ખાલી છે બાંકડો

ખાલી છે બાંકડો…. …બર્લિન, મે-૨૦૨૪

ક્યારેક જે સભર હતો, આજે છે રાંકડો,
તારો જ ઇંતજાર છે, ખાલી છે બાંકડો.

તારી સ્પૃહાના સાગરો માઝા મૂકે છે ને
સંભવનદીનો પટ તો થતો જાય સાંકડો.

ગરકાવ છે વિચારમાં ગઈકાલ ક્યારની
કે આજ સાથે કઈ રીતે એ ભીડે આંકડો?

ઊતરી પડ્યો પવન બગીમાંથી બપોરે ને
ફૂલો નિમાણાં, ક્યાં ગયો ઝાકળનો વાંકડો?

છાપામાં છાતીબાઈએ આપી છે જા.ખ. કે-
ગાયબ થયો છે કાલથી ઉન્માદ ફાંકડો.

સામાને ભૂંસવામાં ભૂલાઈ ગયું છે એ જ
કે આપણે તો માંડવો’તો ભેગો આંકડો.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૨/૦૧-૦૬-૨૦૨૪)

બર્ન, સ્વિટ્ઝર્લેન્ડ, મે-2024

28 thoughts on “ખાલી છે બાંકડો

  1. વાહ, સરસ ગઝલ.
    સહવાસ જ તો જીવનને રોચક અને અર્થ સભર બનાવે છે. પાર્વતી કે રાધા વિનાના શિવ કે કૃષ્ણ એકલા ! કવિ જે બગીચાનું વર્ણન કરે છે અને સચિત્ર ચિન્હિત પણ કરે છે, તેથી આગળ વધીને દરેકના મનમાં આવો એક બાંકડો હોય છે, જેના પર કોઈકના આવવાની રાહ જોવાતી હોય છે. એ બાંકડે જયારે કોઈ ઈચ્છિત હોય ત્યારે જીવન ભર્યુંભર્યું લાગે છે, નહીંતર એકલું..

  2. 💐💐પ્રભુ, સુપર્બ, પ્રભુ, મોટા ભાગની ગઝલો માં પહેલી કડી થી માંડી અંતિમ કડી ની વચ્ચે જેટલાં પણ શેર આવે તે બધા ને લગભગ જોડાણ ન હોય જે ગઝલમાં સ્વાભાવિક હોયછે તેવો મને ખ્યાલ છે પણ આપનાં ઉપરોક્ત પ્રસાદમાં મને જોડાણ લાગ્યું, તે બહુ ગમ્યું, ખૂબ ખૂબ આભાર, પ્રણામ, ધન્યવાદ, આભાર, પ્રણામ..💐💐

    • @દેવેન્દ્ર શાહ:

      આપનું અવલોકન એકદમ સાચું છે… સામાન્યતઃ ગઝલના શેર વિક્ષિપ્ત હોય, પણ અહીં સળંગસૂત્રિતા ધરાવે છે.. ખૂબ ખૂબ આભાર

  3. બાંકડો મોટે ભાગે મિત્રોનું મિલન સ્થળ. ભૂતકાળમાં જે સભર સભર હતો, હવે તે ખાલી બાંકડે રાહ જોયા કરવામાં જ જીવન પણ રાંકડું થઈ જાય એ મૈત્રી ની વિષમતા અહીં સુપેરે વ્યક્ત થઈ છે.. ગઝલ આગળ વધી બીજા શેરમાં સ્પૃહા અને સંભાવના નાં વિરોધાભાષી વલણ ચકાશે છે. તો ત્રીજા શેરમાં વીતેલી ક્ષણોને આજ સાથે સાંકળવાની મથામણ છે. ચોથો શેર કવિનાં ચશ્મામાંથી પ્રકૃતિ દ્રશ્ય નિરખે છે. તો પંચમ શેર તો વળી હ્રદયના ઉન્માદ ના ગાયબ થવાનાં ગંભીર સમાચાર હળવાશથી વર્ણાનુપ્રાસ માં વ્યક્ત કરે છે..અને છેલ્લાં શેરમાં સખત વિડંમ્બણા વ્યક્ત થાય છે કે અહંમ ને કારણે ઉભય પક્ષની વૈયકતિક્તા ભુસંવાની જીદમાં મૂળ અઢી અક્ષર નો આંકડો જે મેળવવાનો હતો તે મૂળ બાબત તો હાંસિયામાં જ ધકેલાઈ ગઈ.
    એકલતાના એક જ ભાવને ઘૂંટતી આ ગઝલનાં પ્રત્યેક શેર ચોટદાર છે જે એકસુત્રતામાં ગૂંથાઈ મનોવિશ્વને વિચારવા મજબૂર કરે છે. મૈત્રી દિને કવિશ્રીને અભિનંદન.

    • @પીયૂષ ભટ્ટ:

      કેવું સ-રસ પૃથક્કરણ! ગઝલના હાર્દને આપે તંતોતંત પકડ્યું છે… આજકાલ આટલી ચીવટાઈથી કાવ્ય કોણ વાંચે છે અને કોણ આટલું વિચારે જ છે?

      ખૂબ ખૂબ અભિનંદન સહ હૃદયપૂર્વક આભાર

  4. ગઝલના બધા શેર એક માળાના મણકાની જેમ એકબીજા સાથે સંકળાયેલા છે જે સમગ્ર ગઝલના ભાવને સજીવ રાખે છે !સુંદર ગઝલ !

  5. ખુબ સુન્દર…… તારો જ ઇંતજાર છે, ખાલી છે બાંકડો. હુ પન અત્યારે આવા બાકડા પેર એક્લો બેઠો છુ અને એનિ રાહ જોઇ રહ્યો છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *