એક એક કરતાં ઓગણીસ ગયાં…

હાથમાં કલમ લઈને કાગળ પર છેલ્લી કવિતા ક્યારે લખી હશે એ યાદ નથી… ટેકનોલોજી એ હદે સદી ગઈ છે કે કવિતા હવે સીધેસીધી મોબાઇલમાં કે કમ્પ્યુટરના કી-બૉર્ડ પર જ લખાય છે. વરસે-બે વરસે એકાદવાર કવિતા છપાવવા માટે સામયિકોને મોકલતો હોઈશ… સામયિકોના રસ્તે થઈ આપ સહુ સુધી પહોંચવાના બદલે જે ટેકનોલોજી કાવ્યસર્જનનું ઉપાદાન બની છે, એનો જ હાથ ઝાલીને આપના સુધી પહોંચવું મને વધારે પસંદ પડે છે… અને આ પસંદગીને આજે એક એક કરતાં ઓગણીસ વરસ પૂરાં થયાં… જાણું છું કે આમાંનું કશું જ આપ સહુના એકધારા સ્નેહ અને સંગાથ વિના શક્ય જ નહોતું…

આપનો આ સ્નેહ અને સંગાથ કદમ કદમ પર બનાવી રાખજો…

૧૯ વર્ષ…
૭૦૦થી વધુ રચનાઓ..
૧૬૦૦૦ થી વધુ પ્રતિભાવો…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…
વેબસાઇટની લિન્ક આપના મિત્રમંડળોમાં પણ મોકલજો. આભાર…

અસ્તુ!

અઢારમી વર્ષગાંઠ નિમિત્તે થોડી ગુફ્તેગૂ…

ભાંખોડિયાભેર ચાલતું બાળક બે પગે ઊભું થાય, ચાલતું થાય, ટીન-એજમાં હૉર્મોન્સના ઘોડે સવારી કરતું થાય અને અંતે અઢાર પૂરાં કરી પાકટ વયનું થાય એ આખોય ઘટનાક્રમ એના જન્મદાતા માટે આનંદ અને ગર્વની યાત્રા સમો હોય છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની મારી વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે અઢાર વર્ષ પૂરાં કરી વયસ્ક બની છે…

વીતેલા અઢાર વર્ષમાં મેં એનું કર્યું એનાથી વિશેષ આ વેબસાઇટે મારું ઘડતર કર્યું છે એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી. નિયમિતતાની સાથોસાથ એણે મને કટિબદ્ધતાના પાઠ પણ શીખવાડ્યા. એક-એકથી ચડિયાતા મિત્રો અપાવ્યા અને પુષ્પગુચ્છ અને કંટક –ઉભયને સમાનભાવે સ્વીકારતાં પણ શીખવ્યું.

૧૮ વર્ષ..
૭૦૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

મારી આ સાહિત્યસફર પણ એટલે જ સંભવ બની છે કે મિત્રોએ મને ક્યાંય એકલો પડવા નથી દીધો… વાચકમિત્રોના એકધારા સ્નેહનો હું સદૈવ ઓશિંગણ રહીશ.

…શક્ય હશે ત્યાં સુધી આ સફર જારી જ રહેશે… હા, આપના અનવરત સાથની અપેક્ષા રહેશે… જોડે રહેજો રાજ…

આભાર.
વિવેક

સત્તરમી વર્ષગાંઠ પર….

*

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની આ વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે સત્તર વર્ષ પૂરાં કરી રહી છે…

ગીત, ગઝલ, અછાંદસ, સૉનેટ, મોનોઇમેજ, મુક્તક, હાઈકુ, નઝમ, અંજનીગીત, અનુવાદ, ત્રિપદી, આકારકાવ્ય, ફ્યુઝન કાવ્ય અને બાળકાવ્ય – સાહિત્યના જેટલા પ્રકાર મારા માટે સંભવ બન્યા, એમાં યથાશક્તિ ખેડાણ કરવાની મારી વિનમ્ર કોશિશોને સદૈવ આપ સહુનો બિનશરતી પ્રેમ સાંપડતો રહ્યો છે એ જ મારું સદભાગ્ય…

૧૭ વર્ષ..
૬૫૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

આપ સહુ સ્નેહીજનો અને કવિમિત્રોની એકધારી હૂંફ અને સ્નેહ વિના આ કદી સંભવ બન્યું ન હોત… શરૂઆતથી માંડીને આજ દિન સુધી જે રીતે આપ સહુ મારી સાથે ને સાથે રહ્યાં છો, એ જ રીતે આગળ ઉપર પણ સદૈવ મારી સંગાથે જ રહેશો એ જ અપેક્ષા…

મારી લાગણી વ્યક્ત કરવા માટે આભાર શબ્દ અતિવામણો અનુભવાય છે…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

અસ્તુ!

*

सोलह बरस की बाली उमर को सलाम…

*

… કારણ કે આમાંનું કશું જ આપ સહુના એકધારા સ્નેહ અને સંગાથ વિના શક્ય જ નહોતું…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની આ વેબસાઈટ આજે સોળ વર્ષ પૂરાં કરી ષોડશી બની રહી છે ત્યારે મારી લાગણી વ્યક્ત કરવા માટે આભાર શબ્દ અતિવામણો અનુભવાય છે…

ગીત, ગઝલ, અછાંદસ, સોનેટ, મોનોઇમેજ, મુક્તક, હાઈકુ, નઝમ, અંજનીગીત, અનુવાદ, ત્રિપદી અને બાળકાવ્ય – આમાંથી કશું આપ સહુની અનવરત ઉષ્મા પામ્યા વિના સંભવ બન્યું ન હોત… પ્રારંભથી આજ દિન સુધી જે રીતે આપ સહુ મારી અડખે પડખે રહ્યાં છો, આગળ પણ એ જ રીતે મારી સાથે ને સાથે જ રહેશો એ જ અપેક્ષા…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

અસ્તુ!

*

પંદરમી વર્ષગાંઠ પર…

પંદર વર્ષ… દોઢ દાયકો… શબ્દને શ્વાસમાં પરોવીને શરૂ કરેલી આ મજલ આટલો લાંબો સમય ચાલશે એ તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. દોઢ દાયકાની શીતનિદ્રા બાદ કલમ ફરી હાથ ઝાલી અને આ બ્લૉગ શરૂ કર્યો એ વાતને પણ આજે દોઢ દાયકો થઈ ગયો… શબ્દો સાચે જ શ્વાસ સાથે એકરસ થઈ ગયા હોવાનું અનુભવાય છે. કવિતાના મોટાભાગના પ્રચલિત પ્રકારો ઉપરાંત દેશી-વિદેશી કાવ્યોના અનુવાદ અને આસ્વાદને પણ સંગાથી કવિમિત્રો અને ભાવકોએ દિલથી વધાવી લીધા એનો પણ આનંદ છે…

આપ સહુ મિત્રોના નિરંતર સ્નેહ વિના આમાનું કશું જ શક્ય નહોતું. આપના સ્નેહ અને આશીર્વાદની આ વર્ષા બારમાસી રહે એ અભ્યર્થના સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે થોડો સમય કાઢીને અહીં આવતા રહેજો..
મળતા રહીશું, શબ્દોના રસ્તે…

અંતઃકરણપૂર્વક આભાર, મિત્રો…

ચૌદમી વર્ષગાંઠ પર…

આખરે એક-એક કરતાં ચૌદ વર્ષ પૂરાં થઈ ગયાં… શ્રી રામે જેટલો સમય વનવાસમાં કાઢ્યો એટલો સમય મેં આપના સહવાસમાં વીતાવ્યો… ચૌદ વર્ષમાં છસોથી વધુ પૉસ્ટ્સ થઈ… ૧૪૦૦૦ જેટ્લા પ્રતિભાવો મળ્યા; અને મળ્યો આપ સહુનો અનવરત સ્નેહ…. જેણે મારી કવિતાને ઘડવામાં અનૂઠો ભાગ ભજવ્યો છે.

સોશ્યલ મીડિયાઝના આક્રમણ સામે વેબસાઇટ્સ અને બ્લૉગ્સ ક્યાં સુધી ટકી શકશે એ તો ખબર નથી પણ જ્યાં સુધી આપ સહુનો સ્નેહ સાંપડતો રહેશે, ત્યાં સુધી શબ્દોમાં પરોવીને મારા શ્વાસ લ્ઈને આપને મળવા આવતો રહીશ…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે થોડો સમય મારા માટે ફાળવીને અહીં હાજરી પૂરાવવાનું ચૂકશો નહીં…

સહુનો અંતઃકરણપૂર્વક આભાર…

તેરમી વર્ષગાંઠ પર બે વાત…

૧૩ વર્ષ…
૬૦૦ પૉસ્ટ્સ…
૧૩૫૦૦થી વધુ પ્રતિભાવ…

૨૯-૧૨-૨૦૦૫થી ૨૯-૧૨-૨૦૧૮. એક-એક કરતાં તેર વર્ષ આપ સહુના સ્નેહ અને સાથના પ્રતાપે વીતી ગયાં. સોશ્યલ મિડીયાની આંધી વેબસાઇટ્સના સૂર્યને કદી ઓલવી નહીં શકે એવી શ્રદ્ધા દિલમાં લઈને આ યાત્રા આજ સુધી ચાલુ રાખી છે અને શક્ય બનશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું નિર્ધાર્યું છે.

સમય ફાળવીને આપ સહુ રચનાઓ વાંચવા જે રીતે અહીં પધારો છો એ જ રીતે થોડી પળ વધુ કાઢીને આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…

આપનો સ્નેહ સાંપડતો રહેશે ત્યાં સુધી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં અચૂક મળીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

આભાર… 

૧૨ – ૧૨ દિન યે આયે…

૧૨ – ૧૨ દિન યે આયે… બાર-બાર દિલ યે ગાયે…

૨૫૦૦-૨૬૦૦ વર્ષ પહેલાં લાઓ ત્ઝુએ સાચું જ કહ્યું હતું, ‘a journey of a thousand miles begins with a single step’ (હજાર માઇલોની મુસાફરી એક પગલાંથી શરૂ થાય છે.) બાર વર્ષ પહેલાં ધવલ શાહની મદદથી ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ શરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… એક-એક પગલાં ભરતાં ભરતાં આજે વિશ્વાસ નથી બેસાતો કે બા-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં… બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી અન્ય સેંકડો વેબસાઇટ્સની જેમ મારી સાઇટ પણ નિષ્ક્રિય કે મૃત ન થઈ જાય એની તકેદારી રાખવામાં મારી અંદરના કવિનું સતત સંમાર્જન થતું રહ્યું… વેબસાઇટની એક-એક પોસ્ટની સાથોસાથ મેં સતત મારો વિકાસ થતો અનુભવ્યો છે… અને આ વિકાસ શક્ય જ નહોતો, જો મિત્રો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને વેબસાઇટની મુલાકાત ન લેતા હોત…

દિવસે દિવસે દેડકાના પેટની જેમ ફૂલી રહેલ સોશ્યલ મિડિયાઝની સામે વેબસાઇટ્સ કેટલો સમય ટકશે એ તો ખબર નથી પણ હા, એક વાત નિશ્ચિત છે… સોશ્યલ મિડિયાઝ ગમે એટલાં લોકપ્રિય કેમ ન હોય, એ પાણીના પરપોટા છે… ક્ષણજીવી છે… સોશ્યલ મિડિયાઝ પર મૂકાતી રચનાઓ અને એના પર મિત્રોદ્વારા અપાતા પ્રતિભાવો – આ બધું જ અલ્પજીવી છે. વેબસાઇટ પર મૂકાતી રચનાઓ અને વાચકોના પ્રતિભાવો – આ બધું જ ચિરંજીવી છે…

મિત્રોના પાવન સ્નેહપગલાં આ વેબસાઇટ પર પડતાં રહેશે ત્યાં સુધી તો આ યાત્રા નહીં જ અટકે… દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અચૂક મળતા રહીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

૧૨ વર્ષ…
૫૭૦ જેટલી પૉસ્ટ્સ…
૧૩૦૦૦થી વધુ પ્રતિભાવો…

આભાર, દોસ્તો!

આપનો સહૃદયી,
વિવેક

એક – એક કરતાં અગિયાર થયાં…

IMG_0018

૧-૧ કરતાં આજે ૧૧ વર્ષ પૂરાં થયાં. દર વરસે હું કહું છું કે આ વેબસાઇટને મેં ઘડી છે એના કરતાં વધુ તો આ વેબસાઇટે મને ઘડ્યો છે. મારી લઘરવઘર અસ્તવ્યસ્તતાને નિયમની સાંકળથી બાંધી લઈને આ વેબસાઇટે અને મારી વહાલી લયસ્તરો.કોમે મને નિયમિતતાના જે પાઠ ભણાવ્યા છે એ કાવ્યલેખનથી માંડીને કસરત સુધીના દરેક ક્ષેત્રે મને ડગલે ને પગલે ફાયદાકારક નિવડ્યા છે. જીવનના આ મુકામે હું ચોક્કસ જ કહી શકું કે શબ્દો છે સાચે જ શ્વાસ મારા. સોશ્યલ મિડિયાનું ચોકોરથી થયેલું આક્રમણ ગભરાવનારું હતું. ગુજરાતી વેબસાઇટ્સનો મૃત્યુઘંટ સંભળાતો હતો પણ હવે રહી રહીને થાય છે કે સોશ્યલ મિડિયાઝ અને ગુજરાતી વેબસાઇટ્સ બંને સમયની નદીની આજુબાજુ એકસાથે ચાલ્યા કરતા કિનારાના જેમ સહઅસ્તિત્વ ભોગવશે. સોશ્યલ મિડિયાઝ પર બધું જ હંગામી અને ક્ષણજીવી છે. ગઈકાલે જે ટોચ ‘બકો’ ભોગવતો હતો, ત્યાં આજે ‘કવિ’ જઈ બેઠો છે ને આવતીકાલે કોઈ બીજું જ હશે. પણ વેબસાઇટ્સ એ ઘરના ખૂણામાં સચવાઈ રહેતી તિજોરી સમી છે. એ કાયમી છે. એ કાયમી જ રહેશે. સોશ્યલ મિડિયા પર આવતા લોકોના પ્રતિભાવ પણ ક્ષણિક જિંદગી જ ભોગવે છે જ્યારે વેબસાઇટ ઉપર સમય ફાળવીને આપવામાં આવેલા પ્રતિભાવ પણ સમયની થપાટથી ભુંસાવાથી પર રહે છે. અને એટલે જ દર વરસે મારી આ વેબસાઇટ્સમાં શ્રદ્ધા વધતી જાય છે અને એટલે જ હું હજી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે આપને મળવા હાજર થઈ જતો હોઉં છું.

૧૧ વર્ષ

લગભગ ૫૫૦ પૉસ્ટ્સ

૧૨૦૦૦થી વધુ પ્રતિભાવ

મારી આ શબ્દયાત્રા શ્વાસપર્યંત ચાલુ જ રહે એવી અભિલાષા સાથે આપ સહુનો એકધારો સદભાવ પણ અપેક્ષિત છે…

ચાલો ત્યારે, બારમા વર્ષમાં પણ મળતા રહીશું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે

સદૈવ આપનો જ,

વિવેક

scsm_11

લ્યો… એક દાયકો પૂરો !!

Vivek Tailor

*

દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.

૧૦ વર્ષ

૫૨૫ પૉસ્ટ્સ

૧૨૦૦૦થી વધુ પ્રતિભાવ

આ આપ સહુના અવિરત સ્નેહનો જ અનર્ગળ આવિર્ભાવ છે. મારી આ શબ્દયાત્રા આજપર્યંત ચાલુ જ છે અને શ્વાસપર્યંત ચાલુ જ રહે એવી અભિલાષા સાથે આપ સહુનો એકધારો સદભાવ પણ અપેક્ષિત છે…

ચાલો ત્યારે, અગિયારમા વર્ષમાં પણ મળતા રહીશું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે…

સદૈવ આપનો જ,

વિવેક

*

scsm_10_yrs

નવમી અજાયબી…? નવમી વર્ષગાંઠ…

IMG_7698

*

નવ વર્ષ પહેલાં આજના દિવસે આ સાઇટ શરૂ કરી પહેલવહેલી પૉસ્ટ મૂકી હતી ત્યારે હું સાતત્યપૂર્ણ બ્લૉગિંગના નવ નવ વર્ષ પૂરાં કરી શકીશ કે પાંચસોથી વધુ પૉસ્ટ મૂકી શકીશ એવું કોઈકે મને કહ્યું હોત તો મને એ વાત દુનિયાની નવમી અજાયબી જેવી જ લાગી હોત.. એક-એક શનિવાર કરતાં કરતાં આજે આ સાઇટ શરૂ કર્યાના નવ વર્ષ પણ પૂરાં થયાં અને એક-એક કરતાં થોડા સમય પૂર્વે જ પાંચસો પૉસ્ટનો મેજિક ફિગર પણ સ્પર્શી શકાયો…

*

આ આખી સફરનું શ્રેય હું ત્રણ જણને આપીશ:

૧) વૈશાલી… પંદર વર્ષની શીતનિદ્રામાંથી જગાડી જેણે શબ્દ સાથે મારું પુનઃસંવનન કરાવી આપ્યું.

૨) ધવલ… જેણે આ સાઇટ વિશે કલ્પના કરી, મને સમજાવ્યો અને સાઇટનું સર્જન પણ કરી આપ્યું.

૩) આપ સહુ વાચક મિત્રો… જેમના સ્નેહ વિના આ સાઇટનું એક ડગ ભરવું પણ શક્ય નહોતું…

*

દસમા વર્ષમાં પ્રવેશતી વેળાએ હું મારી જાત પરના નિયંત્રણમાં થોડી હળવાશ લાવવા વિચારું છું… હવેથી દર શનિવારના બદલે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે મળીશું… શબ્દોના રસ્તે… શ્વાસના સરનામે…

IMG_1087

(વર્ષ ૨૦૧૪માં અસ્મિતા પર્વ ખાતે કાવ્યપઠન….)

આઠમી વર્ષગાંઠ પર…

Viv

*

૨૯ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ મિત્ર ધવલની આંગળી પકડીને મેં બ્લૉગવિશ્વમાં પ્રવેશ કર્યો એ વાતને આજે આઠ વર્ષ પૂરાં થયાં. દર શનિવારે એક સ્વરચિત કાવ્ય મારા પાડેલા ફોટોગ્રાફ્સ સાથે મૂકવાનો ઉપક્રમ કેટલીક લાંબા-ટૂંકા ગાળાની અનિયમિતતાને બાદ કરતાં જળવાઈ રહ્યો છે એ વાતનો સંતોષ છે. જો કે આ નિયમિતતા માટે હું મારા કરતાં વધુ આપ સહુને નિમિત્તરૂપ ગણું છું… આપ સહુના સ્નેહના કારણે જ સતત લખતા રહેવાનું બન્યું છે…

આ વરસે જો કે ૧૪ નવેમ્બર પછી લગભગ બે મહિનાનું વેકેશન લઈ લીધું ત્યારે વાચકમિત્રો તરફથી કોઈ ખાસ પ્રતિભાવ ન મળતાં એમ પણ થયું કે આ સાઇટની હવે કોઈને જરૂર જણાતી નથી તો મારે આ વેકેશન કાયમી જ કેમ ન કરી નાંખવું ? પણ વાડકીવ્યવહાર-વાચકો ખરી ગયા બાદ જે થોડા-ઘણા સાચા વાચકમિત્રો રહી ગયા છે એમના માટે અલવિદાનો ઓપ્શન હાલ પૂરતો મુલ્તવી રાખ્યો છે:

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે. (મરીઝ)

અને હા, હું દર વરસે કહું છું અને દર વરસે કહેતાં રહેવાનું મન થાય એવી વાત એ જ છે કે આપનો સ્નેહ એ મારી સાચી ઊર્જા છે.. આપના પ્રેમ અને સદભાવના કારણે જ હું ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત થઈ શક્યો. અને આપના અનવરત પ્યારના કારણે જ હું દર શનિવારનો વાયદો પૂરો કરવા કોશિશ કરતો રહું છું… આ કોશિશોના અંતે હું જ્યારે-જ્યારે પણ ફરીને જોઉં છું ત્યારે-ત્યારે સમજી શકું છું કે આપનો સ્નેહ જે મારી કોશિશોનું ચાલકબળ છે એ મારી આ સાઇટને ઘડે છે એના કરતાં વધુ મને ઘડે છે… હું સાઇટનું સર્જન કરું છું એ મારો મિથ્યાભ્રમ છે, સાઇટ મને ઘડે છે એ જ એકમાત્ર નક્કર હકીકત છે…

મળતા રહીશું… શબ્દોના રસ્તે, શ્વાસોના સથવારે… દર શનિવારે !

*

GLF

(અમદાવાદના મિત્રોને આ કાર્યક્રમમાં પધારવા સહૃદય નિમંત્રણ છે)

સાત સાત વર્ષ… …સાથ સાથ આપ…

OLYMPUS DIGITAL CAMERA

 *

સપ્તપદીના સાત પગલાં… અઠવાડિયાના સાત વાર… સપ્તર્ષિના સાત ઋષિઓ… ઇન્દ્રધનુષના રંગો સાત… સંગીતના સાત સૂર… સપ્તસિંધુની નદીઓ સાત… સાત અજાયબીઓ… સાત પાપ – કામ, ક્રોધ, મદ, ઇર્ષ્યા, પ્રમાદ, લોભ અને કુભક્ષણ… સાત સમંદર… સાત આકાશ… સાત પાતાળ..

…અને નેટ-ગુર્જરી પર મારી આ વેબસાઇટના સાત વર્ષ… ખરું પૂછો તો એક સ્વપ્ન જેવું લાગે છે. આ સાઇટના કારણે જ મારી કવિતાનો કાયાકલ્પ થયો અને મિત્રોનો મુશળધાર વરસાદ જિંદગીની ધરતી પર થયો… આ સાઇટના કારણે જ મારા બે પુસ્તકો આકાર પામ્યા… અને આ સાઇટના કારણે જ હું મારી ખોવાયેલી જાતને કદાચ પાછો મળી શક્યો છું…

આ વર્ષે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા”ને થોડા દિવસો પહેલાં જ પુરસ્કૃત કરવામાં આવ્યો એ ધન્ય ઘડી પર ફેસબુક પર 350થી વધુ પ્રતિભાવો, 600 જેટલા likes, 100થી વધુ SMS, ઢગલાબંધી ફોન-કોલ્સ અને ઇ-મેલ્સ…

મને તો આપ સહુનો આ સ્નેહ-પુરસ્કાર પરિષદના એવૉર્ડ કરતાં પણ વધુ મોટો લાગ્યો… ખૂબ ખૂબ આભાર…

મળતા રહીશું… શબ્દોના રસ્તે… શ્વાસોની ગલીઓમાં…

-વિવેક

darpan purti_vivek

છઠ્ઠી વર્ષગાંઠ- શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે…!

OLYMPUS DIGITAL CAMERA

*

૦૨-૦૨-૨૦૦૫ના રોજ લગભગ પંદર વર્ષ લાંબી શીતનિદ્રા બાદ “વૃક્ષ” ગઝલસ્વરૂપે મારું પહેલું રિ-અવેકનિંગ થયું. અને એ જ વર્ષની ૨૯મી ડિસેમ્બરના રોજ “શબ્દો છે શ્વાસ મારા” નામે મારો બ્લૉગ શરૂ કર્યો એ મારું બીજું રિ-અવેકનિંગ ગણી શકાય. મારી પુનર્જાગૃતિને સતત સજીવન રાખવામાં મારી પોતાની સર્જકતા કરતાં પણ આ બ્લૉગ અને એ નિયમિતપણે અપડેટ કરવાની મારી કટિબદ્ધતા અને પ્રતિભાવ સ્વરૂપે મળતા આપ જેવા દિલકશ મિત્રોએ વધુ અગત્યનો ફાળો ભજવ્યો. એક-એક કરતાં છ વર્ષ પૂરાં થઈ ગયાં અને સાડી ત્રણસોથી વધુ રચનાઓ અહીં પૉસ્ટ થઈ ગઈ જેના પર મિત્રોએ લગભગ સાડા નવ હજાર જેટલા લેખિત પ્રતિભાવો આપ્યા.   સાઇટ મીટર ચાલુ કર્યા પછી છેલ્લા સડા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ યુનિક વિઝિટર્સ અને અઢી લાખથી વધુ ક્લિક્સ… આપના આ પ્રેમલ પ્રતિસાદનો પ્રતિઘોષ આપી શકવા માટે હું સાવ વામણો છું, દોસ્તો…

આ વર્ષમાં મારા બે પુસ્તકો- “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલસંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સીડી “અડધી રમતથી”નો સેટ પ્રકાશિત થયો. જેને આપ સહુનો સ્નેહભર્યો પ્રતિસાદ પણ સાંપડ્યો. (કોઈ મિત્રોને આ સેટ મેળવવાની ઇચ્છા હોય તો અહીં ક્લિક કરે)

દર શનિવારે vmtailor.com પર મારાથી શક્ય હશે ત્યાં સુધી આપણે સતત મળતા રહીશું… હું દર શનિવારે આપની રાહ જોતો રહીશ.

અંતે, જે મેં આગળના વર્ષે કહ્યું હતું એ જ ફરીથી કહીશ:

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

સહુ દોસ્તોનો હૃદયપૂર્વક આભાર…

મળતા રહીશું, શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે !

વિવેક

*

અન્ય સર્જકો અને કોલમિસ્ટૉની અડફેટે ચડી ગયેલા મારા કેટલાક શેર આપ સહુ માટે:

1

(ફૂલછાબ (રાજકોટ), ગુલછાડી…          …મધુકાન્ત જોષી, 18-09-2009)

*

2

(દિવ્ય ભાસ્કર ‘વુમન ભાસ્કર’…   …કાજલ ઓઝા-વૈદ્ય, 21-12-2010)

*

3

(દિવ્ય ભાસ્કર, કળશ…                          ….મનોજ શુક્લ, 26-01-2011)

*

4

(સંદેશ (સુરત)…                                   …મેહુલ દેસાઈ, 19-12-2010)

*

5

(ગુજરાત સમાચાર ‘શતદલ’…    …જય વસાવડા, 09-11-2011)

*

6

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…     ….ક્ષિતિજ નાયક, 26-04-2011)

7

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…      …પ્રિયંકા વિસરીયા-નાયક, 17-05-2011)

(શ્રી જવાહર બક્ષી જેવા સિદ્ધહસ્ત કવિનો અતિલોકપ્રિય શેર ટાંકતી વખતે લેખકને મારું નામ યાદ આવે એને મારે શું ગણવું? )

*

8

(દિવ્ય ભાસ્કર, રણમાં ખીલ્યું ગુલાબ’…  …ડૉ. શરદ ઠાકર, 24-07-2011)

*

9

(દિવ્ય ભાસ્કર, ‘ડૉક્ટરની ડાયરી’…     …ડૉ. શરદ ઠાકર, 21-09-2011)

*

10

(ગુજરાત મિત્ર, 14-07-2011)

*

11

ફૂલછાબ (રાજકોટ)…       … સ્નેહા પટેલ, 13-07-2011)

પાંચમી વર્ષગાંઠ પર…

Vivek tailor

વહાલસોયા વાચકમિત્રો,

શ્વાસમાં શબ્દ વણીને કમ્પ્યૂટર પર ટિક્..ટિક્.. કરીને આપ સહુના હૃદય સુધી પહોંચવાની શરૂઆત કરી એ વાતને આજે પાંચ વર્ષના વહાણાં વાઈ ગયાં… ત્રણસોથી વધારે પૉસ્ટ અને સાડા સાત હજારથી વધુ પ્રતિભાવો…  કોણે કહ્યું કે પ્રેમને અવાજ નથી હોતો ?   છેલ્લા અઢી વર્ષમાં ઇકોતેર હજારથી વધુ યુનિક વિઝિટર્સ અને દોઢ લાખથી વધુ ક્લિક્સ… આપનો આ પ્રેમ અવિરત કાને પડતો રહ્યો છે…

છેલ્લા ચારેક વર્ષમાં ચોવીસેક જેટલા સાહિત્યલક્ષી સામયિકો અને અખબારોમાં ૧૩૦ જેટલા કાવ્યો પ્રકાશિત થયાં એ પણ આ સાઇટના જ કારણે…

આવનારું વર્ષ મારા માટે વધુ ખાસ છે…  આ વેબસાઇટે મને અને મારામાંના કવિને સતત જીવતો રાખ્યો છે. આ વેબસાઇટમાંથી પસંદ કરેલ કવિતાઓ આવનાર વર્ષની ત્રેવીસમી ફેબ્રુઆરીએ ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ નામે પુસ્તકાકાર લેશે. એ ઉપરાંત મેહુલ સુરતીના સંગીત-સ્વરાંકનમાં એક ઑડિયો સીડી પણ એ જ દિવસે તૈયાર થશે. આ સમારોહમાં પધારવા માટે આપ સહુને મારું આગોતરું આમંત્રણ છે.

પુસ્તકોની અને સીડીની તૈયારીના કારણે લાંબા સમયથી સર્જન પ્રક્રિયા શીતનિદ્રામાં ગરકાવ થઈ છે પણ દર શનિવારે કોઈ ને કોઈ બહાને અને કોઈને કોઈ રીતે આપણે અહીં મળતા જરૂરથી રહીશું…

છઠ્ઠા વર્ષમાં પ્રવેશતી વખતે પણ આપ સહુના સ્નેહ, સદભાવ અને માર્ગદર્શનની એવી જ અપેક્ષા રાખું છું…

આભાર !

Sandesh
(‘ખટ્ટા-મીઠા’ , સં. મેહુલ નયન દેસાઈ…                                  …સંદેશ, 19-12-2010)

*

vimochan
(ગૌરવ ગટોરવાળાના સંગ્રહ ‘પળનું પરબીડિયું’ના વિમોચન પ્રસંગે, 16-05-2010)
(દિવ્ય ભાસ્કર, 22-05-2010)
(ગુજરાત મિત્ર, 23-05-2010)
(શહીદ-એ-ગઝલ, જૂન-ઑગસ્ટ, 2010)

*

Pranvaayu2
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે… )

*

pranvaayu1
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે)

*

155377_10150318321165013_579230012_15823148_1996554_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

60648_10150318322690013_579230012_15823183_4064450_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

facebook
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

facebook2
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

woman bhaskar 2
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

*

woman Bhaskar 1
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

ચાર વર્ષ ? હા, ચાર વર્ષ…

PA232490

ચાર વર્ષ ? હા, ચાર વર્ષ… આજે આ વેબસાઇટ શરૂ કર્યાના ચાર વર્ષ પૂરાં થયાં. એ દિવસ યાદ આવે છે જ્યારે મારા અતિપ્રિય ‘કન્વેન્શનલ ગુજરાતી ફૉન્ટ્સ’ છોડી યુનિકોડ અપનાવવા તૈયાર પણ નહોતો. પણ ધવલની આંગળી ઝાલીને જે દિવસે આ વિશ્વમાં પ્રવેશ કર્યો એ દિવસથી જાણે કે આખેઆખી જિંદગીમાં સમૂચ્ચુ પરિવર્તન જ આવી ગયું.

આ સાઇટ મને વિશ્વભરના ગુજરાતીઓના ઘરમાં લઈ ગઈ. અમેરિકાના નુવાર્ક એરપૉર્ટ પર ફ્લાઇટ ચૂકી જવાના કારણે એક દિવસ રોકાવું પડ્યું પણ જરાય ડર ન લાગ્યો ત્યારે આ સાઇટની ખરી કિંમત સમજાઈ… મારા વેબ-મિત્રો મને એકલો પડવા દે એમ નથી. મહામૂલી મિત્રતાની વિશ્વવ્યાપી ભેટ ચાર વર્ષમાં જેટલી હું આ સાઇટ દ્વારા કમાઈ શક્યો છું એ કદાચ ચારસો વર્ષમાં અન્યથા કમાઈ શક્યો ન હોત.

૨૫૦ જેટલી રચનાઓ… લગભગ ૬૦૦૦ જેટલા પ્રતિભાવો… કુલ ચાર વર્ષમાંથી સાઇટમીટર શરૂ કર્યું એના છેલ્લા માત્ર દોઢ વર્ષમાં ૪૫૦૦૦ જેટલા મુલાકાતીઓ અને એક લાખથી વધુ ક્લિક્સ… રોજના આશરે ૮૪ મુલાકાતીઓ અને ૧૯૦ જેટલી ક્લિક્સ…  (ગયા વર્ષે આ સરેરાશ ૬૮ અને ૧૬૩ હતી !!)

ગયા વર્ષે છેલ્લા બે વર્ષમાં નાનાવિધ સામયિકોમાં પ્રકાશિત રચનાઓની સંખ્યા ૫૪ હતી જે આ વર્ષના અંતે ૯૦ જેટલી થઈ…

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

…અને આ કશું પણ આપના સતત સાથ અને હૂંફ વિના શક્ય જ નહોતું…

આભાર !

શબ્દ અને શ્વાસની સહિયારી સફરના ત્રણ વર્ષ…

Vivek2
(મહુવા અસ્મિતા પર્વ, 2008 ખાતે એક ફોટોગ્રાફર મિત્ર (વ્રજ મિસ્ત્રી)એ કવિ સંમેલન સાંભળતી વેળાએ કચકડે કંડારી લીધેલી આકસ્મિક પળ)

*

શબ્દો છે શ્વાસ મારાગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં. ચોથા વર્ષમાં પ્રવેશતી વેળાએ સહર્ષ રોમાંચ અનુભવી રહ્યો છું. ગુજરાતી ભાષાને પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટાવીને વિશ્વ-ગુર્જરી બનાવવાનું જે સ્વપ્ન વીતેલા ત્રણ વર્ષોમાં જોયું હતું એ સ્વપ્ન હવે સાકાર થતું લાગે છે. શરૂઆતના મુઠ્ઠીભર બ્લૉગર્સની સામે હવે ગણ્યા ગણાય નહીં એટલા ગુજરાતી બ્લૉગર્સ ઇન્ટરનેટના જાળામાં ગુંથાયેલા નજરે ચડે છે. મરણાસન્ન ગુજરાતી ભાષા માટે ઇન્ટરનેટ સંજીવની સાબિત થશે એવો ક્યારેક રમતો મૂકેલો વિચાર સાચો પડતો જણાય છે. આવનારા એક દાયકામાં ઇન્ટરનેટ ગુજરાતી ભાષાનું નવું સરનામું સાબિત થશે એ વાત પણ હવે સિદ્ધ થતી ભાસે છે.

ત્રણ વર્ષોની આ મુસાફરીમાં ૧૧૫ ગઝલ, ૧૦ ગીત, ૧૦ મુક્તક, ૬ બાળગીત, ૧૭ અછાંદસ કાવ્ય અને ૮ હાઈકુ સહિત કુલ્લે ૨૦૯ પોસ્ટ કરી જેના પર ૩૮૧૪ જેટલા પ્રતિભાવ સાંપડ્યા છે. છેલ્લા છ મહિનાથી સાઈટ મીટર શરૂ કર્યું છે એના આંકડાઓએ મને ખાસ્સો આશ્ચર્યચકિત કર્યો. સાઈટ મીટર શરૂ કર્યું એના કુલ ૨૧૧ દિવસોમાં આ વેબસાઈટની મુલાકાત કુલ્લે ૧૪૩૫૬ વાચકોએ પ્રતિદિન ૬૮ની સરેરાશે મુલાકાત લીધી અને કુલ્લે ૩૪૫૪૦ જેટલી ક્લિક્સ પ્રતિદિન ૧૬૩ની સરેરાશે કરી. અઠવાડિયે માત્ર એક જ કવિતા પીરસતી મારી આ વેબસાઈટ પર દર અઠવાડિયે ૪૭૫ જેટલા વાચકો આવે અને ૧૧૪૧ જેટલી કૃતિઓ માણે એનાથી મોટો ચમત્કાર બીજો શો હોઈ શકે? એક કાવ્યસંગ્રહની પાંચસો નકલ વેચાતા ક્યારેક પાંચ-છ વર્ષ થઈ જતા હોય છે એની સરખામણીમાં આ આંકડો તો જાદુઈ લાગે છે!

છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ સામયિકો અને અખબારોમાં પ્રકાશિત કૃતિઓની સંખ્યા લગભગ ૫૪ જેટલી થઈ. આ તમામ પ્રકાશિત રચનાઓને આપે સતત વધાવી એ ઉત્સાહ જ આ સફળતાનું સાચું પીઠબળ છે.
(કક્કાવારી પ્રમાણે સામયિકનું નામ અને વર્ષ 2007-08 દરમિયાન પ્રકાશિત રચનાઓની સંખ્યા)

અખંડ આનંદ (2)
ઑપિનિયન (લંડન) (1)
કવિ (6)
કવિતા (6)
કવિલોક (7)
કાવ્યસૃષ્ટિ (2)
કુમાર (1)
ગઝલ વિશ્વ (3)
ગુજરાત મિત્ર (2)
ગુજરાત સમાચાર (1)
નવનીત સમર્પણ (4)
પરબ (1)
પ્રિયજન (1)
ફીલિંગ્સ (1)
બુદ્ધિપ્રકાશ (3)
મુંબઈ સમાચાર (1)
શબ્દ સૃષ્ટિ (3)
શહીદે ગઝલ (3)
સંવેદન (6)

આ ઉપરાંત વીતેલા ત્રણ વર્ષોમાં ગણી ન શકાય એટલા સહૃદય મિત્રો અને શુભેચ્છકો સાંપડ્યા. આ ગાળામાં કવિતાની વિધાયક ટિપ્પણીઓ સતત મને ઘડતી રહી. વેબસાઈટ શરૂ ન કરી હોત તો કદાચ હું મારી કવિતાનો વિકાસ કદી સાધી શક્યો ન હોત. આ વેબસાઈટે જ મને સતત લખતો અને ખાસ તો સતત વાંચતો રાખ્યો.  અને કદાચ આ વેબસાઈટે જ મને જીવતો રાખ્યો…

…અને હવે સતત જીવતા રહેવાની ઈચ્છા થાય છે…

*

અભિયાનના દિવાળી અંકમાં મારી ઓળખ તબીબ કે કવિ તરીકે નહીં પણ ગુજરાતી કવિતાની વેબસાઈટના સંચાલક તરીકે આપવામાં આવી ત્યારે અહેસાસ થયો કે હવે મારો નવોન્મેષ થઈ ચૂક્યો છે:

Abhiyan_vivek
(‘અભિયાન’- દિવાળી અંક….                                            …નવેમ્બર, ૨૦૦૮)

*

વિવિધ અખબારો ગુજરાતી બ્લૉગ્સની બાકાયદા નોંધ લઈ રહ્યા છે જેની એક નાનકડી ઝલક આ સાથે મૂકી રહ્યો છું.

DNA - blogs & doctors
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ…                        …૦૩-૧૦-૨૦૦૮)

*

DNA- Vivek
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ…        …૧૮-૦૯-૨૦૦૮)

*

Utsav_vivek
(‘ઉત્સવ’… દિવ્યભાસ્કરનો દિપોત્સવી વિશેષાંક…    લેખ: શ્રી હિમાંશુ કિકાણી, ઓક્ટોબર, ૨૦૦૮)

ત્રીજા વર્ષમાં પ્રવેશતી વેળાએ…

પ્રિય મિત્રો,

નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !

શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.

“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.

ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.

આભાર !

વિવેક મનહર ટેલર.


(“અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭….           ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)


(“કવિલોક”, સપ્ટે-ઓક્ટો- ૨૦૦૭…..            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

શબ્દોના રસ્તે વીતેલા પહેલા વર્ષનું સરવૈયું…

 

વ્હાલા દોસ્તો,

પલંગ પર આડા પડીને પેટ પર પુસ્તક મૂકીને વાંચવાને ટેવાયેલો હું ક્યારેક મારી વ્હાલુડી માતૃભાષાને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચતો કે વંચાવતો હોઈશ એવો વિચાર દોઢેક વર્ષ પહેલાં આવ્યો હોત તો જુલે વર્નની નવલકથાની જેમ એ સમયના પરિપ્રેક્ષ્યમાં અવકાશયાન કે સબમરીનની પરિકલ્પના કરતો હોઉં એવું ટાઢા પહોરના ગપ્પા જેવું મને લાગ્યું હોત. આંગળી પકડીને ધવલ આ દુનિયામાં લઈ આવ્યો અને એસ.વી.એ સમય-સમયે માર્ગદર્શન આપ્યું. આજથી બરાબર એક વર્ષ પહેલાં ૨૯-૧૨-૨૦૦૫ના રોજ એક બ્લૉગ શરૂ કર્યો- શબ્દો છે શ્વાસ મારા… ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લૉગ. સ્વરચિત કાવ્યોનો એક બ્લૉગ કદાચ એ પહેલાં પણ અસ્તિત્વમાં હતો, પણ છંદબંધારણ અને કવિતાના નિયમોથી એ વેગળો હોવાથી સાહિત્યના નિયમોની એરણે મૂકવામાં આવે તો મારા બ્લૉગને સર્વપ્રથમ કહેવાનું ગૌરવ હું જરૂરથી લઈ શકું.

સફરની શરૂઆતમાં કૃતિઓની કોઈ ખાસ નિયમિતતા ન્હોતી. પણ પાછળથી જાત અને મિત્રોને એક વણકહ્યો વાયદો અપાઈ ગયો અને અઠવાડિયામાં બે વાર- દર બુધવારે અને શનિવારે સાંજે- પૉસ્ટ મૂકાવા માંડી. પછી તો ફૉટોગ્રાફ ઉમેરાયા અને આજે એક વર્ષ પછી પાછળ ફરીને જોઉં છું તો ૯૨ કવિતાઓ અને ૬ પ્રકીર્ણ-લેખો મેં મિત્રોના માથે થોપી દીધા છે.

આ બ્લૉગે મને માત્ર લખવાની નિયમિતતા નથી બક્ષી, આ બ્લૉગે મને ખોબલા ભરાતા ય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો આપ્યા છે. સાથે પીઠ પાછળ કરાયેલ ઘાને સામી છાતીએ ઝીલવાની તાકાત પણ મને અહીં જ મળી છે. ગુજરાતી નેટ-જગત પર મારા હિસ્સાનું પદાર્પણ થઈ શકે ત્યાં લગી કરતો રહીશ અને શક્ય હોય ત્યાં લગી આપ સૌને આપ સૌનો પ્રેમ પામવા મારા શબ્દોના રસ્તે મળતો રહીશ…

આજે આ બ્લૉગની પહેલી વર્ષગાંઠ પર નવા સ્વરૂપ, નવી સવલતોની ભેટ લઈને આવ્યો છું. વર્ડપ્રેસ ફોર્મેટની સગવડો ઘણા સમયથી આકર્ષ્યા કરતી હતી. આજે ધવલની, માત્ર ધવલની જ કહી શકાય એ મહેનતના પરિપાકરૂપે આ નવા સ્વરૂપમાં એજ વેબ-એડ્રેસ કાયમ રાખી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વધારે સગવડોના બદલે આને હું “યુઝર-ફ્રેંડલી વર્ઝન” કહેવાનું જો કે વધુ પસંદ કરીશ. આશા છે આ નવું કલેવર આપને ગમશે…

આભાર…

વિવેક