સોતનના ઓરતાનું ગીત…

તમે વાતો કરો તો થોડું સારું લાગે…. પારડી, સુરત, ઓક્ટોબર ૨૦૨૫

‘પતિ-પત્ની ઔર વો’ની લડાઈ લગ્નસંસ્થાની સરજત સાથે જ કદાચ શરૂ થઈ ગઈ હશે. દુનિયાની કોઈ પણ પત્ની સોતનનો સ્વીકાર ન જ કરે… પણ હિંદી કવયિત્રી રશ્મિ અગ્નિહોત્રીની ‘પતિ કી પ્રેમિકા કે નામ’ વાંચી. એમાં એક પત્નીનો પોતાની સોતન તરફનો અલગ જ અભિગમ વાંચવામાં આવ્યો. એ રચનામાંથી આ રચના સ્ફુરી. પત્ની જે રીતે પતિની પ્રેમિકા વિશે વિચારતી હશે એ જ રીતે, સોતન પણ પ્રેમીની પત્ની વિશે કશુંક તો વિચારતી જ હશે ને… એ પ્રેમીને ત્યાગી તો શકતી નથી, પણ એની પત્ની સાથેના સંઘર્ષથી શું ખુશ રહી શકતી હશે? એ શું ઇચ્છતી હશે? એ સ્ત્રી પણ પુરુષને પ્રેમ કરે છે એટલે ભલે અસંભવ તો અસંભવ પણ સમાધાન નહીં ઝંખતી હોય?

આ વિષય પર ભાગ્યે જ કોઈએ લખ્યું હશે.. રચના વાંચીને પ્રતિભાવ અવશ્ય પાઠવજો…

મોટાબુન! પાય લાગુ, તમે દિલના દ્વાર ખોલો,
સાજણને ગમતું તમને ગમતું ન કેમ, બોલો?

તમે અગ્નિના સાત ફેરે,
અમે સમજણના પાંચ દેરે વર્યાં ને પામ્યાં સૈંયા
તમે તરબતર પ્રતિપળ
અમે વર્ષાની એક અટકળ પર જીવતા બપૈયા!
તમે સાગર અમે તો ટોયું, પછી શાને આ હડદોલો?
તમે દિલના દ્વાર ખોલો

તમે પારિજાત પામ્યા
એ મારી જાત કામ્યા તે મારામાં થોડું ખરતા,
એમાં આ શા ઉધામા?
અમે આમે છંઈ નનામા, પછી શીદ તમે ઝઘડતા?
ઝાકળ છીએ બે પળનું, શાને ગણો ફરફોલો?
તમે દિલના દ્વાર ખોલો

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૮-૨૦૨૫)

વાતો જો થઈ શકે તો દિલે બોજ ન રહે… …પારડી, સુરત, ઓક્ટોબર ૨૦૨૫

33 thoughts on “સોતનના ઓરતાનું ગીત…

  1. ટોયુ નો અર્થ?

    અને

    ઍ મારી જાત કામ્યા….

    સમજાવશો તો ગમશે….

    નવા વિષય નું ખેડાણ…. વાહ

    • @સંદીપ કોટેચા:

      ટોયું એટલે પવાલાથી પણ અડધું માપ… બે સ્ત્રી વચ્ચેના સહિયારા પુરુષ સાથેના સંબંધમાં દુનિયાના માપિયા મુજબ પત્નીને સાગર જેવું વિશાળ સ્થાન મળ્યું છે, પણ સોતન તો અડધા પ્યાલા જેટલુંય સ્થાન ધરાવતી નથી… તો પછી આ અવહેલનાનો અર્થ?

      એ મારી જાત કામ્યા… એમણે મારી જાતની કામના કરી… પારિજાતના વૃક્ષ બાબતે સત્યભામા અને રુક્મણિ બંનેને રાજી રાખવા કૃષ્ણએ વૃક્ષ સત્યભામાની વાટિકામાં એ રીતે રોપ્યું કે પુષ્પ રુક્મણીની વાટિકામાં ખરે. આ રીતે કૃષ્ણએ બંને સ્ત્રીઓને રાજી કરી. અહીં એ જ સંદર્ભ છે…

  2. વાહ પ્રથમવાર જ કંઇક આવું અલગ પ્રકારનું કાવ્ય વાંચવામાં આવ્યું
    મજાની કૃતિ

  3. આ રચના અત્યંત રસપ્રદ અને માનસિક સ્તરે વિચલિત કરનાર વિષયને સ્પર્શે છે. સામાન્ય રીતે “સોતન” એટલે દુશ્મન. પણ અહીં તમે સ્ત્રીની માનસિક ગહનતામાં ઊતરીને એ ‘દુશ્મન’ને માનવી રૂપે જોવાનો પ્રયત્ન કર્યો છે.
    અહીં મુખ્ય આધાર સ્ત્રીના દ્વંદ્વ પર છે એક તરફ પ્રેમનો અધિકાર અને બીજી બાજુ પ્રેમના અપરાધ વચ્ચેનું આંતરિક યુદ્ધ.

    આ કાવ્ય એ વાતને વેગ આપે છે કે પ્રેમના ક્ષેત્રમાં પીડિત માત્ર “પત્ની” જ નથી. જે “સોતન” કહેવાય છે તે પણ અર્ધી અધૂરી અનુભૂતિ સાથે જીવતી હોય છે. “અમે વર્ષાની એક અટકળ પર જીવતા બપૈયા!” આ એક જ પંક્તિમાં એના અસ્તિત્વની કરુણ વાસ્તવિકતા સમાઈ ગઈ છે. વર્ષા અહીં આશાનું રૂપક છે, જે કદી સંપૂર્ણ વરસતી નથી. એ આશા છે, પણ પૂર્તિ નથી.

    “તમે સાગર અમે તો ટોયું” અદભુત વિરુદ્ધરૂપક છે. સાગર એટલે અનંત પ્રેમ કે સંબંધનું સમર્થ સમુદ્ર, જ્યારે “ટોયું” એટલે નાનું, ક્ષણભંગુર આનંદનું સરોવર. એના માધ્યમથી કવિ પ્રેમિકાની સ્થિતિને સ્પષ્ટ રીતે રેખાંકિત કરે છે જે છે તાત્કાલિક, અપેક્ષિત, પણ અસ્વીકાર્ય નહીં.
    “ઝાકળ છીએ બે પળનું, શાને ગણો ફરફોલો?” અહીં પ્રેમિકાનો સ્વીકાર છે કે એ સંબંધ ક્ષણિક છે, છતાં એનું અસ્તિત્વ અસ્થાયી હોવા છતાં અસંગત નથી.

    આ રચનામાં કઠોર વિદ્રોહ નથી, પણ એક મૃદુ પ્રશ્ન છે. અને એ પણ આર્જવભરી વિનંતી રૂપે. “તમે દિલના દ્વાર ખોલો…”આ refrain (આવર્તક પંક્તિ) સમગ્ર કાવ્યમાં માનવીય સંવાદનું આમંત્રણ છે. એ ઝઘડા કરતાં સંવાદનો સ્વર છે. કવિ કહે છે કે પ્રેમનો પ્રશ્ન જીત-હારનો નથી, સમજણનો છે. “અમે સમજણના પાંચ દેરે” અહીં લગ્નના સાત ફેરે સામે સમજણના પાંચ દેરે મૂકવાનું કલાત્મક પ્રતીક છે, જે પ્રેમિકાના સંબંધને પણ માનવીય ધર્મના પરિમાણમાં લે છે. અને સાચું કહું તો સપ્તપદી પર આ પંચ છે.

    આ કાવ્ય નૈતિકતાની પરંપરાગત રેખા ધૂંધળી કરે છે, પરંતુ તોડી નાંખતું નથી. એમાં અધીકારની વાત કરતાં વધુ સહાનુભૂતિની વાત છે. આ સ્ત્રી કોઈની જગ્યાએ આવવા ઇચ્છતી નથી, માત્ર પોતાનાં ભાવને માન્યતા ઇચ્છે છે. એનું પ્રેમ પણ વાસ્તવિક છે, પરંતુ અસંગત પરિસ્થિતિમાં જન્મેલું છે. આ આંતરિક દ્વંદ્વ કાવ્યને ઊંચાઈ આપે છે.

    ભાષા મધુર, રૂપકપ્રધાન અને સંગીતમય છે. “મોટાબુન! પાય લાગુ…” શરૂઆત જ અત્યંત માનવીય નમ્રતાથી થાય છે, જે એના વલણને સ્પષ્ટ કરે છે: આ સ્ત્રી વિરુદ્ધતા નહીં, સમજણની માગણી કરે છે. આખું કાવ્ય ગેય છે, refrain એ ગીતભાવ આપે છે.

    આ રચના સ્ત્રીની “બીજી બાજુ”નો અનોખો અવાજ છે, નાયિકા કે વિરોધી નહીં, એક એવી માનવી, જે પ્રેમની ગરમ ધરતી પર પથ્થર જેવી ઉંઘ ગુમાવી બેઠી છે. આ વિષયની સંવેદનાત્મક રજૂઆત Gujarati કવિતામાં ભાગ્યે જોવા મળે છે.

    આ કવિતા વાંચ્યા પછી પ્રશ્ન નથી ઉદભવે, મૌન ઉપજે છે, કારણ કે એ આપણને કહે છે કે દરેક ‘સોતન’ પાછળ પણ એક હ્રદય છે, અને એ હ્રદયને પણ કોઈ બોલાવતું નથી: “તમે દિલના દ્વાર ખોલો.”

    જો આ વિનંતી સંવેદનશીલ હૃદય સુધી પહોંચે તો એ યુગલનું જીવન બિલ્વપત્ર જેવું ત્રૈક્ય થી લીલુછમ બને, અન્યથા કાંટાઓ તો છે જ.

    • @કમલેશ ઉપાધ્યાય:

      અહાહાહા! કેવો સુંદર અને સંતર્પક પ્રતિભાવ! એવું લાગ્યું જાણે તમે છે….ક સર્જકમનની ઊંડાઈ સુધી જઈને રચનાને અનુભવી છે… કોઈ ભાવક આ રીતે સહૃદય ટિપ્પણી કરે ત્યારે એમ થાય કે કૃતિ સફળ થઈ છે…

      એક જ વાત ઉમેરીશ… “સમજણના પાંચ દેરે”માં પંચેન્દ્રિયોનો સંદર્ભ છે…

      હૃદયપૂર્વક આભાર.

  4. ગીત વાંચ્યું. ગમ્યું. ધન્યવાદ
    માંગ ભરો સજના, મૈં તુલસી તેરે આંગન કી, સૌતન વગેરે ફિલ્મો આ જ વિષયને લઈને બન્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બધી ફિલ્મો અને સાહિત્યમાં પતિના પરસ્ત્રીના સંબંધને ભારપૂર્વક અને મુદ્દાસર દલીલો આપીને એનો સ્વીકાર કરવામાં આવે એ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
    એની સામે પ્યાસા, સંગમ, એક ફૂલ દો માલી, દિવાના, હમ દિલ દે ચૂકે સનમ વગેરે ફિલ્મોમાં નારીના પરપુરુષ સાથેના સંબંધને એટલી સહજતાથી સ્વીકારવામાં નથી આવ્યો.
    આપના ગીતમાં પણ પતિની પ્રેમિકાની એવી જ આજીજીઓ અને દલીલો છે કે, મોટી બહેના, મારો સ્વીકાર કરો! આ એક મેલ-ડોમિનન્ટ સોસાયટીનું દ્યોતક છે.

  5. @ઇલ્યાસ શેખ:

    વાચકમિત્રો રચના સાથે જોડાઈને આવો મજાનો પ્રતિભાવ પાઠવે ત્યારે સાચે જ આનંદ થાય છે…

    ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *