પછી જ્યારે
ડાંગે માર્યાં પાણી જેવો શાશ્વત લાગતો સંબંધ
સંજોગોનો માર્યો
પ્લાસ્ટિકના ટુકડાની જેમ અચાનક બટકી ગયો
ત્યારે
દિલની દુકાનમાં
ફેવિકવિકનો સ્ટોક પણ બચ્યો નહોતો.
ને હોત તોય શું થાત?
તડજોડ જ ને?
પ્લાસ્ટિક કઈં ઓછું પાણીના બે અણુની જેમ ન સાંધો ન રેણ જેવું જોડાઈ શકે?
હજારો વરસોનો સમય કે ઋતુઓનો માર પણ
જેને ન મિટાવી શકે, ન ઝાંખા કરી શકે
એવાં ભીમબેટકાનાં ભિત્તિચિત્રો જેવો મૂંઝારો
છાતીના ખાલી થયેલા પિંજરામાં ઘર કરી ગયો.
આંખોનું ખાલીખમ આકાશ
એના સ્મરણોના લાખલાખ સૂર્યોથી
એવું તો ફાટી પડ્યું, એવું તો ફાટી પડ્યું
કે
એમાં કોઈ કરતાં કોઈ દૃશ્યોને અવકાશ જ ન બચ્યો.
બારમાસી ભરબપોરે
ધોળા દહાડે ભરબજારે ખોવાઈ ગયેલા
ચાંદ કે ચાંદનીનું તો કઈ રીતે વિચારાય?
આખરે
બચ્યાકુચ્યા શ્વાસોને કાંડી ચાંપી દઈ
હું
નિર્હેતુકતાની ખીણમાં
કૂદી પડ્યો.
તળિયે લાશોનું ગામ વસતુ હતું.
એમાં મને સરપંચ બનાવી દેવાયો.
– વિવેક મનહર ટેલર
(૦૮-૦૫-૨૦૨૪)
OMG અછાંદસ છોલાતી પેન્સિલની જેમ અણીદાર થતી ગઈ અને છેલ્લી પંક્તિ ત્વચામાં જાણે ખૂંપી ગઈ.
@માના વ્યાસ:
કેવો સરસ પ્રતિભાવ!
ખૂબ ખૂબ આભાર
વાહ, ત્રણ બંધમાં રચાયેલી આ રચના તૂટેલા હૃદયની વેદનાને વિવિઘ આયામો દ્વારા સાર્થક કરે છે.
પહેલાં જ બંધમાં કવિની પીડાનો ઉઘાડ આહ્ નો અનુભવ કરાવે છે. ડાંગે માર્યા પાણી જુદા ન પડયા જેવા અતૂટ સંબંધ પણ સંજોગવસ જ્યારે બટકણાં પ્લાસ્ટીકની જેમ બટકી જાય સાથે દિલની દુકાનમાં ફેવિક્વિકનો સ્ટોક પણ નથી, મતલબ દિલની કોઈ રહીસહી ઈચ્છા પણ રેણ કે સાંધો કરવાની નથી. કારણ કે થાય તો તડજોડ. એવા બટકણાં પ્લાસ્ટીકિયા સંબંધની વેદનાને લઈને પણ શું કરવું? ના, હવે જે કંઈ છે તે જ રહેવા દો. પાણી અને પ્લાસ્ટિકનાં વિરોધાભાસી પ્રતિકોથી અહીં કાવ્યત્વ ધારદાર રીતે સિદ્ધ થાય છે.
બીજા બંધમાં તો કવિપીડાને વધુ સઘન રીતે ઘેરી થઈ ઉભરી આવી છે. જેણે ભીમબેટકાના ભીંતચિત્રો જોયા હોય, તેને કવિનાં હ્રદય મૂંઝારાની શાશ્વતતાની અનુભૂતિનો ખ્યાલ આવે. જાણે ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ છાતીનાં પીંજરામાં કેદ હતું તે પંખી તો હવે પાંખો ફેલાવી મુક્ત થઈ ગયું પણ સ્મરણોનું જાણે આભ ફાટયું. પણ હવે તો એને પણ કાંડી ચાંપી, સળગાવી દીધા
અંતિમ બંધમાં કવિ બળપૂર્વક બધું જ ભૂલી જવા મથે પણ ભીતરની નિર્હેતુક યાત્રામાં, પોતાના એકાંત અગોચર વિશ્વમાં કવિ ભજ્ઞ થયેલાં સ્વપ્નનગરમાં સ્મરણોની લાશોનાં સરપંચ બની જાય છે. સરપંચ એ અધિકારિક હોદ્દો છે, જેના ઈશારે જ ગામના જવાબદાર કાર્યો થતાં રહે છે. સરપંચ જ ગામનો મુખી કે મોવડી હોય છે. કર્તાહર્તા, સમાહર્તા કે નૂકશાનકર્તા કહેવાય છે. અહી પૂર્ણતઃ કાવ્યત્વ મર્મભેદી રીતે વ્યક્ત થાય છે. અને ભાવક હૃદય વીંધી વાહ કહેવા મજબૂર કરે છે.
લાઘવથી સંગોપતું આ અછાંદસ કાવ્ય
@પીયૂષ ભટ્ટ:
ભઈ વાહ વાહ અને બસ, વાહ જ…
કહેવું પડે! આપની ભાવયત્રી પ્રતિભાને સો સો સલામ
ખૂબ ખૂબ આભાર
Best..
Superb…
ખૂબ જ માર્મિક…
Dr Sab….
I m speech less…
Atyant अर्थ સભર …
@દમયંતી બારોટ:
વાહ… કેવો સ-રસ પ્રતિભાવ…
ખૂબ ખૂબ આભાર
ખુબ સુદર.
આભાર તમારો ડો. શાહેબ્
@પુષ્કર રાઠોડ:
ખૂબ ખૂબ આભાર
એક પછી એક ઊંચા આયામોને સર કરતું જતું કાવ્ય, સવેદનાઓની પરાકાષ્ઠાને લાંઘી જઈ જબરદસ્ત ચોટ આપીને જાય છે.
બીજા કાવ્યની રાહમાં…
@મીતા મેવાડા
મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
વાહ.. ખૂબ સરસ
@વારિજ લુહાર:
ખૂબ ખૂબ આભાર…
…હું
નિર્હેતુકતાની ખીણમાં
કૂદી પડ્યો.
તળિયે લાશોનું ગામ વસતુ હતું.
એમાં મને સરપંચ બનાવી દેવાયો…. Uff ! Safar Nama…
– વિવેક મનહર ટેલર –
@પૂનમ:
ખૂબ ખૂબ આભાર…
Pingback: અછાંદસત્રયી : ૦૨. ત્રિશંકુ | શબ્દો છે શ્વાસ મારા
Pingback: અછાંદસત્રયી : ૦૩. ત્વચા | શબ્દો છે શ્વાસ મારા