હોઠેથી ‘તરસું છું’ ડોકાયું….

તેરા સાથ હૈ તો…. …Jungfraujoch, Switzerland 2023

*

ઉમળકો ભીતરનો એવો તો છલકાયો, હૈયું આ રોક્યું ન રોકાયું,
‘કહેવું જ નથી કંઈ’ના દરવાજા તોડીને હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

નક્કી જ રાખ્યું’તું કે કાઢીશ આ વેળા હું
જન્મોજન્માંતરની ખીજ,
ઘનઘોર ગંભીર કાળા મેઘાની ઓથમાં મેં
ગોપવીને રાખી’તી વીજ,
કાળવી અમાસ બારમાસી મેં ધારી’તી
ઓચિંતી થઈ ગઈ કેમ બીજ?
આપમેળે હોઠ એમ વંકાયા જાણે તારા આવવાનું વેણ ન હો ભોંકાયું!
હૈયું આ રોક્યું ન રોકાયું.

નામ તારું આંજીને રાખ્યું એ આંખ્યુંને
કાજળ-બાજળ તો શી ચીજ?
લાલી શા ખપની એ ચહેરાને
જેને તારા આવવાની પૂરણ પતીજ?
સાજણ જ સાચો શણગાર છે બસ, મારે તો,
બાકી જે છે સૌ ખારીજ.
અભરે ભરાઈ ડાળો ખાલીખમ જીવતરની, નામ જરા તારું જ્યાં ટૌકાયું.
હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૨૦૨૩)

*

નામ જરા તારું જ્યાં ટૌકાયું… …Jungfraujoch, Switzerland 2023

10 thoughts on “હોઠેથી ‘તરસું છું’ ડોકાયું….

  1. વાહ કવિ…. અભિનંદન… એક સરસ કવિતાનું અવતરણ પણ આનન્દદાયી હોય છે.

  2. લાલી શા ખપની એ ચહેરાને
    જેને તારા આવવાની પૂરણ પતીજ?
    સાજણ જ સાચો શણગાર છે બસ, મારે તો,
    બાકી જે છે સૌ ખારીજ. Mastaan !
    – વિવેક મનહર ટેલર- (૨૫-૦૩-૨૦૨૩)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *