માસિકદ્વયી : ૦૧ : દીકરાનો માને સવાલ

મા! દીદી કેમ દૂર જઈ બેઠી?
રમવા બોલાવું તો આવતી નથી ને વળી રહે છે એ મારાથી છેટી.

કહે છે મને કે હવે ત્રણ-ચાર દહાડા
મારે એનાથી દૂર રહેવાનું,
દહાડા તો ઠીક, બે ઘડી નહીં ચાલે
એ કેમ કરી મારે કહેવાનું?
ઓચિંતુ ક્યાંથી આ દુઃખ આવી પડ્યું જે
મસ્તીના બદલે સહેવાનું?
ટાઇમ નામની આ કઈ નવી મુસીબત, મા! અમારી દુશ્મન થઈ બેઠી?
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

કાગળમાં બાંધીને ચોરીછૂપીથી એણે
કચરાપેટીમાં કંઈ નાંખ્યું,
હુંય તે કંઈ ઓછો છું! ખાનગીમાં ધાપ મારી
મેં એ પેકેટ ખોલી કાઢ્યું,
હાય હાય મા! દીદીને એવું શું વાગ્યું કે
આટલું લોહી એણે સંતાડ્યું!
દર મહિને આવશે, પેલ્લું કે છેલ્લું નથી- કે’તી’તી તારી એ બેટી.
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૫-૨૦૨૨)

34 thoughts on “માસિકદ્વયી : ૦૧ : દીકરાનો માને સવાલ

  1. સુરતમાં “માસિકા મહોત્સવ”ના કવિ સંમેલન નિમિત્તે લખાયેલી આ સંવેદનશીલ રચનામાં પૂછાયેલા પ્રશ્નો દરેક ઘરમાં દરેક ભાઈના મનમાં ઉઠતા, પૂછાતા અને સ્પષ્ટ રીતે જવાબો નાં મળતા બીજા અનેક પ્રશ્નોની હારમાળા સર્જતી ઘટના છે.
    કવિ કંઈ અલગ રીતે વિચારી રજૂ કરે જે સમાજમાં માસિક જેવી કુદરતી પ્રક્રિયા અંગે સમાજમાં જે કંઈ બદલવા/સુધારવા જેવું છે તે કરવામાં અગત્યનો ફાળો જરૂર આપે.
    એ જ વિચારને આગળ ધપાવવા બીજા સર્વે કવિઓને પણ માસિકના વિષય પર પોતાનો ભાવ કાવ્ય સ્વરૂપે રજૂ કરવા આમંત્રણ છે.

  2. નવા વિષયની કુશળ માવજતથી ગીત આસ્વાધ્ય બન્યું.
    અભિનંદન.. 🌹

  3. આહા વાહ વાહ
    એકદમ ચોટદાર સંવેદનશીલ કાવ્ય

  4. વાહ ખૂબ સંવેદનાથી ભરપૂર આ ગીત વાહ જી વાહ. આવો વિષય ગીતમાં કદાચ પહેલીવાર પ્રયાસ કર્યો.

  5. વાહ.. કુટુંબ અને સમાજના લોકો દ્વારા અલગ રીતે જોવાતી પીડા અને એની સાથે સાથે ભાઈની પીડા પ્રસ્તુત ગીતમાં રજૂ થઈ છે.. અદ્ભુત ગીત

  6. ખૂબ સરસ, ગુજરાતી ભાષામાં કદાચ આ વિષય પર પ્રથમ ગીત હશે. રચના રીતિ આસ્વાધ્ય.

    • @રમેશ પ્રજાપતિ:
      ખૂબ ખૂબ આભાર, પણ આ રચના પહેલી નથી.
      આ વિષય પર સુરતમાં ત્રણેક તો કવિસંમેલન યોજાઈ ચૂક્યાં છે આ વિષય પર.

  7. કહે છે મને કે હવે ત્રણ-ચાર દહાડા
    મારે એનાથી દૂર રહેવાનું,
    દહાડા તો ઠીક, બે ઘડી નહીં ચાલે
    એ કેમ કરી મારે કહેવાનું? Maa 🤗
    – વિવેક મનહર ટેલર – Saral ne Sundar !
    (૧૭-૦૫-૨૦૨૨)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *