કેટલું ને ક્યાં સુધી રડવું હવે?

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?

આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

તીર એવું માર્યું છે શું માનવે?
કે ફરી એ આ યુગે પણ સંભવે?

દીકરાનું હૈયું અટક્યું પાલવે,
પણ વહુને ઘરમાં મા ના પાલવે.

ચાહે છે ભાષાને સૌ પણ મન વગર,
બાકી શું પહોંચે નહીં એ માળવે?

ગત-અનાગત કોઈએ જોયું છે ક્યાં?
હું તને પામું તો પામું આ ભવે.

જ્યાં ન ફાવ્યા જગના એકે આર્કિટેક્ટ,
એ કરી દેખાડ્યું બસ, એક કલરવે.

– વિવેક મનહર ટેલર
(૦૩/૦૪/૨૦૨૫ – ૧૭/૦૫/૨૦૨૫)

24 thoughts on “કેટલું ને ક્યાં સુધી રડવું હવે?

    • વાહ… સરસ ગઝલ. છેલ્લા શેરમાં કલરવની વાત છે તો ત્યાં આર્કિટેકટની વાત જુદી પડતી લાગે છે.. આમ થઈ શકે

      જ્યાં ન ફાવી જગની એકે ગાયકી
      એ કરી દેખાડ્યું બસ એક કલરવે.

      • @ગૌરાંગભાઈ

        બહુ સરસ વિકલ્પ આપે સૂચવ્યો… ખૂબ ખૂબ આભાર…

        મારું કહેવું જરા અલગ છે –

        આર્કિટેક્ટ મકાનને સુંદર બનાવી આપવાનું કામ કરે… પણ જગતભરના આર્કિટેક્ટની સામે પ્રકૃતિનો જાદુ વધુ ઊંચેરો છે…. ઈ6ટ-સિમેન્ટનું મકાન પંખીના કલરવથી વધુ દીપી ઊઠે છે…

        વિધાયક પ્રતિભાવ પાઠવવા બદલ ફરી એકવાર આભાર

  1. સરસ છે.રંગમંચ કે બ્રોડવે
    માનો પાલન અને વહુને ન પાલવે સરસ બંધ બેસે છે.અભિનંદન.

  2. એક વિદ્યાર્થીની માટે માતૃભાષા વિશે નિબંધ તૈયાર કરાવતો હતો ત્યારે જ શ્રી વિવેક ટેલરની આ ગઝલ જોઈ.
    આ ગઝલ ઊંડો આક્રોશ અને કરુણ સંવેદના ધરાવે છે, એક એવી સંવેદના, જે ભાષા માટેનું પ્રેમ, વેદના અને અશક્તિ ત્રણેને સાથે જ વ્યક્ત કરે છે. વિવેક મનહર ટેલરની કલમ અહીં માત્ર શબ્દો નથી લખતી, પણ એક સંસ્કૃતિની હૃદયધડકન લખે છે. ગઝલ એક સવાલથી શરૂ થાય છે અથવા કહો એક થાકેલી કરુણ ચીસથી. ભાવ એવો કે હવે તો આ દુઃખનું ઓસડ નથી. રડવાની પણ મર્યાદા ખૂટી ગઈ છે. હજી એ ભાવ પર દિલથી વાહવાહ બોલીએ ત્યાં બીજો શેર જુઓ.
    “આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે, જોઉં, દીકરો કોને કેટલું સાચવે?”
    એક અત્યંત ચોટદાર દ્રશ્ય. ભારતીય રંગમંચની સામે પશ્ચિમી બ્રોડવેનો ઉલ્લેખ. એ માત્ર કલા કે નાટ્યશૈલીની તુલના નથી; એ સંસ્કૃતિના બે ખૂણાઓ છે. ‘દીકરો કોને કેટલું સાચવે?’ – એટલે નવી પેઢી હવે કઈ ધરતીનો વારસદાર રહે છે? પોતાની કે અન્યની?
    અંતિમ પંક્તિ અદ્દભૂત છે. “આર્કિટેક્ટ” એટલે સર્જક, વિચારક, સમાજનિર્માતા — જેમને જગની વ્યૂહરચના ગમી નહીં, તેમણે માત્ર રંગ ભરી દીધો કલરવે, એટલે કલાવંતે રંગથી ક્રાંતિ કરી.
    ગઝલમાં આક્રમણ નથી, અરીસો છે. એ અરીસામાં માતૃભાષા અસ્થિ બનેલી દેખાય છે, પણ કવિ એ દૃશ્યને કળાની ચમત્કૃતિથી જીવંત કરી દે છે.

    આ રચનાની શક્તિ એ છે કે એ “રડાવતી” નથી પણ “જગાડે” છે.
    કમલેશ ઉપાધ્યાય
    ગારીયાધાર

  3. દરેક શેર નવા દૃશ્યો / વિચાર ઉઘાડી આપે છે !
    વિવેકભાઈ એટલે મંચની ભીડમાં ઓછો સાંભળેલો પણ બહુ સાબૂત કવિતા તમારા સુધી પહોંચાડતો જણ! 🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *