હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે

OLYMPUS DIGITAL CAMERA
(હું જોઉં છું કે….                                  ….ઉભરાટ, ૨૫-૦૮-૨૦૧૩)

*

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
અને હવે મને તારા વિચાર આવે છે,
વિચારું છું, શું સફરમાં હજી તું સાથે છે ?
હતું જે કાલ, હજી આજમાં શેં મ્હાલે છે ?
વીતી ગયેલ શું સાચે કોઈ વિતાવે છે?

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
મુકાબલો છે હવે મારો, બસ સમય સાથે,
વિતાવું છું કે વીતું છું હું કાળના હાથે ?
સવારે શું થશે, ના જાણ્યું જાનકીનાથે,
સફર કે હું, પડ્યું છે કોણ જો, કોના માથે ?

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
જવાનું ક્યાં છે ગતાગમ નથી મને કોઈ,
ચરણ નથી, નથી રસ્તા, દિશા કને કોઈ,
સફરમાં છું કે નથી એય ક્યાં છે યાદ હવે ?
છતાંય ઇચ્છું છું, છું ક્યાં, કહે તને કોઈ.

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
હવે એ જોવાનું કે શું કશું ભૂલાયું છે ?
બધું જ લીધું છે કે લીધું છે એ ધાર્યું છે ?
સ્મરણ શું ખાણી-પીણીથી વધુ સવાયું છે ?
ત્યજી શકાયું નથી, શું એ પ્રાણવાયુ છે ?

હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
હું ચાલ-ચાલ કરું તોય કેમ આવું બને ?
ફરી ફરીને બસ, આવે છે એ જ માર્ગ, અને
હું ત્યાંને ત્યાં જ મળી જાઉં છું ઊભેલો મને,
વધી શકાશે નહીં, ક્યાંય શું ત્યજીને તને ?

હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૮-૨૦૧૪)

*

OLYMPUS DIGITAL CAMERA
(એકલો….                                      ….અંદમાન, નવેમ્બર, ૨૦૧૩)

7 thoughts on “હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે

  1. હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
    હું ચાલ-ચાલ કરું તોય કેમ આવું બને ?
    ફરી ફરીને બસ, આવે છે એ જ માર્ગ, અને
    હું ત્યાંને ત્યાં જ મળી જાઉં છું ઊભેલો મને,
    વધી શકાશે નહીં, ક્યાંય શું ત્યજીને તને ?

    હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?

    – સરસ !

  2. હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે
    હું ચાલ-ચાલ કરું તોય કેમ આવું બને ?
    ફરી ફરીને બસ, આવે છે એ જ માર્ગ, અને
    હું ત્યાંને ત્યાં જ મળી જાઉં છું ઊભેલો મને,
    વધી શકાશે નહીં, ક્યાંય શું ત્યજીને તને ?

    હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?

    Wahhhh

  3. એટલી સોંસરી ઊતરી ગઈ નઝમ.. એક ક્ષણ જાણે શ્વાસ થંભી ગયા.

  4. હતું જે કાલ, હજી આજમાં શેં મ્હાલે છે ?
    વીતી ગયેલ શું સાચે કોઈ વિતાવે છે?
    સફરમાં છું કે નથી એય ક્યાં છે યાદ હવે ?
    છતાંય ઇચ્છું છું, છું ક્યાં, કહે તને કોઈ…
    beautiful. …and of course the last paragraph. .repeat thati line jane bhav ne ghunti ne ghero banave ane bhavak ne potani sathe ek vamal ma khenchi ne dubadi de chhe..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *