ફાગણની મોસમનો પહેલો કમાલ

*
ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.

પહેલાં પર અટકી રે’ એ શું કમાલ, ભઈ?
ગુલમોરના નામે જુઓ, કેવી ધમાલ થઈ?
ગરમાળા પીળા થ્યા, કેસૂડા કેસરી,
આંબાને પાન-પાન લૂમઝૂમતી મંજરી,
આભેથી આગગોળા વરસ્યા કે વહાલ, જુઓ!

કોકિલ બદમાશ કેવો! આભમાં કંઈ ચીતરે છે,
તડકાની હારોહાર ટહુકાઓ નીતરે છે,
ખાલીપો ખખડે છે વગડાના કણકણથી,
અભરે ભરાય છે એ સારસના ક્રંદનથી,
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…

સઘળું રંગાયું તો માણસ શેં બાકી રહે?
ક્યાં લગ એ લાલ-પીળા-ભગવાને તાકી રહે?
ફાગણના વાયુ સંગ કેવો આ નાતો છે?
બહારથી વિશેષ તો, ભઈ! ભીતરમાં વાતો એ,
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૬-૨૦૨૨)

*

12 thoughts on “ફાગણની મોસમનો પહેલો કમાલ

  1. વાહ…ખૂબ જ સુંદર ને મજાનું ગીત…કમાલ, લાલ,ધમાલ,વહાલ,સૂરતાલ ને ગુલાલની સજીવારોપણની
    કમાલ કવિ સહજ રીતે પ્રગટાવે છે…ગમતાં ગીતોમાંનું એક બની રહેશે…અભિનંદન વિવેકસર…

  2. આભેથી આગગોળા વરસ્યા કે વહાલ આંબાને પાન-પાન લૂમઝૂમતી મંજર વાહ વિવેક ભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *