કેવી ભૂલ કરી !

Jungle by Vivek Tailor
(પગલાં એક-એક ક્ષણનાં…            ….નામેરી, આસામ, ૨૦૧૦)

*

કેવી ભૂલ કરી રે, મનવા ! કેવી ભૂલ કરી !
પેટ ચોળીને શૂળ ને જિંદગી પળમાં ધૂળ કરી.

એક-એક શ્વાસ ચડી બેઠા છે થેલા થઈ મણ-મણના,
સદી સદી લાંબા થઈ પડતાં પગલાં એક-એક ક્ષણનાં;
આખે આખું જીવતર પળમાં બની ગયું એક ભ્રમણા,
ક્યાંથી વાત શરૂ થઈ, ક્યાં ગઈ એ જ નરી વિટંબણા,
નાસમજીમાં સૂરજ જેવી બત્તી ગુલ કરી.

અણી ચૂક્યો તે વરસો સહેવું માથે ગયું લખાઈ,
દિલગીરીના કાંટા માંહે વસ્તર ગયું ચીરાઈ;
કંઈ કરવાનું પગલું પાછું એવું થ્યું હરજાઈ,!
બૂટ, દિશા, મારગ સૌ ગાયબ; પગ પણ ગયા કપાઈ,
હોઠ પાછળ આખી વસ્તીએ ફાંસી કબૂલ કરી.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૧૫)

*

river by Vivek Tailor
(સમીસાંજના ઓળા…                             …..નામેરી, આસામ, ૨૦૧૦)

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે

OLYMPUS DIGITAL CAMERA
(હું જોઉં છું કે….                                  ….ઉભરાટ, ૨૫-૦૮-૨૦૧૩)

*

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
અને હવે મને તારા વિચાર આવે છે,
વિચારું છું, શું સફરમાં હજી તું સાથે છે ?
હતું જે કાલ, હજી આજમાં શેં મ્હાલે છે ?
વીતી ગયેલ શું સાચે કોઈ વિતાવે છે?

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
મુકાબલો છે હવે મારો, બસ સમય સાથે,
વિતાવું છું કે વીતું છું હું કાળના હાથે ?
સવારે શું થશે, ના જાણ્યું જાનકીનાથે,
સફર કે હું, પડ્યું છે કોણ જો, કોના માથે ?

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
જવાનું ક્યાં છે ગતાગમ નથી મને કોઈ,
ચરણ નથી, નથી રસ્તા, દિશા કને કોઈ,
સફરમાં છું કે નથી એય ક્યાં છે યાદ હવે ?
છતાંય ઇચ્છું છું, છું ક્યાં, કહે તને કોઈ.

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
હવે એ જોવાનું કે શું કશું ભૂલાયું છે ?
બધું જ લીધું છે કે લીધું છે એ ધાર્યું છે ?
સ્મરણ શું ખાણી-પીણીથી વધુ સવાયું છે ?
ત્યજી શકાયું નથી, શું એ પ્રાણવાયુ છે ?

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
હું ચાલ-ચાલ કરું તોય કેમ આવું બને ?
ફરી ફરીને બસ, આવે છે એ જ માર્ગ, અને
હું ત્યાંને ત્યાં જ મળી જાઉં છું ઊભેલો મને,
વધી શકાશે નહીં, ક્યાંય શું ત્યજીને તને ?

હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૮-૨૦૧૪)

*

OLYMPUS DIGITAL CAMERA
(એકલો….                                      ….અંદમાન, નવેમ્બર, ૨૦૧૩)

આખી મારી જાત ધરી દઉં…

pahalgam by Vivek Tailor
(એક જ વાદળ…                                …પહલગામ, કાશ્મીર, ૨૦૧૪)

*

આખો દિવસ મસ્ત વીતી જાય, મેસેજ એવો એક કરી દઉં ?
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…

એક જ વાદળ વરસે તો પણ બોલો, કેટકેટલું વરસે ?
એક જ સપનું ફરી ફરીને, કહો, કેટલા રંગ પાથરશે ?
લાખ ભલે હો વહાલી તો પણ કેવળ એક ઇચ્છાની તરસે
બોલ આ જીવતરમાં તું કેટલા દિવસો, કેટલી રાતો ગણશે ?
તું બોલે તો લખ લખ દરિયા રંગ-રંગના ફરી ફરી દઉં.
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…

દરવાજાની જેમ જ આજે મારી અંદર ખૂલી દીવાલો,
બારે મેઘની જેમ જ ખાંગા થઈ વરસે છે કૈંક સવાલો;
કેટલાં સ્વપ્નાંઓનો ચૂરો, કેટલી ઇચ્છા તણો મલાદો-
ખભે ઉપાડી તું જીવી છે ? વાત કરું શું ? વાત જવા દો…
મોડો મોડો હા, સમજ્યો છું તો શીદ હજીયે જરી જરી દઉં !
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૧૨/૨૪-૦૬/૩૧-૦૭-૧૪)

*

Betaab wadi by Vivek Tailor
(બોલ તો વહાલી…                           ….બેતાબ વેલી, કાશ્મીર, ૨૦૧૪)

કૈંક તો ભીતર તૂટી ગયું છે….

Nubra by Vivek Tailor
(આંધી અને તણખલું…..               …નુબ્રા વેલી, લડાખ, ૨૦૧૩)

*

સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે,
લાવ્યું નથી લવાતું લગરિક, એવું તે શું ખૂટી ગયું છે ?

મૃગજળના ઊંટ પર બેસીને રણની પાર ગયું છે કોણ ?
સંબંધમાં ઊગી આવેલા ‘પણ’ની પાર ગયું છે કોણ ?
‘હું’-‘તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ ?
બળે છતાં વળ છૂટે ન એ વળગણની પાર ગયું છે કોણ ?
સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…
સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

ઊભ્ભેઊભ્ભી હવા ચિરાઈ, પાણીના પડ્યા બે ભાગ,
કઈ છરી ને કોણે મારી ? શી રીતે મેળવવો તાગ ?
પહેલાનાં દિવસોના તંબુમાં એક ઊંટ જોઈને લાગ
ઘૂસી ગયું ને પહેલાનાં દિવસોને કહી દીધું, ચલ, ભાગ !
એ તાળો પણ છૂટી ગયો છે, પાછળ શું શું છૂટી ગયું છે !
સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૬-૨૦૧૪)

Nubra valley by Vivek Tailor
(લ્યો, સ્મરણના ઊંટ તો હાંફી ગયા….       …નુબ્રા વેલી, લદાખ, ૨૦૧૩)

ગુડ-બાય (નઝમ-સૉનેટ)

canal view by Vivek Tailor
(શહેરની વચ્ચે નહેર…..                …ભટાર રોડ, સુરત, ૦૧-૦૩-૨૦૧૪)

*

અગાઉ જે વિષય ઉપર એક દીર્ઘ નઝમ લખી હતી એ જ વિષય પર આ વખતે એક નઝમ-સૉનેટ…

સૉનેટના લક્ષણો: ચૌદ પંક્તિઓ (૪-૪-૪-૨), આઠ પંક્તિઓ સુધી ભાવાભિવ્યક્તિની ભરતી અને પછી ષટકમાં કથયિતવ્ય વળાંક બાદ ભરતી પછીની ઓટના બદલે ચોટ.

નઝમના લક્ષણો: મુખ્ય ત્રણ અંતરા. ત્રણેય અંતરાની ત્રણ પંક્તિઓના પ્રાસ એક-મેક સાથે અને નઝમ-શૈલી મુજબ દરેક અંતરાની ચોથી પંક્તિઓના પ્રાસ એક-મેક સાથે અને અંતિમ બે પંક્તિઓ સાથે. છંદ પણ નઝમનો.

આ કોક-ટેલ આપને કેવું લાગ્યું એ જણાવશો તો ગમશે…

*

કશેક દૂરના ખેતરને પ્રાણ દેવામાં,
કિનારે ઊગ્યાં છે એ ઝાડવાંની સેવામાં;
નહેર શહેરની વચ્ચેથી કેવા-કેવામાં
ન જાણે કેટલા વરસોથી કાઢે છે હડીઓ !

સમયની સાથે વહે છે કે એ વહે આગળ ?
સિમેન્ટી આંખમાં આંજ્યું ન હો લીલું કાજળ;
શિરા શરીરની, જ્યાં રક્ત વહે છે પળપળ
અલગ બે દ્વારને સાંકળતો જાણે આગળિયો.

હવે સિમેન્ટના ખોખામાં થાશે બંધ નહેર,
કિનારે ઊગ્યા બધા વૃક્ષ પર ઉતરશે કહેર,
સડક થશે ને ઉપરથી થશે પસાર શહેર,
શહેર જીવતું હતું, જીવશે- કોને ફેર પડ્યો ?

ઉતરતાં પાણીમાં દેખાતી સાફ માછલીઓ,
ત્યજી ગયો કહી, ‘ગુડ બાય’ એક કલકલિયો.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૨-૨૦૧૪)

*

Kingfisher by Vivek Tailor
(બંધાતી જતી નહેર અને કલકલિયો…     …ભટાર રોડ, સુરત, ૦૧-૦૩-૨૦૧૪)

તમારા શહેરમાં મારા આ આખરી દિવસો…

IMG_0858 IMG_8335 IMG_0852
(ચણાતી જતી નહેરની વચ્ચે કલકલિયો(કીંગફિશર)ના આખરી શ્વાસ)

*

આજે એક દીર્ઘ નઝમ આપ સહુ માટે… આશા છે આપને સ્પર્શી જશે… ગમી જશે…

*

ગણી રહ્યો છે નગરમાં બસ, આખરી ઘડીઓ,
કપાતા વૃક્ષની ડાળેથી દેખે માછલીઓ;
સિમેન્ટની બની રહી છે એ નહેરના કાંઠે,
રડે છે છેલ્લી વખત શ્વેતકંઠ કલકલિયો-
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.

નહેર શહેરમાં સિમેન્ટી આંસુથી રડશે,
જે પાણી ખુલ્લું વહેતું’તું, બોક્સમાં વહશે;
ઉપરથી કાર, બસો, સાઇકલો પસાર થશે,
વિચારું છું, શું કશે મારું નામ પણ બચશે ?
– તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.

અહીં તો વૃક્ષથી ઝડપી મકાન ઊગે છે,
જળો બનીને એ વૃક્ષોનું લોહી ચૂસે છે;
જીવે છે વૃક્ષ જે વર્ષોથી નહેરના પડખે,
કણાની જેમ મકાનોની આંખે ખૂંચે છે-
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.

નિતાંત તાજી હવા, પ્રાણવાયુને ખોઈ,
સિમેન્ટમાં નહીં બચશે વનસ્પતિ કોઈ;
ને બંધ બોક્સની ભીતર પછી આ માછલીઓ
હશે ખરી? ને અગર જો હશે તો શું જોઈ?
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.

સૂરજ શું રોજના જેવો જ પછી પણ ઊગશે ?
શું સાંજ આભમાં એવા જ રંગ પાથરશે ?
ભીતરથી પાણી તો વહેશે પરંતુ પ્રાણ વગર,
તમારા પાકમાં શું પહેલાં જેવું સત્ત્વ હશે ?
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.

નહેર બંધ થવાનો દિવસ નજીક આવ્યો,
સવાલ મારા હૃદયમાં જતાં જતાં જાગ્યો-
રહું હું કે ન રહું, તમને શું ફરક પડશે ?
કદી તમે શું તમારો ગણીને ગણકાર્યો ?
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૨-૨૦૧૪)

*

IMG_0862 IMG_0853 IMG_0854

IMG_0869 IMG_0864 IMG_0868

IMG_0873 IMG_0870 IMG_0872

એ જ મને સમજાવે

together
(સાજન….                                 ….નીલદ્વીપ, અંદમાન, નવે, ૨૦૧૩)

*

કવિતાના અલગ-અલગ પ્રકારોમાં પ્રવૃત્તિ કરતાં રહેવાની મારી વૃત્તિનું આ એક નવું પરિણામ અને પરિમાણ. આજે મારી પહેલવહેલી નઝમ… વાંચીને જણાવો કે આપને આમાં શું ગમ્યું. અને ખાસ તો એ જણાવો કે શું ન ગમ્યું….

*

જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે,
‘વાદળ’ની જગ્યાએ અહીંયા ‘સપનાંઓ’ ન આવે ?

અહીંયા કેવો પ્રાસ ચસોચસ ! – થાય એને વિસ્મય,
અહીંયા એક માત્રા વધવાથી તૂટી રહ્યો છે લય;
‘સાજન’ છે ભરતીનો શબ્દ, તોડે છે અન્વય,
-સાંભળું છું સાજનની વાતો, હું થઈને તન્મય,
ગીત હોય કે પ્રીત, માત્રા ગણવું કેમનું ફાવે ?
જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

એ દઈ ધ્યાન સુણે છે એથી ફાટફાટ આ છાતી,
મુંથી પહેલાં કોણે ખાટી દાદ આવી ચડિયાતી?
ભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?
સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?
ભીતર ભરતી ભરી ટકોટક, ભલી એ ભૂલ કરાવે,
જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

-વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૧૩)

Andaman by Vivek Tailor
(સપનાં સમીસાંજના….             …રાધાનગર બીચ, અંદમાન, નવે. ૨૦૧૩)