તને ગરમાળો જોઈને શું થાય?

(ઊગ્યા સૂરજ ડાળે ડાળે….. . …ગરમાળો, મે-૨૦૨૪)

તને ગરમાળો જોઈને શું થાય?
કોઈ પૂછે આમ ત્યારે મનડું મૂંઝાય કે ઉત્તર શું એને દેવાય,
કે મને ગરમાળો જોઈને શું થાય?

પીળે તે પાંદ લીલા ઘોડા ડૂબાડી*ને
કવિઓએ બેસાડ્યો ધારો,
લીલું તે તાજપ ને જીવન-વિકાસ,
પીળું જરા-મરા-મરકીનો ભારો;
ગરમાળો જોઉં ત્યારે જગના જડ નિયમોના લીરાઓ ઊડતા દેખાય,
મને મારા જેવું કો’ ભળાય,

તાપ જેમ જેમ વધે એમ ખીલી ખીલી
એ સૂરજની સામે કાઢે કાઠું,
એક પગે ઊભેલા તાપસ સમો એ
મને આપે છે જીવતરનું ભાથું,
ઊંચી હલકથી વળી ‘પહેલે કા નાતા’વાળું ગીત એ તો મસ્તીમાં ગાય,
એને ઋણાનુબંધ ન કહેવાય?

હજીયે ના સમજાણું? તો લો, એક વાત કહી
મૂકું હથિયાર મારાં હેઠાં;
દુનિયાથી ઊલટું હું ગરમીની ઝંખનામાં
નજરોનાં બોર કરું એંઠાં,
પીળાં-પીળાં તારવીને છાબડી ભરી મેં, એને ફૂલોનું નામ ન દેવાય,
એ તો રામજીના પગલાં છે, ભાઈ!

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૫-૨૦૨૪)

(* = પુણ્યસ્મરણ: રાવજી પટેલ)

(પીળે તે પાંદ લીલા ઘોડા ડૂબ્યા….. . …ગરમાળો, મે-૨૦૨૪)

24 thoughts on “તને ગરમાળો જોઈને શું થાય?

  1. સુંદર ગીત,
    ભરઉનાળે ફૂલ-પાનથી લચી પડતો ગરમાળો,
    નજરોને ઠંડક એ આપતો, આહ્લાદક એ તો દેખાય.
    શું કહું, એને જોઈને શું થાય?
    વાહ, આપનો ગરમાળો…💐

  2. સુંદર રચના

    પીળું જરા-મરા-મરકીનો ભારો;
    આપનું કંઈક લોજીક હશે પરંતુ આ વાત જરા ગળે ન ઉતરી. પીળો રંગ તો કૃષ્ણ અને વિષ્ણુનો પ્રિય રંગ છે. એટલે તો એને પીતાંબર ધારી તરીકે આપણે પૂજીએ છીએ.

    • @ દીપકકુમાર વડગામાઃ

      પીળો રંગ આશાનો પણ રંગ છે અને નિરાશાનો… પાંદડું લીલું હોય એ જીવનનું પ્રતીક ગણાય અને પીળું એટલે જીવન પૂરું થયાનો સંકેત. પીળો રંગ સૂર્ય સાથે પણ સંકળાયેલ છે અને સાથોસાથ બિમારી, ઉદાસી અને મૃત્યુ સાથે પણ એના અંકોડા ભીડાયેલા છે. પણ ગરમાળા માટે લીલા કરતાં પીળો રંગ વધુ અગત્યનો છે… એ સંદર્ભ અહીં લીધો છે…

  3. ‘એ તો રામજીના પગલા છે ભાઈ’ !

    વાહ, સુંદર કલ્પના કે જેથી મનડું ના મૂંઝાય !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *