જે લખ્યું નથી મેં, તે હું છું

મારાં કાવ્યો તો શબ્દો, બસ શબ્દો છે કેવળ, જે લખ્યું નથી મેં, તે હું છું,
તમને નજરે દેખાય છે એ કાયા છે કેવળ, જે નજરોની પાર છે તે હું છું.

ભીતરને છલકાવા ઇચ્છા થઈ ને
મેં છલકાવા દીધું, એ છલકાયું;
હાથ ઝાલી દુનિયાએ દીધેલી ભાષાનો,
દુનિયા-દીધું જ્ઞાન મલકાયું;
જે દુનિયાએ દીધેલા કાગળ પર અવતર્યો, કોણે કીધું કે તે હું છું ?

ફેંકી દો, પરજીવી અજવાળાં તકલાદી,
મુજને નિરખવા એ નક્કામાં;
અજવાળાં બધ્ધાં જ્યાં પૂરાં થઈ જાય
ત્યાં આવો, ત્યાં મારા છે ધામા,
અથવા તો દાટી દો જે કઈં મે લખ્યું છે, અંધારું ઊગશે તે હું છું.

– વિવેક મનહર ટેલર
(૦૮-૧૨-૨૦૨૩)

નજરોની પાર…. ….જર્મની, મે-2023

22 thoughts on “જે લખ્યું નથી મેં, તે હું છું

  1. ખુબ સુંદર રચના . વચમાં એક વાર શ્રી વિનોદ જોષી સાહેબ ના વક્તવ્ય માં પણ આજ વાત એમણે કીધેલી કે ભાષા તો માણસે શોઘેલી છે એના સીમાડા હોય જે વ્યક્ત કરવાનું છે તે ક્યારે બહાર આવશે તે ખબર નથી તેઓ અમદાવાદ પુસ્તક મેળામાં બોલવા આવ્યા હતા
    ખુબ સુંદર અભિવ્યક્તિ સૌથી ચોટદાર વાત અંધાર ઉગવાની છે
    પ્રણામ ગુરુજી
    જય હો

  2. …. અથવા તો દાટી દો જે કઈં મે લખ્યું છે, અંધારું ઊગશે તે હું છું.
    વાહ… શું સુંદર અભિવ્યક્તિ છે….

  3. અભિવ્યક્તિ થી પર કે પાર અવ્યક્ત વ્યક્તિત્વ કવિ કે સર્જક ની ઓળખાણ હોય એ સુંદર આશ્ચર્ય ઓછું હોય એમ…
    દાટી દીધેલાં સર્જન માંથી ઉગતું, પ્રતિપાદિત વ્યક્તિત્વ ફિનિક્સ નાં નવસર્જન થી પણ વધુ આશાસ્પદ છે!

  4. આવું નાવિન્યસભર અને નિતાંત સત્ય કહેતું હોય એ જ તો એ કાવ્ય જેની રાહ જોવાતી હોય છે!
    સાચે જ આ ભાષા, વિચાર, માહોલ અને કાગળ કે બધાં ડીવાઈસ… એ દુનિયાનાં દિધેલ છે અને જે લખ્યું એ દાટ્યા પછી ઉગવાની વાત એ જ કવિતા! વધાવીએ!

  5. અજવાળાં બધ્ધાં જ્યાં પૂરાં થઈ જાય
    ત્યાં આવો, ત્યાં મારા છે ધામા,
    અથવા તો દાટી દો જે કઈં મે લખ્યું છે, અંધારું ઊગશે તે હું છું.

    શુ કલ્પન છે સર વાહ વાહ વાહ…

    અંધારું અને ઊગવાની વાતનો વિરોધાભાસ રચનાને ન આંબી શકાય એવી ઊંચાઈ આપે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *