(કોના વાંકે…. …નીલકંઠ (ઇન્ડિયન રોલર), ૧૮-૧૦-૨૦૧૧)
*
કવિ ઉદયન ઠક્કરનો આ પ્રશ્ન ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ વિચારતા કરી મૂકે છે. હું બહુધા ગઝલ લખું છું, ગીત પણ લખું છું. ક્યારેક મુક્તક, હાઈકુ, અછાંદસ અને એકાદ વાર મોનો-ઇમેજ કાવ્ય પર પણ હાથ અજમાવી ચૂક્યો છું. પણ અંદરથી સતત એવું થયા કરે કોઈ ઇમેજનો શિકાર થવાના બદલે કે બધા જ કાવ્યપ્રકારોમાં મારે મારી શક્તિને નાણી-તાણી જોવી જોઈએ. સંસ્કૃત વૃત્તોએ કાયમ ડરાવ્યો હોવા છતાં પ્રબળતાથી આકર્ષ્યો પણ એટલો જ.
એક સવારે છાપું લેવા ઘર બહાર નીકળ્યો અને નીલકંઠને મરેલું જોયું. સુરત શહેરમાં નીલકંઠ (જીવતું કે મરેલું) જોવા મળે એ જ મહાઆશ્ચર્ય અને એ પણ મારા જ ઘરના ઓટલા પર? મારી ભીતર મંદાક્રાન્તાનો પવન વાતો હોવાનું અનુભવ્યું અને આમ અચાનક જ સૉનેટની શરૂઆત થઈ.
સળંગ ચાર ગુરુ અને તરત જ સળંગ પાંચ લઘુ અક્ષરો અને બે યતિની લગામ લઈને વહેતા મંદાક્રાન્તા છંદમાં લખાયેલું આ સૉનેટ આપને કેવું લાગ્યું?
*
(મંદાક્રાન્તા)
ગાગાગાગા | લલલલલગા | ગાલગા ગાલગાગા
*
પ્રાતઃકાળે શિથિલ પગલે બારણું ખોલ્યું મેં જ્યાં,
છાપાંસ્થાને જીવનહીન મેં પંખી જોયું પડ્યું ત્યાં.
શ્વાસો મારા જડવત અને વેદનાસિક્ત આંખો,
કાયા એવી બધિર, લકવો કેમ જાણે પડ્યો હો !
નીલું એનું મનહર તનુ, રંગબેરંગી છાંટા
આંખો ખુલ્લી – મહીં તગતગે આભના કૈંક આંટા.
આવ્યો ક્યાંથી નગર વચમાં, ગામનો જીવ ભોળો ?
જાગી ઊઠ્યાં સ્મરણ સહસા, નીલકંઠો જ આ તો.
બિલ્લીની આ કરતૂત નથી, બચ્યું છે આ સુવાંગ,
રેઢો મૂકે કદી ન સમડી આવી રીતે શિકાર.
કોના વાંકે સૂતું વિહગ આ આખરી શ્વાસ ત્યાગી?
કે પાંખોમાં ભરી ક્ષિતિજને જિંદગી આજ થાકી ?
‘રે પંખીની ઉપર’ મનમાં વેદના કૈંક વ્યાપી,
કીધાં હોતે કવન બહુ મેં, હોત જો હું કલાપી.
– વિવેક મનહર ટેલર
(૧૯-૧૦-૨૦૧૧)
*
(નીલકંઠ…. ….કચ્છ, ૨૧-૧૦-૨૦૦૯)