જીવનની ગાડી

જાજરમાન…. Bode museum, Berlin May 23

(મુસલસલ ગઝલ)

જીવનની ગાડી તો સીધી જતી‘તી
તમે ખુદ લિફ્ટ સ્વપ્નોને દીધી‘તી

ગલીકૂંચીના ચકરાવે ચડ્યા બાદ,
મજા તમનેય ફરવામાં પડી‘તી.

તમે માની લીધું, બગડી ગઈ છે,
પરંતુ ગાડી તો ઝાંપે પડી‘તી.

ઉતરવાનું હવે નામ જ ક્યાં લે છે?
ભલા થઈ ઇચ્છાની વરધી લીધી‘તી!!

તમારી ગાડી પણ ડ્રાઇવર છે બીજો,
ખરી શેઠાઈની પણ ચળ થઈ’તી.

સફર છોડી તમે પણ રેસમાં છો,
કહી શકશો હવે કંઈ આપવીતી?

સમય પર ગાડીથી ઉતરી જવાનું,
ભલે ખુદની હો ને હો ખૂબ ચહીતી.

-વિવેક મનહર ટેલર
(૨૯-૦૧-૨૦૨૦)

જીવનની ગાડી… બર્લિન, મે ૨૦૨૩

8 thoughts on “જીવનની ગાડી

    • @ બ્રિન્દાઃ
      મુસલસલ ગઝલ એટલે એવી ગઝલ જેમાં એક જ વિચારને કેન્દ્રસ્થાને રખાયો હોય.

      વધુ વિગતે જાણવુઁ હોય તો –

      મુસલસલ ગઝલ – ડૉ. એસ. એસ. રાહી
      (‘રૂપ એક, રંગ અનેક’માંથી. મુસલસલ ગઝલનું ગુજરાતીમાં પ્રથમ સંપાદન)

      મુસલસલ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે લગાતાર, નિરંતર, સતત, વારંવાર, સાંકળમાં બાંધેલું, કેદી, શુંખલિત, ક્રમબદ્ધ. મુસલસલ ગઝલ એટલે ભાવ, વિચાર, ઊર્મિ કે વિષયનું સાતત્ય જાળવતી ગઝલ. તેના દરેક શે’ર એકબીજા સાથે અનુસંધાન ધરાવતા હોવાથી તેને મુસલસલ ગઝલ અથવા સળંગ ગઝલ કહી શકાય. વળી નઝમનુમા ગઝલથી મુસલસલ ગઝલ નોખી અને જુદી પડે છે. એક જ પ્રસંગ, કથા, કિસ્સો કે ઘટનાને વર્ણવતી ગઝલને નઝમનુમા ગઝલ કહે છે. નઝમનુમા ગઝલને વર્ણનાત્મક NARRATIVE ગઝલ જેવી સંજ્ઞા પણ આપી શકાય. આમ મુસલસલ ગઝલને એકરંગી, એકરાગી કે હમવાર ગઝલ જેવી એકથી વધારે સંજ્ઞાઓ પ્રાપ્ત થઈ છે.

      મુસલસલ ગઝલમાં શે’રે શે’રે વિષય, વિચાર, ભાવ બદલાતા નથી. મુસલસલ ગઝલમાં ભાવસાતત્ય તત્ત્વ છે અને તેનું તંત્ર પણ છે. ગઝલના પ્રત્યેક શે’રમાં સળંગ એક જ ભાવ, વિચાર, ઊર્મિનું દર્શન કરાવે તે મુસલસલ ગઝલ. મુસલસલ ગઝલમાં આલેખિત ભાવમાં ઊંડાણ અને વ્યાપ જરૂરી છે. તેમાં ભાવોત્પાદન માત્ર નહીં પણ ભાવવિસ્તરણ, ભાવવિકાસ કળાત્મકતા સાથે વ્યક્ત થવો જરૂરી બની રહે છે. મુસલસલ ગઝલમાં એક જ ભાવસ્થિતિ ઋજુતા અને નજાકત સાથે આલેખાય છે. વળી તેમાં એક જ ભાવ સર્જનાત્મક ઉન્મેષ સાથે પ્રગટ થવો જરૂરી છે. તેમાં એક જ ભાવનું સાતત્ય ગઝલના આંતરિક અને બાહ્ય દેહને ઘડી આપે છે. મુસલસલ ગઝલમાં શાયર ભાવમય થતો હોય છે, ભાવવશ નહીં. મુસલસલ ગઝલમાં સ્વાભાવિક અને માર્મિક ભાવ સળંગસૂત્રના અપનાવે ત્યારે સુખદ પરિણામ મળે છે. ભાવને પોષક વણાટ કરવાનું કામ ગઝલકારે કરવાનું હોય છે.

      – ડૉ. એસ. એસ. રાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *