(ચણાતી જતી નહેરની વચ્ચે કલકલિયો(કીંગફિશર)ના આખરી શ્વાસ)
*
આજે એક દીર્ઘ નઝમ આપ સહુ માટે… આશા છે આપને સ્પર્શી જશે… ગમી જશે…
*
ગણી રહ્યો છે નગરમાં બસ, આખરી ઘડીઓ,
કપાતા વૃક્ષની ડાળેથી દેખે માછલીઓ;
સિમેન્ટની બની રહી છે એ નહેરના કાંઠે,
રડે છે છેલ્લી વખત શ્વેતકંઠ કલકલિયો-
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.
નહેર શહેરમાં સિમેન્ટી આંસુથી રડશે,
જે પાણી ખુલ્લું વહેતું’તું, બોક્સમાં વહશે;
ઉપરથી કાર, બસો, સાઇકલો પસાર થશે,
વિચારું છું, શું કશે મારું નામ પણ બચશે ?
– તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.
અહીં તો વૃક્ષથી ઝડપી મકાન ઊગે છે,
જળો બનીને એ વૃક્ષોનું લોહી ચૂસે છે;
જીવે છે વૃક્ષ જે વર્ષોથી નહેરના પડખે,
કણાની જેમ મકાનોની આંખે ખૂંચે છે-
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.
નિતાંત તાજી હવા, પ્રાણવાયુને ખોઈ,
સિમેન્ટમાં નહીં બચશે વનસ્પતિ કોઈ;
ને બંધ બોક્સની ભીતર પછી આ માછલીઓ
હશે ખરી? ને અગર જો હશે તો શું જોઈ?
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.
સૂરજ શું રોજના જેવો જ પછી પણ ઊગશે ?
શું સાંજ આભમાં એવા જ રંગ પાથરશે ?
ભીતરથી પાણી તો વહેશે પરંતુ પ્રાણ વગર,
તમારા પાકમાં શું પહેલાં જેવું સત્ત્વ હશે ?
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.
નહેર બંધ થવાનો દિવસ નજીક આવ્યો,
સવાલ મારા હૃદયમાં જતાં જતાં જાગ્યો-
રહું હું કે ન રહું, તમને શું ફરક પડશે ?
કદી તમે શું તમારો ગણીને ગણકાર્યો ?
તમારા શહેરમાં મારા આ આખરી દિવસો.
– વિવેક મનહર ટેલર
(૧૮-૦૨-૨૦૧૪)
*
ખુબ જ સરસ.
સરસ !
VERY NICE…
Wahh
Very very nice.
Saral ane sachot….
સુંદર નઝમ
વાહ ! સરસ. ભાવવાહી રચના.
સિમેન્ટનું શહેર, ગાધીંનગર,
ગાધીંનુ નહી,આંધીનું શહેર.
ગાંધીગીરી નહી,
નોકરશાહી શહી
મોટી મોટી મહેલાતો,
ગગનચૂમ્બી ઇમારતો,
વચ્ચે વહેતી ,ખોડંગાતી,
સબરમતી બિચારી.
અનેક જોયાતાં સપનાં,
બેય કાંઠે વહેવાના,
વિધવા માનુની જેમ,
અશ્રુભર્યા નયને.
super ghazal che
સરસ !
Vivekbhai,
Bahut Khub !!!!!!!
જાગ્રત નાગરિકની વ્યથા ને વાચા આપતી સુન્દર કાવ્ય.
ખુબજ ગમ્યુ.
Khub saras ane satya .
ખુબ જ સુંદર….!
Khub saras