તું જો આવી હોત તો –

તું જો આવી હોત ને તો- ..સ્વિટ્ઝર્લેન્ડ, મે-2023

તું જો આવી હોત તો આ બાંકડો ખાલી ન હોત,
આજીવન સ્થાયી રે’ એ યાદો શું ત્યાં સ્થાપી ન હોત?

હા, સરાજાહેર તો હૈયે તને ચાંપી ન હોત,
પણ હથેળી બે ઘડી શું સ્નેહથી દાબી ન હોત?

‘સૂર્યોદયમાં રોજ જેવો ઓપ ક્યાં એના વિના?’
– કેડી સાથે બાગે આવી ગોઠડી માંડી ન હોત.

રાતભર સાજે સજી તૈયાર થઈ એ ખુશબૂ પણ,
આપણી સાથે શું મૉર્નિંગ વૉકમાં મહાલી ન હોત?

‘તું નથી‘ની રિક્તતા નક્કી એ સરભર કરતી‘તી,
ફોન-સંગત અન્યથા કઈં આટલી ચાલી ન હોત.

ઢેલ કહી ગઈ કાનમાં કે, ખુશ થા, એ આવી નથી;
એ જો આવી હોત ને, તો આ ગઝલ આવી ન હોત.

-વિવેક મનહર ટેલર
(૨૦/૨૨-૧૧-૨૦૨૨)

waiting for Godot… ….સ્વિટ્ઝર્લેન્ડ, મે- 2023

13 thoughts on “તું જો આવી હોત તો –

  1. વાહ એક એક શેર માં રિક્તતા વ્યાપ્ત સુંદર ગઝલ

  2. ઢેલ કહી ગઈ કાનમાં કે, ખુશ થા, એ આવી નથી;
    એ જો આવી હોત ને, તો આ ગઝલ આવી ન હોત. 😊

  3. એક બાંકડો
    જીવનભર અનેક યુગલ ની
    મીઠી વાતચીતો નો સાક્ષી હોય છે
    કોઈને એકબીજાની વાત કહેતો નથી..
    પણ કોઈ એકલવાયું બેસી ને એકલું એકલું ઉભુ થઈ ને ચાલ્યું જાય
    ત્યારે બંકડાને પણ સાવ સુંનું સુનું નહિ લાગતું હોય?
    અહી પણ પ્રતીક્ષા રત એકલવાયા માણસની ગઝલ વાંચી
    ખૂબ ભાવ વિભોર થયો છું.
    નલિન સૂચક.

  4. એક એક શેર લાજવાબ થયો છે. .. પ્રકૃતિ દર્શન સાથે સંઘેડા ઉતાર ગઝલ…

  5. વાહ!
    ડૉ.કવિ આપે આ ગઝલમાં અંતરની આરત અને પ્રિયપાત્ર નું સતત થતું સ્મરણ ભાવને ખુબ અદ્ભૂત રીતે વ્યક્ત કર્યા છે.
    આપની કલમને સલામ.🙏🙏🙏🌹🙏👌🏻👌🏻👌🏻👌🏻

  6. એ જો આવી હોત ને, તો આ ગઝલ આવી ન હોત… ( Jaat Bhat ni Poot…) Sundar sir ji 😊
    -વિવેક મનહર ટેલર-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *