તમે ઉદાસ રહો એ મને નથી ગમતું

તમે ઉદાસ રહો એ મને…. . . …..લિટલ કોરમોરન્ટ અને ડાર્ટર, ભરતપુર, ૨૦૨૫

તમે ઉદાસ રહો એ મને નથી ગમતું,
ને નાસીપાસ રહો એ મને નથી ગમતું.

ઉદાસ રહો ભલે કિંતુ ઉદાસ હાલતમાં
આમ આસપાસ રહો એ મને નથી ગમતું.

મને ગમે છે તમે આસપાસ હો એ, પણ
હા, બારેમાસ રહો એ મને નથી ગમતું.

તરત પરત જવા દેવાનું રુચે કેમ, તમે
થઈને શ્વાસ રહો એ મને નથી ગમતું.

ભલે તમે મને દિલની નજીક રાખ્યો નથી,
બીજાના ખાસ રહો એ મને નથી ગમતું.

ગઝલમાં આવો છો તો આવો અર્થ થઈ, કેવળ
બનીને પ્રાસ રહો એ મને નથી ગમતું.

વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૨૦૨૨/૨૪-૧૦-૨૦૨૫)

સાયુજ્ય… . . . ….ભરતપુર, ૨૦૨૫

45 thoughts on “તમે ઉદાસ રહો એ મને નથી ગમતું

  1. વાહ… ખૂબ જ સરસ ગઝલ છે.. ત્રીજા શેરનાં ઉલા મિસરામાં ‘પણ’ શબ્દ સાની મિસરાનો ભાગ બને છે એટલી સરળતાથી ચોથા શેરમાં ‘તમે’ શબ્દ અને છેલ્લા શેરમાં ‘કેવળ’ શબ્દ સાની મિસરા સાથે જોડાતો નથી . ઉલા મિસરો અર્થસભર નથી થતો એમ મને લાગે છે.

    • @ગૌરાંગ ઠાકર:

      વિધેયાત્મક પ્રતિભાવ પાઠવવા બદલ આપનો દિલથી આભાર…
      હું અવશ્ય પ્રયત્ન કરી જોઈશ…

  2. ગમ્યું….ઉદાસીન વ્યક્તિ ખુશહાલ માહોલ ને પણ ઉદાસીન બનાવે.

  3. અસરકારક રજૂઆત: ‘ઉદાસ’, ‘આસપાસ’, ‘બારેમાસ’, ‘શ્વાસ’, ‘ખાસ’ અને ‘પ્રાસ’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને જે ભાવો વ્યક્ત કર્યા છે, તે દરેક શેરને ઊંડાણ અને મર્મ આપે છે.

  4. ગઝલમાં આવો છો તો આવો અર્થ થઈ, કેવળ
    બનીને પ્રાસ રહો એ મને નથી ગમતું. Kyaa baat !
    – વિવેક મનહર ટેલર –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *