હું આખી થઈ ગઈ સુગંધ…

મારા ઘરની રાણી…. રાતરાણી, ૨૦૨૦


*
ખોબોભર રાતરાણી પાલવમાં પડતાવેંત હું આખી થઈ ગઈ સુગંધ
આ કેવો ઋણાનુબંધ!

લખી-વાળીને હું બેઠી’તી જીવતરને, અચિંત્યો આવ્યો ત્યાં તું,
છોડી દીધા’તા એ શ્વાસોને શ્વાસોમાં ફેર ભરી લાવ્યો ‘લ્યા તું;
રોમરોમ નર્તે છે વણકીધા સ્પર્શોથી, પ્રેમનો આ કેવો પ્રબંધ!
ખુદ ફૂલ જાણે ભમરામાં બંધ!

શું કીધું, વર્ષોની વાટ ફળી એમાં મેં શીદ લીધો આવડોક ઉપાડો?
બહુ નહિ, ઓ સૈંયાજી! બે જ ઘડી માટે લ્યો, વિરહનો બોજ તો ઉપાડો;
લગરિક ફરિયાદ નથી, પ્રથમી સાહીને ભલે ઝૂકી ગ્યા મારા બેઉ સ્કંધ
છું હું તારી જ ને છું અકબંધ.

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૪/૦૬/૨૦૨૦)

*

ખોબોભર??? રાતરાણી

11 thoughts on “હું આખી થઈ ગઈ સુગંધ…

  1. અદ્દભૂત…
    છોડી દીધા’તા એ શ્વાસોને શ્વાસોમાં ફેર ભરી લાવ્યો ‘લ્યા તું; ક્યા બાત……
    રોમરોમ નર્તે છે વણકીધા સ્પર્શોથી….અહા…. ખૂબ સરસ શબ્દોનું ચયન….વાહ…
    આખું ગીત મસ્ત હોં….
    શુભકામનાઓ…
    જાનકી

  2. ખુદ ફૂલ જાણે ભમરામાં બંધ
    મસ્ત મજ્જાનું ગીત.
    અભિનંદન, વિવેક ભાઈ.

  3. નર્તન કરે છે માટે નર્તે છે શબ્દ નવો વિવેકશાઈ 👌💐

  4. ખોબોભર રાતરાણી પાલવમાં પડતાવેંત હું આખી થઈ ગઈ સુગંધ
    આ કેવો ઋણાનુબંધ! Aahaa ! Sugandhi… sir ji

    – વિવેક મનહર ટેલર –

  5. वाह वाह. क्या केहने. शब्दो ने तो कमाल कर दिया. पर विचारो ने रोन्गते खदे कर दिये.

  6. આપના શબ્દો જાણે રજનીગંધા…….માં તરબતર…!!! આહલાદક ..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *