કદમ કદમ પર બનાવી રાખજો…

૧૯ વર્ષ…
૭૦૦થી વધુ રચનાઓ..
૧૬૦૦૦ થી વધુ પ્રતિભાવો…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…
વેબસાઇટની લિન્ક આપના મિત્રમંડળોમાં પણ મોકલજો. આભાર…

અસ્તુ!

બારમાસી અમાસો

તેજકુંડાળું…. …ડેટ્રોઈટ, ૨૦૨૪

વિવસ્વાન* મોઢું ફુલાવીને બેઠો,
‘નથી ઊગવું’ કહી ન જાણે ક્યાં પેઠો.

અને તારલાઓય જિદ્દે ચડ્યા છે,
નિયત સ્થાનથી સહેજ પણ ના ડગ્યા છે;
પડી છે સવાર,
છતાં અંધકાર
ગગનની અટારીથી ઉતરે ન હેઠો,
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.

અમારા ગગનથી જે વહેતો થયો છે,
એ ચાંદો શું કંઈ આવું કહેતો ગયો છે?-
ન કોઈ દિવાકર,
ન કોઈ શશિયર,
હવે બારમાસી અમાસોને વેઠો…
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૨૪)

(*વિવસ્વાન= સૂરજ)

પ્રકાશ દ્વાર…. બ્રાયસ નેશનલ પાર્ક, ૨૦૨૪

આપણા કજિયા-બખેડાનો કોઈ અંત ખરો?

(તોરણદ્વાર…. …જયપુર, ડિસેમ્બર ૨૦૨૪)

આપણા કજિયા-બખેડાનો કોઈ અંત ખરો?
‘હું‘ની લંકા જે દહે, એવો કો‘ હનુમંત ખરો ?

‘માંગ, માંગે તે દઉં‘ – કહી તો દીધું એને, પણ
હું અહમ્ ત્યાગી શકું, એટલો શ્રીમંત ખરો?

બેઉ જણ બેઉને, છે એમ સ્વીકારી ન શકે
તો એ સંબંધ ખરા અર્થમાં જીવંત ખરો?

બેઉ જણ પામ્યા પરાજય, હતી કેવી આ રમત?
જિંદગી! તું જ કહે કોણ છે જયવંત ખરો?

શ્વાસ તું મારો છે એ કહું તો છું પણ શ્વાસની જેમ
તુર્ત પડતો મૂક્યો હો એવો કોઈ તંત ખરો?

એકદા ઠીક પણ આ ત્યાગ-મિલન પળપળનાં,
વેઠવાં કેમ એ શીખવાડે એ દુષ્યંત ખરો.

ક્યાં લગી રહેવું અલગ થઈ બે કિનારા, હે પ્રભુ?
પુલ બાંધી શકે વચ્ચે તો તું ભગવંત ખરો.

આજથી છુટ્ટા – કહીનેય સદા ત્યાંના ત્યાં,
કોઈ તો તંત ઉભય વચ્ચે, હા, સાદ્યંત ખરો.

થાય ઝઘડો તો તું દીઠી ન ગમે, ને પાછો
રોમરોમેથી હું તારા ભણી ઢળકંત ખરો

પોતપોતાની રીતે છો ને ખીલો, પણ યારો!
જો ખરો, પુષ્પ ખરે એ રીતે મહેકંત ખરો

– વિવેક મનહર ટેલર
(૦૭/૦૬/૨૦૨૨-૦૯/૧૧/૨૦૨૪ )

(તોરણદ્વાર…. …જયપુર, ડિસેમ્બર ૨૦૨૪)

અછાંદસત્રયી : ૦૩. ત્વચા

(ખળખળજળજળ….. … ……ગિરમાર ધોધ, ડાંગ, સપ્ટેમ્બર ૨૦૨૪)

અછાંદસત્રયી કાવ્યગુચ્છમાંથી આપણે પ્રથમ અને દ્વિતીય અછાંદસ કાવ્યો માણ્યાં… આજે એ ગુચ્છનું આખરી પુષ્પ… ત્રણેયને એક જ સળંગ કાવ્યના ત્રણ ભાગ તરીકે પણ માણી શકાશે અને સ્વતંત્રપણે પણ…. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે…

*

છૂટી, સોરી, તૂટી ગયેલા સંબંધના વસવસા
અને મરણ નામના અંતિમબિંદુની વચ્ચે
ત્રિશુંકુ બનીને હું સદીઓથી લટકી, સોરી, અટકી રહ્યો છું.
લાશો વચ્ચે લાશ બનીને જીવવું પણ દુભર
અને રાખ થઈ ગયેલા શ્વાસોને ફરી છાતીમાં ભરવા પણ અસંભવ.
‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ ભૂલીને
જીવતેજીવ સ્વર્ગ પામવા જઈએ ત્યારે આ હાલ થાય.
હવે સમજાય છે
કે ખરું સ્વર્ગ સંબધમાં નહીં,
સ્વયંમાં જ હતું.
સંબંધનું પેટ ચીરવા બેસો તો
રુચે એવું કશું હાથ આવે જ નહીં.
ચામડી ગમે એટલી લિસ્સી ને સુંવાળી કેમ ન હોય,
નીચે તો માંસ-મજ્જા અને લોહી જ ને!
સ્પર્શસુખ એ જ ચરમસુખના છત્તર નીચે
હજારો વરસોથી જીવતાં આવ્યાં એ લોકો શું મૂરખ હતાં
તે હું સામી છાતી કરીને ચામડીની નીચે ઘૂસ્યો…!
ઘૂસ્યા તે ઘૂસ્યા…
ભોગ લાગ્યા તે ભોગવો હવે, બીજું તો શું!
બટકો ને છટકો ને લટકો ને અટકો હવે…
શિલા થઈ જવાયું હોત તો કોઈ રામ પણ આવત,
પણ
ત્રિશંકુને ઉગારવા કોણ આવે?
જેના માટે થઈને લટક્યા, એ તો એ ને ઉપર બેઠા,
પોતાની ત્વચા પંપાળતા…

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫-૨૦૨૪)

અછાંદસત્રયી : ૦૨. ત્રિશંકુ

(જળધુબાકો…….      ચિમેર જળપ્રપાત, ડાંગ, સપ્ટેમ્બર ૨૦૨૪)

ગયા વખતે અછાંદસત્રયીમાંથી આપણે પ્રથમ અછાંદસ કાવ્ય માણ્યું… આજે એ ગુચ્છમાંથી બીજું અછાંદસ… ત્રણેયને એક જ સળંગ કાવ્યના ત્રણ ભાગ તરીકે પણ માણી શકાશે અને સ્વતંત્રપણે પણ…. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે…

લાશોના ગામમાં સૌએ મને સરપંચ બનાવી દીધો.
આમ ધોળે દહાડે
નિર્હેતુકતાની ખીણમાં કૂદનાર કદાચ હું પહેલવહેલો હતો એથી.
તો પછી બીજી બધી લાશો ક્યાંથી આવી હતી એ સવાલ મને થયો,
પણ એનો કોઈ જવાબ મળે એમ નહોતું.
મડદાં કંઈ ઉત્તર દે?
કાંડી દઈ સળગાવી દીધેલા શ્વાસોની રાખ
હજીય કગાર પરથી ધીમે ધીમે નીચે ખરી રહી હતી.
થોડા દિવસોમાં જ મેં જોયું
કે ચારેતરફથી
રોજેરોજ
પળેપળ
વધુને વધુ લાશો આવી રહી હતી.
ગામની વસ્તી તો દિન દૂની રાત ચોગુની વધી રહી હતી.
પણ મને જપ નહોતો વળતો.
રહી રહીને મારું ધ્યાન
જ્યાંથી હું કૂદ્યો હતો
એ મથાળાની ભેખડ તરફ જયા કરતું હતું.
ડાંગે માર્યા પાણી જેવો સંબંધ
કેમ કરતોકને બટકી ગયો એ સમજાતું નહોતું.
આમ તો લાશોના ગામમાં હુંય એક લાશ જ હતો,
પણ હું એક વિચારતી લાશ હતો.
બીજી લાશો પણ મારી જેમ વિચારી શકતી હશે કે કેમ એ હું જાણતો નથી.
પણ મને સતત એમ થયા કરતું હતું
કે કૂદકો ન માર્યો હોત તો સારું થાત.
તડજોડ ચલાવી લેવા જેવું હતું.
આત્મહત્યા કરી લીધા પછીની આ પરિસ્થિતિ કરતાં તો
એ બહેતર જ હોત.
કદાચ.
પણ આ તો હું નથી ખીણમાં સરખો જીવી શકતો,
નથી જ્યાંથી આવ્યો હતો ત્યાં ફરી જઈ શકાતું.
આમ અધવચ્ચે ક્યાં સુધી લટકતો રહીશ?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫-૨૦૨૪)

(ન ખીલવું, ન ખરવું…….     .              ……ડાંગ, સપ્ટેમ્બર ૨૦૨૪)

અછાંદસત્રયી : ૦૧ : સરપંચ

ઇન ઉમ્ર સે લંબી સડકોં કો…. ….ડાગ, સપ્ટેમ્બર, ૨૦૨૪

પછી જ્યારે
ડાંગે માર્યાં પાણી જેવો શાશ્વત લાગતો સંબંધ
સંજોગોનો માર્યો
પ્લાસ્ટિકના ટુકડાની જેમ અચાનક બટકી ગયો
ત્યારે
દિલની દુકાનમાં
ફેવિકવિકનો સ્ટોક પણ બચ્યો નહોતો.
ને હોત તોય શું થાત?
તડજોડ જ ને?
પ્લાસ્ટિક કઈં ઓછું પાણીના બે અણુની જેમ ન સાંધો ન રેણ જેવું જોડાઈ શકે?

હજારો વરસોનો સમય કે ઋતુઓનો માર પણ
જેને ન મિટાવી શકે, ન ઝાંખા કરી શકે
એવાં ભીમબેટકાનાં ભિત્તિચિત્રો જેવો મૂંઝારો
છાતીના ખાલી થયેલા પિંજરામાં ઘર કરી ગયો.
આંખોનું ખાલીખમ આકાશ
એના સ્મરણોના લાખલાખ સૂર્યોથી
એવું તો ફાટી પડ્યું, એવું તો ફાટી પડ્યું
કે
એમાં કોઈ કરતાં કોઈ દૃશ્યોને અવકાશ જ ન બચ્યો.
બારમાસી ભરબપોરે
ધોળા દહાડે ભરબજારે ખોવાઈ ગયેલા
ચાંદ કે ચાંદનીનું તો કઈ રીતે વિચારાય?
આખરે
બચ્યાકુચ્યા શ્વાસોને કાંડી ચાંપી દઈ
હું
નિર્હેતુકતાની ખીણમાં
કૂદી પડ્યો.
તળિયે લાશોનું ગામ વસતુ હતું.
એમાં મને સરપંચ બનાવી દેવાયો.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૫-૨૦૨૪)

સરપંચ…. ….ડાંગ, સપ્ટેમ્બર, ૨૦૨૪

મૈત્રીનું માનચિત્ર

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું… . …સાપુતારા રોડ, ૨૦૨૪

પછી એક દિવસ મેં
ગૂગલ અર્થ પર ઝૂમ આઉટ કરીને જોયું
ત્યારે
અમારી મૈત્રીનું માનચિત્ર સ્પષ્ટ દેખાયું.
નજર પહોંચે ત્યાં સુધી દૂર દૂર ચારેતરફ
‘હું’નો મહાસાગર
અને
વચ્ચે વચ્ચે થોડા ઘણા
‘આપણે’ના ટાપુઓ.
જરાતરા
વાંધો
કે
વાંકું
પડતામાં જ
બધાં જ કપડાં ફગાવી દઈને
આપણે ‘આપણે’ના ટાપુ પરથી ઝંપલાવી દઈએ છીએ
‘હું’ના અસીમ અફાટ અપાર મહાસાગરમાં.
ને પછી મહામહેનતે લાખ કોશિશો બાદ પહોંચી શકાય છે
ફરીથી કોઈ એક ટાપુ પર,
જ્યાં પગ મૂકતાવેંત સ્વર્ગની પ્રતીતિ થાય..
ટાપુ પર હોઈએ ત્યાં સુધી તો એમ જ લાગે
કે
સંસારમાં આ સંબંધથી ચડિયાતું સુખ અવર કોઈ છે જ નહીં.
ને દરિયો તો એટલો ખારો ઉસ કે…
ગૂગલ અર્થએ એય ગણી બતાવ્યું
કે દરિયા સામે ટાપુના પર્સન્ટેજ તો નહિવત્ જ ગણાય…

આના કરતાં તો નાનાં હતાં ત્યારે સારું હતું.
નાનાં હતાં ત્યારે કપડાં ફગાવી દેવાનો અર્થ પણ અલગ હતો
અને મૈત્રીનું માનચિત્ર પણ આનાથી ઊલટું હતું.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૨૪)

સાથ-સંગાથ… . …ચિમેર, ૨૦૨૪

મરવા દે –

ધોધમાર… ગૌમુખ ધોધ, સોનગઢ, ઓગષ્ટ 2024

મને મારા એકાંતમાં મરવા દે.
પ્રાણવાયુ વિનાની હવાને શ્વાસોનું નામ દઈ છાતીમાં ભરવા દે.

બાર તમે સાંધો ને તેર તૂટે એ રીતે વરસોના વરસ ચલાવ્યું,
ચલાવ્યું? ના ભઈ ના,
નહીં સાંધો, ને નહીં રેણની જેમ નિત જિગરાંને જિગરાંથી ફાવ્યું;
પ્રેમમાં શી ખોટ હતી? કંઈ નહીં.. કંઈ નહીં… સાચ્ચું જ હતું સાવ સગપણ,
પ્રેમમાં કંઈ ખોટ ન’તી,
ખોટના નામે તો બસ ઓછી પડતી’તી – આ ‘હું’ને કેમ ભૂંસવો એ સમજણ;

તૂટ્યો છે સમજણનો છેલ્લો તરાપો, અને તળિયે બૂડ્યો છું, હવે ઠરવા દે,
મરવા દે.

લીપાપોતી કરી કેટલાક દિ’ હજી ભીતરના લૂણાને ઢાંકશું?
કેટલાક દિ? કહો
તકલીફની બારી પર ક્યાં લગી આંખ આડા કાનના પડદા ચડાવશું?
લાગણી તો સાચી છે, સાચી છે, સાચી, હા! નફરત શું ખોટી છે, ભઈ?
શું સાચું! શું ખોટું!
છાંયડા ને તડકા હકીકત છે જીવતરની, સ્વીકારવાનું, રડવાનું નંઈ;

સમ-બંધની વસિયતના છેલ્લા પાના ઉપર છૂટા પડ્યાની સહી કરવા દે,
મરવા દે.

– વિવેક મનહર ટેલર

(૨૮-૦૯-૨૦૨૩)

જળશીકર… … ….ગૌમુખ ધોધ, સોનગઢ, ઓગષ્ટ 2024

ખાલી છે બાંકડો

ખાલી છે બાંકડો…. …બર્લિન, મે-૨૦૨૪

ક્યારેક જે સભર હતો, આજે છે રાંકડો,
તારો જ ઇંતજાર છે, ખાલી છે બાંકડો.

તારી સ્પૃહાના સાગરો માઝા મૂકે છે ને
સંભવનદીનો પટ તો થતો જાય સાંકડો.

ગરકાવ છે વિચારમાં ગઈકાલ ક્યારની
કે આજ સાથે કઈ રીતે એ ભીડે આંકડો?

ઊતરી પડ્યો પવન બગીમાંથી બપોરે ને
ફૂલો નિમાણાં, ક્યાં ગયો ઝાકળનો વાંકડો?

છાપામાં છાતીબાઈએ આપી છે જા.ખ. કે-
ગાયબ થયો છે કાલથી ઉન્માદ ફાંકડો.

સામાને ભૂંસવામાં ભૂલાઈ ગયું છે એ જ
કે આપણે તો માંડવો’તો ભેગો આંકડો.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૨/૦૧-૦૬-૨૦૨૪)

બર્ન, સ્વિટ્ઝર્લેન્ડ, મે-2024

દુઃખ આવ્યું, દુઃખ લ્યો.

કેરળ, માર્ચ, 2024

દુઃખ આવ્યું, દુઃખ આવ્યું, લઈ લ્યો,
દુઃખ આવ્યું, દુઃખ લ્યો.

સુખ છે ઝાકળ, ગાયબ પળમાં, તાપ થતો જ્યાં આળો,
તાપ વધે એમ ખીલે વધારે, દુઃખ તો છે ગરમાળો;
પગ પ્રસારી દિલમાં, કેવો ફૂલેફાલે, ક્યો!

સસ્તું, સુંદર, ટકાઉ; ના ના, સુંદર તો નહીં કહું,
પણ છે આગળ વધવાની ચાવી, લાવ્યો છું, દઉં?
પછી ન કહેતા, હાથ ચડ્યો એ કીમિયો હાથથી ગ્યો.

સુખ રાખે સૂતેલાં તમને, સુખમાં છકી જવાય,
જે દખ ના વખ પચાવે એને જડતો તરણોપાય;
ચાલ ચાતરો, દુઃખ વધાવો, સૌથી આગળ ર્.યો.

– વિવેક મનહર ટેલર
(૧૯/૨૫-૧૨-૨૦૨૩)

ઠસ્સો…. . . …બ્લુ વ્હિસલિંગ થ્રશ, મુન્નાર, કેરળ, 2023

પ્રાર્થના એકે સાંભળી જ નહીં

સંગાથ…. …મુન્નાર, કેરળ, 2024

પ્રાર્થના એકે સાંભળી જ નહીં,
જિંદગી! તું મને મળી જ નહીં.

બંદગીમાં જરૂર કચાશ હશે,
એ મળી તે છતાં મળી જ નહીં.

ક્યાંય કોઈ કમી ન રાખી છતાં
દુઆ એકે કદી ફળી જ નહીં

દુર્દશા જાણે પૂંછ હનુમંતી,
ભીમયત્નો છતાં ચળી જ નહીં.

ગૂંચ ગૂંચ જ રહી ગઈ, કારણ
બેઉ બાજુ તેં સાંકળી જ નહીં.

ચંદ શબ્દોની આપ-લે જ હતી,
પણ પછી કળ કદી વળી જ નહીં.

નામ શું દેવું એ નદીનું જે
જઈ સમંદર સુધી, ભળી જ નહીં.

ફોન, બસ ફોન તુર્ત સળવળ્યા
એ વિના ભીડ સળવળી જ નહીં

– વિવેક મનહર ટેલર
(૦૮-૨૧/૦૨/૨૦૨૪)

ભીડ…. એફિલ ટાવરની ટોચેથી, પેરિસ, 2023

સઘળું લીલું-લીલું…

પ્રશાંત…… ….નાગરહોલ ટાઇગર રિઝર્વ, માર્ચ-૨૦૨૪

તું આવ્યો કે મેઘો? સઘળું લીલું-લીલું…
હતું ભીતર જે વીલું-વીલું, થયું લચીલું…

મળ્યો છે ઉષર ધરતીને  લીલો પડવાશ,
ઊગી વર્ષો વેરાની, ત્યાં ઊગી છે હાશ;
હૈયું છે કે રજનીગંધા? ખીલું ખીલું…

ગીત હોત તો વાત હું અઘરી અઘરી માંડત,
પ્રીત છે આ તો, પ્રીતમાં ના હોય મોટી આરત;
કાગળનો ખોબો નાનકડો, શું શું ઝીલું?

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૭/૦૭/૨૦૨૨)

લીલું લીલું…. બેક વોટર્સ, અષ્ટમુડી, માર્ચ – ૨૦૨૪

તને ગરમાળો જોઈને શું થાય?

(ઊગ્યા સૂરજ ડાળે ડાળે….. . …ગરમાળો, મે-૨૦૨૪)

તને ગરમાળો જોઈને શું થાય?
કોઈ પૂછે આમ ત્યારે મનડું મૂંઝાય કે ઉત્તર શું એને દેવાય,
કે મને ગરમાળો જોઈને શું થાય?

પીળે તે પાંદ લીલા ઘોડા ડૂબાડી*ને
કવિઓએ બેસાડ્યો ધારો,
લીલું તે તાજપ ને જીવન-વિકાસ,
પીળું જરા-મરા-મરકીનો ભારો;
ગરમાળો જોઉં ત્યારે જગના જડ નિયમોના લીરાઓ ઊડતા દેખાય,
મને મારા જેવું કો’ ભળાય,

તાપ જેમ જેમ વધે એમ ખીલી ખીલી
એ સૂરજની સામે કાઢે કાઠું,
એક પગે ઊભેલા તાપસ સમો એ
મને આપે છે જીવતરનું ભાથું,
ઊંચી હલકથી વળી ‘પહેલે કા નાતા’વાળું ગીત એ તો મસ્તીમાં ગાય,
એને ઋણાનુબંધ ન કહેવાય?

હજીયે ના સમજાણું? તો લો, એક વાત કહી
મૂકું હથિયાર મારાં હેઠાં;
દુનિયાથી ઊલટું હું ગરમીની ઝંખનામાં
નજરોનાં બોર કરું એંઠાં,
પીળાં-પીળાં તારવીને છાબડી ભરી મેં, એને ફૂલોનું નામ ન દેવાય,
એ તો રામજીના પગલાં છે, ભાઈ!

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૫-૨૦૨૪)

(* = પુણ્યસ્મરણ: રાવજી પટેલ)

(પીળે તે પાંદ લીલા ઘોડા ડૂબ્યા….. . …ગરમાળો, મે-૨૦૨૪)

હાયે! આ ગરમાળો નીંભર…

(ફુલ્લકુસુમિત….. . . …..ગરમાળો, સુરત, મે- ૨૦૨૪)

રોજ મીટ માંડું છું ઉપર,
એક સેર પીળી જોવાને આયખું – આંખ્યું સઘળું તત્પર,
હાયે! આ ગરમાળો નીંભર…

હરખે વાવ્યો, હેતે સીંચ્યો,
ઉત્કંઠા પી-પીને પાછો વાંભ-વાંભ વધ્યો એ ધાંસુ;
હમણાં ખીલે, હમણાં ખીલે
કરતાં કરતાં ખાલી વીતતાં વરસોને પણ આવ્યાં આંસુ,
કોરા કોરા જાય ઉનાળા,
મારા યત્નો, તાલાવેલી જોઈ હસે જાણે સચરાચર
હાયે! આ ગરમાળો નીંભર…

ગામ આખાના ગરમાળાને
પાંદ-પાંદ પે દીવડા પ્રગટે, મારે ત્યાં બસ લીલપ લટકે;
સૂરજ આંખો લાલ કરે પણ
સમ ખાવા પૂરતુંય ના, જો ને! એનું એક રૂંવાડું ફરકે,
એકટક જોયે રાખું એને,
સૂરજ નહીં ને આંખના તાપની થાય કદાચિત કંઈક અસર.
હાયે! આ ગરમાળો નીંભર…

-વિવેક મનહર ટેલર
(૨૭-૦૮-૨૦૨૧)

(ગ્રીષ્મચક્ર….. . . ….કવિના ઘરનો ગરમાળો, સુરત, મે- ૨૦૨૪)

કુંવારી નદી

(હરિત સમુદ્ર… …મુન્નાર, કેરળ, માર્ચ ૨૦૨૪)

છેલ્લીવાર ઝઘડીને આપણે અલગ થઈ ગયાં.
પહેલીવાર બંને એક વાત પર સહમત થયાં
કે હવે સાથે નહીં રહી શકાય.

પ્રેમ?
હા, પ્રેમ તો હતો જ.
હતો ત્યારે ચિક્કાર પ્રેમ કર્યો બંનેએ. છાતી ફાડીને કર્યો.
એવો પ્રેમ જેની સમસ્ત મર્ત્યલોકને અદેખાઈ થાય.

પણ આપણે બંને એકસમાન. સમાન ધ્રુવ.
સંપૃક્ત્તતા કઈ રીતે સંભવે?
બંને સૂરજ… આકરા… તેજસ્વી…
એક આકાશ… બે દિવાકર… હોય કદી?

શું કહ્યું?
છેલ્લી મુલાકાત ઝઘડાવાળી નહોતી થવી જોઈતી, એમ?
હા, સાચી વાત. પ્રેમથી અલગ થયાં હોત તો વધારે સારું થાત.
ફરી એકવાર મળીએ?
પ્રેમથી અલગ થવા માટે?
હાહાહાહાહા…
પ્રેમ અને અલગાવ- વિરોધી શબ્દો નહીં?
સારું થયું, ઝઘડીને છૂટા પડ્યાં.
એ જ બંનેને અલગ રાખતું પૂરકબળ બની રહેશે.

ફરિયાદ?
ફરિયાદ તો છે જ. રહેશે જ કાયમ.
ફરી યાદ?
યાદ તો ફરી ફરીને આવતી જ રહેશે.
ભલે આવતી.
હૈયે કોઈ મલાલ નથી.
ના, ના… મલાલ તો છે… પૂરેપૂરો છે.. છે જ..
પણ જે છે એનો સ્વીકાર કરી લીધો છે.

મતભેદ-મનભેદ- તમે જે નામ આપવું હોય એ આપી શકો,
બધું હતું જ. કોને ન હોય?
નદી વહેતી હોય તો માર્ગમાં હજાર પથ્થર નાના-મોટા આવે જ…
નદી કંઈ વહેવાનું છોડી દે છે!

આપણે છોડી દીધું.

સાગર સુધી પહોંચી ન શકાયું.
હશે, કેટલીક નદી રણમાં જ સમાપ્ત થઈ જતી હોય છે.

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૪-૨૦૨૪)

(વળવળાંક… …ચાના બગીચા, મુન્નાર, કેરળ, માર્ચ ૨૦૨૪)

રાત-દહાડો વાંચવાથી શું થશે ?

*
રાત-દહાડો વાંચવાથી શું થશે ?
વ્યર્થ ફીફાં ખાંડવાથી શું થશે ?
જ્ઞાન જે વર્તનમાં છલકાતું નથી,
એના ભ્રમમાં રાચવાથી શું થશે ?

– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨/૨૦૨૪)
*

શબ્દો કેવળ શબ્દો ઠાલા

એકટક…. પોન્ડ હેરોન, અષ્ટમુડી, કેરળ, માર્ચ 2024

શબ્દો કેવળ શબ્દો ઠાલા,
વાણીમાં ધાણી જેમ ફૂટ્યા, વર્તનમાં ક્યાં ઉતર્યા, વહાલા !

જીવન આખું વીતવા આવ્યું,
થોથાઓના ટેકેટેકે;
અંડરલાઈન કર્યે રાખી બસ,
અંદર લાઈન થઈ ના એકે,
અંધારાં અક્ષરનાં પીધાં, सबद कहाँ भया उजियाला?

લંકાનું સોનું છે શબ્દો,
દૂર રહો તો કામ ન આવે;
સમદરજલ મેં સ્વર્ણદ્વારિકા
ભીતર ઉતરે વો હી પાવે
જે છે હલ, છે એ જ ઉખાણું, सबद ही कूची, सबद ही ताला.

– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨- ૦૬/૦૪/૨૦૨૪)

(પુણ્યસ્મરણ: ગુરુ ગોરખનાથ – ॐ सबदहि ताला सबदहि कूची सबदहि सबद भया उजियाला)

સ્થિતપ્રજ્ઞ… …ઓરિએન્ટલ મેગપાઈ, મુન્નાર, કેરળ, માર્ચ 2024

માસિકદ્વયી : ૦૨ : દીકરાને માનો જવાબ

બેટા! શાને તું કરતો ફિકર?
બસ, રમવાની તૈયારી કર..

દાદીએ દીદીને એના જમાનાના જૂનવાણી પાઠ છો ભણાવ્યા,
ડૉન્ટ વરી, બેટા! મેં દાદીને પણ આજે વિજ્ઞાનનાં લેસન શીખવાડ્યાં,
‘માસિકમાં ‘sick’ નહીં, ‘મા’નો છે મહિમા,’ કહી દાદીને પણ મેં સમજાવ્યાં,
ન પાપ-ન બગાડ, આ તો કુદરતની દેણ કહી સદીઓના જાળાં હટાવ્યાં.
દીદી તૈયાર છે, જા! સમજણના સથવારે ભાગી છૂટ્યો છે એનો ડર.

રમશે એ તારી સંગ, મંદિર પણ આવશે, વિતાડીશ ના એને તું ઝાઝું,
કમ્મર દુઃખે ને જરા કમજોરી લાગે, બાકી રાખવાનું કાંઈ નથી છાનું;
મૂડ સ્વિંગ છો ચાલે થોડા દિ’ દીદીને, તારે સીધા જ ચાલવાનું,
સાચું છે જે એને સમજીને ચાલશું તો જીવન પણ બનશે મજાનું.
સહિયારી શકશે નહીં દીદીનું દુઃખ ભલે, પાસે જઈ ખભો તું ધર.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૯/૦૫/૨૦૨૨)

માસિકદ્વયી : ૦૧ : દીકરાનો માને સવાલ

મા! દીદી કેમ દૂર જઈ બેઠી?
રમવા બોલાવું તો આવતી નથી ને વળી રહે છે એ મારાથી છેટી.

કહે છે મને કે હવે ત્રણ-ચાર દહાડા
મારે એનાથી દૂર રહેવાનું,
દહાડા તો ઠીક, બે ઘડી નહીં ચાલે
એ કેમ કરી મારે કહેવાનું?
ઓચિંતુ ક્યાંથી આ દુઃખ આવી પડ્યું જે
મસ્તીના બદલે સહેવાનું?
ટાઇમ નામની આ કઈ નવી મુસીબત, મા! અમારી દુશ્મન થઈ બેઠી?
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

કાગળમાં બાંધીને ચોરીછૂપીથી એણે
કચરાપેટીમાં કંઈ નાંખ્યું,
હુંય તે કંઈ ઓછો છું! ખાનગીમાં ધાપ મારી
મેં એ પેકેટ ખોલી કાઢ્યું,
હાય હાય મા! દીદીને એવું શું વાગ્યું કે
આટલું લોહી એણે સંતાડ્યું!
દર મહિને આવશે, પેલ્લું કે છેલ્લું નથી- કે’તી’તી તારી એ બેટી.
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૫-૨૦૨૨)

જે લખ્યું નથી મેં, તે હું છું

મારાં કાવ્યો તો શબ્દો, બસ શબ્દો છે કેવળ, જે લખ્યું નથી મેં, તે હું છું,
તમને નજરે દેખાય છે એ કાયા છે કેવળ, જે નજરોની પાર છે તે હું છું.

ભીતરને છલકાવા ઇચ્છા થઈ ને
મેં છલકાવા દીધું, એ છલકાયું;
હાથ ઝાલી દુનિયાએ દીધેલી ભાષાનો,
દુનિયા-દીધું જ્ઞાન મલકાયું;
જે દુનિયાએ દીધેલા કાગળ પર અવતર્યો, કોણે કીધું કે તે હું છું ?

ફેંકી દો, પરજીવી અજવાળાં તકલાદી,
મુજને નિરખવા એ નક્કામાં;
અજવાળાં બધ્ધાં જ્યાં પૂરાં થઈ જાય
ત્યાં આવો, ત્યાં મારા છે ધામા,
અથવા તો દાટી દો જે કઈં મે લખ્યું છે, અંધારું ઊગશે તે હું છું.

– વિવેક મનહર ટેલર
(૦૮-૧૨-૨૦૨૩)

નજરોની પાર…. ….જર્મની, મે-2023

જીવનની ગાડી

જાજરમાન…. Bode museum, Berlin May 23

(મુસલસલ ગઝલ)

જીવનની ગાડી તો સીધી જતી‘તી
તમે ખુદ લિફ્ટ સ્વપ્નોને દીધી‘તી

ગલીકૂંચીના ચકરાવે ચડ્યા બાદ,
મજા તમનેય ફરવામાં પડી‘તી.

તમે માની લીધું, બગડી ગઈ છે,
પરંતુ ગાડી તો ઝાંપે પડી‘તી.

ઉતરવાનું હવે નામ જ ક્યાં લે છે?
ભલા થઈ ઇચ્છાની વરધી લીધી‘તી!!

તમારી ગાડી પણ ડ્રાઇવર છે બીજો,
ખરી શેઠાઈની પણ ચળ થઈ’તી.

સફર છોડી તમે પણ રેસમાં છો,
કહી શકશો હવે કંઈ આપવીતી?

સમય પર ગાડીથી ઉતરી જવાનું,
ભલે ખુદની હો ને હો ખૂબ ચહીતી.

-વિવેક મનહર ટેલર
(૨૯-૦૧-૨૦૨૦)

જીવનની ગાડી… બર્લિન, મે ૨૦૨૩

ખપલાયક

Tranquil……. ..at Statue of Unity, January 24

ખપમાં લેવા લાયક ન રહેલી
જૂની ઇચ્છાઓને
ટેવના ટેભા ભરી
દરવખતની જેમ એક ગોદડી સીવી કાઢી.
જ્યારે જ્યારે
ઠંડી જોર પકડે છે
ત્યારે ત્યારે
ગરમાટો મેળવવા
એ સરસ કામ આવે છે.
બાકીનો સમય
બેડ તળેના
ચોરખાનાંમાં
એને ઢબૂરી રાખું છું.
ઉપર બેડ પર હું સૂઉં છું
ત્યારે ભાગ્યે જ યાદ રહે છે કે
મારી બરાબર નીચે જ એ દબાયેલી પડી છે.
પણ શિયાળામાં
ઠંડી પડે ત્યારે
એને ખપમાં લેવાનું કદી ચૂકાતું નથી.

– વિવેક મનહર ટેલર
(૧૫-૧૦-૨૦૨૨)

એકલતા…. …બર્લિન, જર્મની, 2023

બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

चलो चलें मितवा…. માધવપુર, સૌરાષ્ટ્ર, 2023

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

હવે આગળ વધું તો બસ….. …ગ્રે હેરોન, માધવપુર, સૌરાષ્ટૃ, 2023

અઢારમી વર્ષગાંઠ નિમિત્તે થોડી ગુફ્તેગૂ…

ભાંખોડિયાભેર ચાલતું બાળક બે પગે ઊભું થાય, ચાલતું થાય, ટીન-એજમાં હૉર્મોન્સના ઘોડે સવારી કરતું થાય અને અંતે અઢાર પૂરાં કરી પાકટ વયનું થાય એ આખોય ઘટનાક્રમ એના જન્મદાતા માટે આનંદ અને ગર્વની યાત્રા સમો હોય છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની મારી વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે અઢાર વર્ષ પૂરાં કરી વયસ્ક બની છે…

વીતેલા અઢાર વર્ષમાં મેં એનું કર્યું એનાથી વિશેષ આ વેબસાઇટે મારું ઘડતર કર્યું છે એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી. નિયમિતતાની સાથોસાથ એણે મને કટિબદ્ધતાના પાઠ પણ શીખવાડ્યા. એક-એકથી ચડિયાતા મિત્રો અપાવ્યા અને પુષ્પગુચ્છ અને કંટક –ઉભયને સમાનભાવે સ્વીકારતાં પણ શીખવ્યું.

૧૮ વર્ષ..
૭૦૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

મારી આ સાહિત્યસફર પણ એટલે જ સંભવ બની છે કે મિત્રોએ મને ક્યાંય એકલો પડવા નથી દીધો… વાચકમિત્રોના એકધારા સ્નેહનો હું સદૈવ ઓશિંગણ રહીશ.

…શક્ય હશે ત્યાં સુધી આ સફર જારી જ રહેશે… હા, આપના અનવરત સાથની અપેક્ષા રહેશે… જોડે રહેજો રાજ…

આભાર.
વિવેક

ઉદાસ ના થા

પ્રતીક્ષા…. ….સોમનાથ, નવેમ્બર 2023

ગયું એ આવતું નથી ફરી, ઉદાસ ના થા આમ,
પુરાણા ઘાવ હૈયે સાચવી ઉદાસ ના થા આમ.

ગયું એ આવતું નથી કદી, ઉદાસ ના થા આમ,
સ્મરણ બધું જ રાખે સાચવી, ઉદાસ ના થા આમ.

સમીપ હોય ના એ ના જ હોય એવું તો નથી,
નજર ન પહોંચે ત્યાં શું કઈં નથી? ઉદાસ ના થા આમ.

વહી ગયું એ પાછું ના ફરે એ સત્ય છે છતાં,
કદી શું જળ વિના રહે નદી? ઉદાસ ના થા આમ.

તું જેને ખોતર્યા કરીને તાજા રાખે છે સતત,
સમય એ ઘાવ પણ જશે ભરી, ઉદાસ ના થા આમ.

જરા તો ખ્યાલ કર, સ્વયં ઉદાસી થઈ જશે ઉદાસ,
તને સતત ઉદાસ નીરખી, ઉદાસ ના થા આમ.

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૨૦૨૨)

crucifixion by Andrea Mantegna, Louvre, Paris 2023

પ્રીતનાં ગીત

સ્મિત ખચિત…. …મોનાલિસા, લુવ સંગ્રહાલય, પેરિસ, મે-2023

બાર વરસના અબોલડા ને તેર વરસની પ્રીત*
કેવી રીતે ગાવાં મારે, કહો! પ્રીતનાં ગીત?

નથી ઇચ્છતું કરવા સહેજે કોઈ કોઈને દુઃખી
પણ એક સ્વભાવે રાતરાણી છે, એક છે સૂરજમુખી
દિલના દરિયાના તળિયામાં બંને મારે ડૂબકી
પણ હાથ શું આવ્યું કહેવા બાબત બંને સેવે ચૂપકી
મોતી ગોતી હાથમાં દેવા કે કરવા સંચિત?

સંધિકાળે રાત દિવસ લઈ હાથ, હાથમાં ઝૂમે
ક્ષિતિજ પર વળી લળીલળીને ગગન ધરાને ચૂમે
તાપ અથરો થાય ભલે ને, સાથ ન છોડે છાંય,
પણ આપણને બંનેને આ વાત ન કેમ સમજાય
કે અળગાં રહીને જોડાવું એ પ્રીતની સાચી રીત?

વિવેક મનહર ટેલર
(૩૦-૦૯-૨૦૨૩)

(*પુણ્ય સ્મરણ: જગદીશ જોષી
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત)

અડીખમ ઈરાદાઓની કવિતા…. એફિલ ટાવર, મે-2023

મને આભ ન જડે તો હવે તમારો વાંક

ચારમિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

તમે વેળાસર ટહુક્યાં નહીં, હે સહેલીજી! વેળાસર દીધી ન હાંક,
મને આભ ન જડે તો હવે તમારો વાંક.

વરસોથી એમ તમે વહ્યે રાખ્યું છે
જાણે કાંઠાથી લેવા ન દેવા,
ઓચિંતું છલકીને ભીંજવો જો એક દી‘
તો કાંઠાને કેમ પડે હેવા?
વળી સંકોરી જાત થાવ વહેતાં તમે, થઈ અજાણ લઈ એવો વળાંક;
તો તો નીકળેને આપનો જ વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

વાયરા કનેથી કહો, શીખ્યાં ન કેમ
સદા સાથે રહેવાનો મહાવરો?
વહેતો રહે કે પડી જાય યા ફૂંકાય તોય
મેલે ન આવરો ને જાવરો;
તમે મરજીથી આવો ને મરજીથી ગાયબ તો જીવતરના કેમ માંડું આંક?
બીજા કોઈનો શું કાઢવાનો વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૯/૦૩/૨૦૨૩)

ચાર મિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

વિડિયો કૉલ

(વિહંગાવલોકન… ….આર્ક ડિ ટ્રોમ્ફ, એફિલ ટાવર પરથી, મે-23)

વાગ્યા ધ્રબાંગધમ્ ઢોલ,
છાતીના ઓરડાનો સદીઓનો સન્નાટો ઓચિંતો ભાંગ્યો, લે બોલ:
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

‘કહી દઉં કે નહીં કહું?’ની ભીનીછમ માટીમાં
ખીલું-ખીલું વાણીની વેલ,
પણ નેણથી નેણ જ્યાં ટકરાયાં એ પળમાં
શબ્દોએ માંડ્યો કંઈ ખેલ,
કશુંય બોલવાનું રહ્યું ન સહેલ,
સ્મિતની એક નાની-શી વીજળી પડી ને અહીં ધરતી આખ્ખીય ડોલમડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

સ્ક્રીન પર તો આલિંગન-ચુંબન કંઈ થાય નહીં,
સ્ક્રીન પર વધાય નહીં આગળ;
તૃષા છિપાવવાના સ્થાને એ ભડકાવે
જાણે મયદાનવ રચ્યાં જળ-સ્થળ,
સમજ્યું સમજાય ના આ છળ,
ફરતોયે જાય અને વધતોયે જાય એવો વિરહનો આ તો ચકડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

– વિવેક મનહર ટેલર
(૧૯/૨૪-૦૪-૨૦૨૩)

 

 

(Les Invalides…
એફિલની ટોચેથી, પેરિસ, મે-23)

બે કાંઠા

વિહંગાવલોકન…. ….પેરિસ, એફિલની ટોચ પરથી, મે’૨૩

નદી વહી રહી છે. યુગોયુગોથી. નદી વહી રહી છે એ કારણે કાંઠાઓને અલગ રહેવું પડે છે. એ તો ટાંપીને જ બેઠા છે યુગોયુગોથી, કે ક્યારે નદી વહી જાય, પટ ખાલી થઈ જાય અને બંને કાયમ માટે એક થઈ શકે. સદહજાર અફસોસ પરંતુ. પ્રતીક્ષા બસ, પ્રતીક્ષા જ રહી છે. યુગોયુગોથી. પાણી એટલું ને એટલું જ રહે છે. ખતમ થતું નથી. પાણી અને પ્રતીક્ષા –બંને સ્થિર. પરિણામે કાંઠા અલગ.

.એક જ બિસ્તર પર
…અડખેપડખે
….સૂતા હોવા છતાં
……હું કે તું
……એકબીજાને
…….કેમ મળી શકતા નથી?
……..જે કંઈ તકલીફો,
………મનભેદો,
……….મતભેદો,
………..અહંકાર,
…………જિદ્દ,
………….ગજગ્રાહો,
…………..કલહો વિગ્રહો પૂર્વગ્રહો
……………જૂઠાણાં,
…………….અવિશ્વાસ,
……………..શંકા, સમાધાનો,
………………આપણા બેની વચ્ચે અડિંગો જમાવી બેઠા છે
……………….એને વહેતાં કરી દઈએ તો?

એક નદી આ પણ. બંધ બેડરૂમમાં બે જણ વચ્ચે વહેતી, બંનેને એકબીજાથી અલગ રાખતી. યુગોયુગોથી. આ નદી ઘણી વાર થીજી જાય. વહે જ નહીં. પ્રતીક્ષાની જેમ સ્થિર. જો કે દુનિયામાં કદાચ આ એક માત્ર નદી જ એવી છે, જે ભલે આખેઆખી વહી ન જાય, પણ ખાલી વહેતી જ કરી દેવામાં આવે એને, તોય એના બેઉ કાંઠા એકમેકને ચસોચસ મળી શકે. શું કહેવું છે!?

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૯-૨૦૨૧/૩૦-૦૪-૨૦૨૩)

ધીરે વહે છે સેન…. ….પેરિસ, એફિલની ટોચ પરથી, મે’૨૩

હોઠેથી ‘તરસું છું’ ડોકાયું….

તેરા સાથ હૈ તો…. …Jungfraujoch, Switzerland 2023

*

ઉમળકો ભીતરનો એવો તો છલકાયો, હૈયું આ રોક્યું ન રોકાયું,
‘કહેવું જ નથી કંઈ’ના દરવાજા તોડીને હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

નક્કી જ રાખ્યું’તું કે કાઢીશ આ વેળા હું
જન્મોજન્માંતરની ખીજ,
ઘનઘોર ગંભીર કાળા મેઘાની ઓથમાં મેં
ગોપવીને રાખી’તી વીજ,
કાળવી અમાસ બારમાસી મેં ધારી’તી
ઓચિંતી થઈ ગઈ કેમ બીજ?
આપમેળે હોઠ એમ વંકાયા જાણે તારા આવવાનું વેણ ન હો ભોંકાયું!
હૈયું આ રોક્યું ન રોકાયું.

નામ તારું આંજીને રાખ્યું એ આંખ્યુંને
કાજળ-બાજળ તો શી ચીજ?
લાલી શા ખપની એ ચહેરાને
જેને તારા આવવાની પૂરણ પતીજ?
સાજણ જ સાચો શણગાર છે બસ, મારે તો,
બાકી જે છે સૌ ખારીજ.
અભરે ભરાઈ ડાળો ખાલીખમ જીવતરની, નામ જરા તારું જ્યાં ટૌકાયું.
હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૨૦૨૩)

*

નામ જરા તારું જ્યાં ટૌકાયું… …Jungfraujoch, Switzerland 2023

ઊંઘવામાં કેમ કરી ફાવું?



12 meters tall Giant Thumb (Caesar’s Le Pounce)… …@La Defence, Paris, May 2023



*

આંખે ટકોરા દઈ અડધી રાતે તું પૂછે, સપનામાં આવી- હું આવું?
હું પછી ઊંઘવામાં કેમ કરી ફાવું?

ઊંઘનો નાજુક કાચ તૂટે તડ્ડાક દઈ,
ઝીણી ઝીણી કરચો પથરાતી…
અડખામાં, પડખામાં, વલખામાં, મનખામાં
ધીમુંધીમું તું ભોંકાતી;
આ બાણશય્યા પર લોહીનીંગળતી પ્રતીક્ષાને ક્યાં લગી તાવું?

મધદરિયે ઊંડાણે હોય નહીં હલચલ કઈં,
વહેણ ન અવાજ ન ઉજાસ પણ;
મધરાતે અહીંયા પણ દુનિયા સ્થિર થઈ ગઈ છે,
ચાલવાનું વિસરી ગ્યા શ્વાસ પણ,
હવે નિશ્ચેતન ઘડિયાળમાં ટકટક ભરે એ વહાણાંનાં વહેણ ક્યાંથી લાવું?

-વિવેક મનહર ટેલર
(૦૧-૧૨-૨૦૨૨)

હરિત પથ…. …પેરિસ, મે-2023

અવઢવ

હરિતપથ…. …પેરિસ, મે-2023

*

બહારે વરસે છે વરસાદ,
ભીતર તરસી દે વર સાદ,
ઉંબરમાં લઈને ઉન્માદ,
જાવું શીદ એ અવઢવમાં ફસાઈ ગઈ છું હું આબાદ.

આભેથી જે વરસે છે, એ છે મારો પહેલો પ્યાર,
ખાસ મારા કિસ્સામાં,
જે આવી એના હિસ્સામાં,
ફોરાંઓના ખિસ્સામાં
સાચવી રાખી છે એણે, મારી કોડીઓ અઢાર;
થાયે કેમ પછી આ છોડી,
પળમાં આવું બંધન તોડી, એના કામણથી આઝાદ?

ભીતર જે તરસે છે, એ છે મારા મનડાનો ભરથાર,
એના પર હું વારી છું,
તન-મન, સૂધ-બૂધ હારી છું,
એનીય પ્રાણપિયારી છું,
ભીંજાવા એની વહાલપમાં મારા રોમ-રોમ તૈયાર;
એના સાદનો ઝાલી હાથ,
કરવો છે એની સંગાથ મારે હોવાનો સંવાદ.

બેઉથી સરખો છે લગાવ, તો બંનેને સાચવવા,
બે છાંટા બહારથી ઝાલી,
ચાલી, હું ઘર ભીતર ચાલી,
થવાને પિયુની વહાલી,
તમે ક્ષિતિજ કહો કે સંધ્યા, ચાહું સંધિકાળ જ મનવા;
સંગતની રંગત ઉજવીશ,
ભીની છું, ભીનો કરીશ, આપીને લઈશ હું સોગાદ.

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૧-૨૦૨૩)

*

ક્રીડા…. Jardin des Tuileries, Paris, May-2023

તું જો આવી હોત તો –

તું જો આવી હોત ને તો- ..સ્વિટ્ઝર્લેન્ડ, મે-2023

તું જો આવી હોત તો આ બાંકડો ખાલી ન હોત,
આજીવન સ્થાયી રે’ એ યાદો શું ત્યાં સ્થાપી ન હોત?

હા, સરાજાહેર તો હૈયે તને ચાંપી ન હોત,
પણ હથેળી બે ઘડી શું સ્નેહથી દાબી ન હોત?

‘સૂર્યોદયમાં રોજ જેવો ઓપ ક્યાં એના વિના?’
– કેડી સાથે બાગે આવી ગોઠડી માંડી ન હોત.

રાતભર સાજે સજી તૈયાર થઈ એ ખુશબૂ પણ,
આપણી સાથે શું મૉર્નિંગ વૉકમાં મહાલી ન હોત?

‘તું નથી‘ની રિક્તતા નક્કી એ સરભર કરતી‘તી,
ફોન-સંગત અન્યથા કઈં આટલી ચાલી ન હોત.

ઢેલ કહી ગઈ કાનમાં કે, ખુશ થા, એ આવી નથી;
એ જો આવી હોત ને, તો આ ગઝલ આવી ન હોત.

-વિવેક મનહર ટેલર
(૨૦/૨૨-૧૧-૨૦૨૨)

waiting for Godot… ….સ્વિટ્ઝર્લેન્ડ, મે- 2023

તમે જ બાવન બા’રા

પારલૌકિક… સ્વિટ્ઝર્લેન્ડ, ૨૦૨૩

તમે જ અમારા બાવન અક્ષર, તમે જ બાવન બા’રા,
તમે અમારી શોધના દરિયા, તમે એકમેવ આરા.

કલમ તમે છો, તમે જ કાગળ, તમે જ ફકત લખાયા,
તમે અમારી કવિતાઓમાં ભાવ થઈ પથરાયા;
‘તમે મળો’ની કુંજગલીમાં અમે પૂરણ ભૂંસાયાં,
તમે અમારી એક જ મંઝિલ, તમે હરએક ઉતારા.

તમે અકળ છો, તમે સકળ છો, તમે છૂપા પરગટમાં,
તમે અમારી એક એક ઘટના, તમે અમારા ઘટમાં
તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..

– વિવેક મનહર ટેલર
(૦૨-૧૨-૨૦૨૨)

મારે પણ એક ઘર હોય…. સ્વિટ્ઝર્લેન્ડ, ૨૦૨૩

‘શબ્દસૃષ્ટિ’ના કવરપેજ પર…

સામયિકમાં છપાવવા માટે કવિતા મોકલી હોય અને એ છપાય એ તો સામાન્ય, પણ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના કવરપેજ પર તંત્રી પોતાની પસંદગીની રચના મૂકે એમાં આપણી રચનાનો સમાવેશ થાય એ તો સ્વપ્ન બરાબર જ. જુન 2023ના શબ્દસૃષ્ટિના કવરપેજ ઉપર મને સાંપડેલ આવું સુખદ આશ્ચર્ય આપ સહુ સાથે વહેંચું છું…

સોનેરી થ્યો ઇંતજાર…

યુરોપનો ગરમાળો….. …પેરિસ, મે 2023

*

ખોટો જ વવાયો છે, ઉખેડી નાંખું, ચલ! પલ-પલ આ આવે વિચાર,
બળબળતી લૂમાં પણ લૂમે ન ફૂલ એવા ગરમાળામાં શું ભલીવાર?

ગત ભવનું લેણું કઈં બાકી હશે તે એના પ્રેમમાં હું આ ભવમાં પડ્યો,
દર વરસે એના પર માંડી રહું મીટ હું કે – હમણાં ફળ્યો, હમણાં ફળ્યો…
પણ ભવભવનો વેરી ના હોય જાણે એમ એને ફર્ક નહીં પડે તલભાર.
ખીલ્યો ના નફ્ફટ લગાર!

ગામ આખામાં જે કોઈ ઉગ્યા છે એ સૌ પર સેરોની સેરો લળુંબે,
ઘરનો આ વધ્યો તો બમણું પણ એના પર લીલી નિષ્ફળતા ઝળુંબે…
ડાળ-ડાળ પાંદ-પાંદ માંડીને બેઠો છે જાણે એ ઠઠ્ઠાબજાર.
વરસો આ ચાલ્યું ધરાર…

કીધું, ના કારવ્યું, બસ, અચિંત્યો ઓણ એણે પહેલો પીળો શ્વાસ લીધો,
વર્ષોની અડિયલ લીલોતરીમાં જાણે ખુદ સૂરજે જ ચાંપ્યો પલીતો.
ખોટો વવાયાનો તાજો વિચાર થયો રાતોરાત વાસી અખબાર,
સોનેરી થ્યો ઇંતજાર…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪~૦૮-૦૫-૨૦૨૨)

*

ગરમાળો….. સ્વિટ્ઝર્લેન્ડ, મે 2023

હળવોહળવો હસ્તદાબ

હસ્તદાબ…. ….રાજા સીટ, કુર્ગ, 2023

શા માટે મધરાતે હૈયા પર વર્તાયો હળવોહળવો હસ્તદાબ?
ઓ સપના! તું દે ને જવાબ…

સદીઓથી ખાલીપો પગમાં પહેરી ચાલ્યે રાખ્યું એકાંત લઈ સાથમાં,
પગલાં કોઈના દે પગલામાં તાલ જાણે, હાથેય વર્તાય આજે હાથમાં;
નજરે ચડે ન એવા દેશમાંથી આવીને ઝાકળ જેમ ભીંજવે ગુલાબ..
હળવોહળવો હસ્તદાબ…

નક્કર આભાસ જાણે અણદીસતો કાચ, કદી નીકળી શકો ન આરપાર,
જીવતરનો બોજ સાવ હળવોફૂલ લાગે એવો છાતી પર વર્તાતો ભાર;
જિંદગી તો આવી છે રૂમઝૂમતી સામે પણ ચહેરા પર રાખી નકાબ…
ઓ સપના! તું દે ને જવાબ…

વણદીઠું, અણજાણ્યું, કોઈ તો છે જેના હોવાનો થ્યો છે વિશ્વાસ,
અડધી રાતેય મારા દીવડાની શગમાં કોઈ પૂરે છે તેલ જેવા શ્વાસ;
પલટાતાં પાસાંમાં નીંદર કચડાય તોય દિવસે તો અકબંધ રૂઆબ…
પણ જે કંઈ છે, છે લાજવાબ…

– વિવેક મનહર ટેલર
(૦૩-૧૧-૨૦૨૨)

વિસરાયેલી ધરોહર…. …હોયસાલેશ્વર (હાલેબીડુ), કર્ણાટક, 2023

બધું તકવાદી છે

જોડી…. …..રાજા’સ સીટ, કુર્ગ, 2023

આપણી સમજણ, સમાધાનો બધું તકવાદી છે,
એટલે સંબંધ વર્ષોનો છતાં તકલાદી છે.

રાત-દહાડો રાત-દહાડાની જ બસ બરબાદી છે,
શબ્દ, ઠાલા શબ્દ કેવળ આપણી આબાદી છે.

બેઉ બોલે: ‘હા, હું સઘળું સાંભળું છું, માનું છું’ –
પણ ખરે તો આપણો આ ‘હું’ જ ખરો વિખવાદી છે.

માર્ગ છે સામે જ પણ સૂઝે નહી લેવો કયો;
આપણી જેમ જ આ સમજણ પણ ખરી જેહાદી છે!

શું બચ્યું છે આપણામાં આપણા જેવું કશું?
આપણામાં શું કશું એવું છે જે સંવાદી છે?

છેલ્લી સહિયારી સિલક પણ પૂરમાં સ્વાહા થશે…..
માત્ર વરસાદી નથી, આ રાત જો! ઉન્માદી છે.

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૧-૨૦૨૦/૧૭-૦૨-૨૦૨૨)

ચીંઘાડ…. ….નાગરહોલે વાઘ અભયારણ્ય, 2023

ગુફા-શિલ્પની ઉક્તિ

પથ્થર બોલે છે… …એકડ્ડલ ગુફાઓ, વાયનાડ, કેરળ, 2023


*

લ્યા! પથ્થરમાં તે કઈં જીવન હોય?
ના હોય?
હોય..
આ જો, અમે શ્વસીએ જ છીએ ને પથ્થરમાં?
તમને નથી પડતી પણ
આઠ-દસ હજાર વરસ પહેલાં પેલા લોકોને આ ખબર હતી.
એ આદિમ લોકો ગુફાના આ પથ્થરોમાં જીવન જોઈ શક્યા હતા.
ધારદાર પથ્થર કે લાકડાં કે પછી ભગવાન જાણે, છીણીહથોડા પણ હોય એમની પાસે..
પાક્કું તો હવે આજે મને પણ યાદ નથી.
જે હોય તે,
પણ ગુફાની દીવાલોને કોતરી-કોતરીને એમણે અમને બોલતા કર્યા હતા.
એમના માટે અમે એમના કોઈક ભગવાનનું પ્રતીક હતા.
કયા તે તો હવે અમેય ભૂલી ગયા છીએ.
તમે લોકો શ્વાસમાં હવા ભરો છો, અમે સમય!
પ્રાણવાયુ અને સમય – આ બે વચ્ચે ફરક એટલો જ છે કે
પ્રાણવાયુના કિસ્સામાં વાયુ રહી જાય છે, પ્રાણ છૂટી જાય છે,
જ્યારે સમય આમ ભલે સતત વહેતો કેમ ન અનુભવાતો હોય,
રહે છે ત્યાંનો ત્યાં જ. સ્થિર. અચળ. અમારી જેમ જ. પથ્થર જ ગણી લ્યો ને.
હજારો વરસોથી અમે સમય શ્વસતા અહીં ઊભા છીએ.
ટાઢ-તાપ અને વાયુ-વરસાદની વચ્ચે.
દિવસભર સૂર્ય અમારી ચામડી બાળે
તે રાત્રે ચાંદો આવીને મલમ લગાવી જાય છે.
વરસાદ ભીંજવી જાય ત્યારે વાયુ શરીર લૂછી આપે.
યુગયુગોથી આમ જ.
તમને લાગશે કે અમે તો પથ્થર. અમને શો ફેર પડે?
પણ જુઓ તો, અમે સુંવાળા થયા છીએ.
થોડા-થોડા નાના-મોટા કણ અમે આ બધાને ખવડાવ્યા પણ છે.
આજકાલ તમે લોકો અમને મળવા આવો છો.
તમને લાગે છે કે તમે અમને જોઈ રહ્યા છો.
કયા ભગવાન ગણીને અમને કંડારાયા હતા
એ તો મેં કહ્યું એમ અમે ભૂલી ગયા છીએ.
એની જો કે જરૂર પણ નથી.
તમે ભગવાનને નહીં, ઇતિહાસ શોધવા આવ્યા છો.
અગત્યની વાત એ છે કે અમે પણ તમને જોઈ રહ્યા છીએ.
અમે તમારા દીકરાઓ અને એના દીકરાઓ અને એના દીકરાઓને પણ જોઈશું
જેમને તમે જોઈ શકવાના નથી.
અને તમે કહો છો કે અમે પથ્થર છીએ. અમારામાં જીવન નથી.
લ્યા! પથ્થરમાં શું જીવન ન હોય?
કહો તો…

– વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૦૩/૨૦૨૩)

*

વારસો… …એકડ્ડલ ગુફાઓ, વાયનાડ, કેરળ, 2023

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

હું ને તું ભેટ્યાં કે શું?

હું ને તું…. …હિમાલયન બુલબુલ, પાલમપુર, 2022

*

હું ને તું ભેટ્યાં કે શું?
ના.. ના.. ના..
આપણ બે જુદાં જ ન હોઈએ તો ભેટ્યાંને ભેટ્યાં જ કહીશું કે કંઈ બીજું?

આંખોમાં તું છે તો લોહીમાં જે વાંભવાંભ હિલ્લોળા લે છે એ કોણ?
બાંહોમાં હોય એ જ તું હો તો હૈયામાં ધકધક જે થાય છે તે કોણ?
કહે, ઓગળશે બંનેની સમજણ સૌ પહેલાં કે ઓગળીશું આપણ બે પહેલું?
નક્કી કર, હું ને તું ભેટ્યાં કે શું?

અળગાં જે હોય એને બાંધીય શકાય કોઈક રીતે ને કંઈકે સમ-બંધમાં,
અલગાવ જ લાગવા ન દે એ લગાવ અહીં વિકસ્યો છે ફૂલ ને સુગંધમાં;
આવા આપણા વળગવાને વળગણ કહીશું કે નામ દઈશું અદ્વૈત સમું ઊંચું?!
બોલ સખી, હું ને તું ભેટ્યાં કે શું?

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૭-૨૦૨૨)

*

હું અને તું… … દીવ, ૨૦૨૨

ફાગણની મોસમનો પહેલો કમાલ

*
ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.

પહેલાં પર અટકી રે’ એ શું કમાલ, ભઈ?
ગુલમોરના નામે જુઓ, કેવી ધમાલ થઈ?
ગરમાળા પીળા થ્યા, કેસૂડા કેસરી,
આંબાને પાન-પાન લૂમઝૂમતી મંજરી,
આભેથી આગગોળા વરસ્યા કે વહાલ, જુઓ!

કોકિલ બદમાશ કેવો! આભમાં કંઈ ચીતરે છે,
તડકાની હારોહાર ટહુકાઓ નીતરે છે,
ખાલીપો ખખડે છે વગડાના કણકણથી,
અભરે ભરાય છે એ સારસના ક્રંદનથી,
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…

સઘળું રંગાયું તો માણસ શેં બાકી રહે?
ક્યાં લગ એ લાલ-પીળા-ભગવાને તાકી રહે?
ફાગણના વાયુ સંગ કેવો આ નાતો છે?
બહારથી વિશેષ તો, ભઈ! ભીતરમાં વાતો એ,
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૬-૨૦૨૨)

*

ખરી ઓળખ

सुहानी शाम ढल चूकी…. …ફોસિલ પાર્ક, ખડિર બેટ, કચ્છ, 2022

*

પછી
એક દિવસ
મેં
સાચવીને કબાટમાં મૂકી રાખેલ મારી ખરી ઓળખ
બહાર કાઢી
અને
પહેરી લીધી.

સવારે
હાથમાં છાપુ આપવા આવેલ મમ્મી,
ચાના ટેબલ પર પત્ની,
આદતવશ મારા બાથરૂમમાંથી શેમ્પૂ લેવા રૂમમાં આવેલ દીકરો,
ક્લબમાં રોજ સવારે અચૂક મળતા લંગોટિયા દોસ્તો
– બધા જ છળી મર્યા.
હુંય ગૂંચવાયો.
આમને આમ
ઓફિસે જવાની તો પછી મારી જ હિંમત ન થઈ,
એટલે નાહી લીધું
અને
કબાટમાં મૂકી દીધેલ
રોજવાળું સ્માઈલ અને રોજવાળો ચહેરો
ફરી પહેરી લેવા માટે કબાટ ખોલવા ગયો
તો અરીસામાં મને જોઈને
હું પોતે પણ…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૩)

*

ગુંબજ…. …તુર્કી સ્થાપત્યની અસર, છત્તેડી, ભુજ, 2022

સૂરજ પડ્યો શું માંદો?

તમારી યાદનો માંડવો…. …છત્તેડી, ભુજ, 2022

*

સૂરજ પડ્યો શું માંદો?
દીસે છે કેવો, ઊગ્યો હો જાણે ધોળે દહાડે ચાંદો.!

રણમધ્યે પૂગવા આવ્યો પણ તીર ન એકે તાતા,
રસ્તાઓના ચહેરા જુઓ, જરા થયા ન રાતા;
ધુમ્મસના ગોટાય હજી પડ્યા છે આળસ ખાતા,
દિ’ તો થ્યો પણ દિ’ જેવા એંધાણ જ ક્યાં દેખાતા?
એય વિમાસે, ઊગીને આણે કાઢ્યો છે શો કાંદો?

નાડ બતાવો, સૂરજ જેવો સૂરજ શીદ અળપાયો?
કુપોષણ છે? થાક ચડ્યો? બોરિંગ લાગ્યો ચકરાવો?
વૈદ મેલે હથિયાર તો જોષી-ભૂવા પણ તેડાવો-
કિયા તે ગ્રહનો ગ્રહસ્વામી પર પડ્યો છે પંછાયો?
ધરતી-અંબર એક કરો, પણ આણો કંઈક ચુકાદો.

એકસરખા તો જાય નહીં ને કોઈના સુખના દા’ડા?
બીજું કશું નહીં, શ્રાવણ-ભાદોના જ છે આ ઉપાડા,
વાદળ-ધુમ્મસ, ભેજ-મેઘ તો હંગામી રજવાડાં,
આજ નહીં તો કાલ ઊતરશે ફરી તેજનાં ધાડાં;
શ્રદ્ધા રાખો, રાહ જુઓ, નબળી ક્ષણ વીતી જવા દો.

– વિવેક મનહર ટેલર
(૦૩/૧૩-૦૯-૨૦૨૨)

*

ધોળાવીરા, 2022

ઇતિહાસમાં જીવીશું!

કતારબંધ રંગો…. સફેદ રણ, ભૂરું તળાવ, હરિત કાંઠો, ગુલાબી સુરખાબ, ધોળાવીરા, 2022

*

અહેસાસમાં મરીશું, અહેસાસમાં જીવીશું,
હર શ્વાસમાં મરીશું, હર શ્વાસમાં જીવીશું.

સંપર્કના અષાઢો છો ને વહી ગયા પણ
આખું વરસ વિરહના મધુમાસમાં જીવીશું.

દુનિયાને કહી દો, વચ્ચે દરિયાઓ પાથરી દે,
આવ્યાં છીએ જે પીતાં, એ પ્યાસમાં જીવીશું.

એક બુંદ પણ બચે નહિ, જો જો, નકર અમે તો
એમાંથી થઈને પાછા સાજાસમા જીવીશું.

ઇતિ સમાપયેત્ – આ કહીને લખી છો વાળો,
રાખો લખીને આ પણ – ઇતિહાસમાં જીવીશું!

વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૨૨)

*

ઇતિહાસમાં જીવીશું….. …ફોસિલપાર્ક, ખડીર બેટ, કચ્છ, 2022

સત્તરમી વર્ષગાંઠ પર….

*

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની આ વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે સત્તર વર્ષ પૂરાં કરી રહી છે…

ગીત, ગઝલ, અછાંદસ, સૉનેટ, મોનોઇમેજ, મુક્તક, હાઈકુ, નઝમ, અંજનીગીત, અનુવાદ, ત્રિપદી, આકારકાવ્ય, ફ્યુઝન કાવ્ય અને બાળકાવ્ય – સાહિત્યના જેટલા પ્રકાર મારા માટે સંભવ બન્યા, એમાં યથાશક્તિ ખેડાણ કરવાની મારી વિનમ્ર કોશિશોને સદૈવ આપ સહુનો બિનશરતી પ્રેમ સાંપડતો રહ્યો છે એ જ મારું સદભાગ્ય…

૧૭ વર્ષ..
૬૫૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

આપ સહુ સ્નેહીજનો અને કવિમિત્રોની એકધારી હૂંફ અને સ્નેહ વિના આ કદી સંભવ બન્યું ન હોત… શરૂઆતથી માંડીને આજ દિન સુધી જે રીતે આપ સહુ મારી સાથે ને સાથે રહ્યાં છો, એ જ રીતે આગળ ઉપર પણ સદૈવ મારી સંગાથે જ રહેશો એ જ અપેક્ષા…

મારી લાગણી વ્યક્ત કરવા માટે આભાર શબ્દ અતિવામણો અનુભવાય છે…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

અસ્તુ!

*

છૂટ છે તને / છૂટ ક્યાં છે, દોસ્ત ?

સાયુજ્ય…..
…ગ્રેટર ફ્લેમિંગો, ધોળાવીરા, 2022

*

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

અડધી રમતથી ઊઠવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
મારી શરતથી જીતવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

ખાલી ન રાખ્યું જિંદગીમાં ખાલીપાએ કંઈ
ખાલી જગાય પૂરવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

મરજીથી જઈ શકાય ને પાછા ફરાય પણ
મરજીના દ્વાર ખોલવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

ઇચ્છા કે એ મળે ને મળે આ જ જન્મમાં
એવું કશુંય ઇચ્છવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

શબ્દોને શ્વાસ માનીને જીવન વીતાવ્યું પણ
લીધા પછી ન છોડવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

છે તારી-મારી વાત, નથી દેહ-પ્રાણની,
રહી-રહીને પાછાં આવવાની છૂટ છે તને.

તારો ને મારો સાથ તો છે દેહ-પ્રાણનો
જાઓ તો પાછા આવવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

– વિવેક મનહર ટેલર
(૦૬-૧૧-૨૦૧૧/૧૮-૧૨-૨૦૧૭)

૦૬-૧૧-૨૦૧૧ના રોજ ‘અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને’ની પ્રતિગઝલ લખવાનું મન થયું… એક-બે શેર લખાયા ન લખાયા ને અડધી રમતથી ઊઠી જવાનું થયું… પછીના છ વરસમાં ક્યારેક ક્યારેક આ પ્રતિગઝલ તરફ ફરવાનું થયું પણ અડધેથી છૂટી ગયેલી રમત પૂરી ન થઈ તે ન જ થઈ… આજે ૧૮-૧૨-૨૦૧૭ના રોજ અચાનક છે…ક છ વર્ષ પછી મળસ્કે પાંચ વાગ્યે આંખ ખુલી ગઈ અને પ્રતિગઝલ મનમાં વમળાવા માંડી. મોબાઇલ હાથમાં લીધો અને મોબાઇલમાં જ સડસડાટ આખી પ્રતિગઝલ લખાઈ ગઈ… જૂની અને આ નવી –બંને ગઝલ એકસાથે રજૂ કરું છું…

બે ગઝલ લખવામાં છ વર્ષ લાગ્યાં… પણ એને પૉસ્ટ કરવામાં બીજા પાંચ વર્ષ લાગ્યાં…
આ લાંબી પ્રતીક્ષા ફળી છે કે નહીં એ જણાવવાનું ભૂલશો નહીં… આપના પ્રતિભાવની હંમેશ મુજબ આકંઠ પ્રતીક્ષા રહેશે…