આઝાદી (ગઝલ-સૉનેટ)

બડવા ધોધ, ભરુચ, ૨૦૨૧

તે કહ્યું કે આ નથી ગમતું તો મેં છોડી દીધું,
તે કહ્યું, આમાં મને તકલીફ છે, છોડી દીધું.
તું કહે, છે રાત તો છે રાત, દી બોલે તો દી;
સાથના સુખ માટે મેં મંતવ્યને છોડી દીધું.
તે કહ્યું, હું સર્વદા મરજીનો માલિક છું જ પણ-
‘પણ’ કહીને ‘પણ’ પછીનું વાક્ય તે છોડી દીધું.

બેય જણમાં પ્રેમ છે, હા, પ્રેમ છે એ તથ્ય છે,
પણ ઉભયના પ્રેમમાં શંકા, અહમના શલ્ય છે.
આટલાં વર્ષો એ શું સાહચર્યનું કૌશલ્ય છે?
કે ગરજ, મજબૂરી, વત્તા ટેવનું સાફલ્ય છે?
બે જણાં સાથે છે પણ સાથે છે શું એ સત્ય છે?
બેય જણને પૂરી આઝાદી હો, શું એ શક્ય છે?

જે રીતે પડછાયો કાયમ હોવાનો અજવાસમાં,
એમ આઝાદી ગુલામી હોય શું સહવાસમાં?

– વિવેક મનહર ટેલર
(૧૪-૩૧/૦૧/૨૦૨૧)

ફ્યુઝન પોએટ્રી: ગઝલ-સૉનેટના લક્ષણ:

છંદ: ઉભયજીવી (ગઝલ: રમલ, સૉનેટ: હરિગીત)
સૉનેટ: ચૌદ પંક્તિ – બે ષટક અને યુગ્મક. પહેલા ષટકમાં પરિણામ, બીજામાં કારણ અને યુગ્મમાં ચોટ.
ગઝલ: મત્લા-શેરનું બંધારણ. સૉનેટમાં દરેક ષટક, યુગ્મકમાં અલગ પ્રાસરચના હોય એની સાથે સુસંગત રહેવા બંને ષટકમાં નવા મત્લા અને નવા રદીફ-કાફિયાની ગોઠવણ. યુગ્મકમાં નવો જ મત્લા. દરેક શેરનો સ્વતંત્ર અર્થ શક્ય.

બડવા ધોધ, ભરુચ, ૨૦૨૧

14 thoughts on “આઝાદી (ગઝલ-સૉનેટ)

  1. ખૂબ સુંદર રચના. ગઝલના છંદમાં સોનેટની અનોખી તાજગી અનુભવાઈ.

  2. જે રીતે પડછાયો કાયમ હોવાનો અજવાસમાં,
    એમ આઝાદી ગુલામી હોય શું સહવાસમાં?

    – વિવેક મનહર ટેલર – Sikka ni bajuo… Waah !

  3. ખૂબ સરસ‌ રચના .ગઝલ તેમજ સોનેટ બન્ને નું કોમ્બો પેકેજ ખૂબ જ લયબદ્ધ અને મધુર છે. બંને એની બાનીમાં છતાં એકબીજામાં ઓત પ્રોત છે. . અભિનંદન વિવેકભાઈ.

  4. ખૂબસરસ પ્રયોગ સાહેબ…
    મજા પડી રચના માણીને..
    સોનેટ ગઝલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *