હાઇકુ

sparrows by Vivek Tailor
(સાથ….                               …દિરાંગ, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)

*

(સૉનેટ – વસંતતિલકા)
ગાગાલગા લલલગા | લલગાલ ગાગા

*

છોને થયાં અલગ બેઉ છતાં દિલોમાં
સંતોષ બે’ક ડગ સાથ લીધા તણો છે;
થોડી જ વાર પણ હાથ ગ્રહેલ હાથે,
એ સ્પર્શના સ્મરણ કાયમ આવવાના.

ખોટું રિસામણું, મનામણું તોય સાચું,
સાથે જીવેલ પળ યાદ તમામ રે’શે,
ઝીણીઝીણી વિગત કેમ કરી ભૂલાશે?
એ જિંદગી વગર જિંદગી જીવવાનું;

જે જે સ્થળે ભ્રમણ સાથ રહી કરેલ,
એ હેરિટેજ તરીકે જ હવે ગણાશે;
સંગાથ છો કડડભૂસ થયો છતાંયે
ત્યાં કાંગરોય ન ખરી શકવા સમર્થ.

લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.

-વિવેક મનહર ટેલર
(૧૭/૧૮-૦૭-૨૦૧૨)

*

Junagadh by Vivek Tailor
(હેરિટેજ…                       …બહાઉદ્દીન મકબરા, જૂનાગઢ, ૨૫-૦૨-૨૦૧૩)

17 thoughts on “હાઇકુ

  1. વાત તો સાચી કહી…. હાઇકુ ભલેને નાનું લાગે પણ ઉત્તમ હોઈ શકે….

    સાથે જીવ્યાં એ ભલેને ક્ષણ જ માત્ર હોય પણ એની અસરમાં એ દમ હોય છે કે તમામ જિંદગી સ્મરણ મલકી રહે…

  2. લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
    સોનેટથીય અદકેરું બની શકે છે. ખૂબ સુંદર ભાવાભિવ્યક્તી
    મેં હાસ્ય હાઇકુ પર પ્રસ્તાવના લખી ત્યારે જણાવેલું તેમ…જાપાનીઝ કાવ્યપ્રકાર હાઇકુ ઘણા લાંબા સમયથી ગુજરાતી સાહિત્યમાં અપનાવાયો છે; છતાં ઘણા ઓછા લોકો એ લખવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ઘણા ઓછા લોકો તેને પૂરેપૂરું માણી શકે છે. હાઇકુની સુંદરતા એની લાઘવતામાં છે. (૫-૭-૫ નું અક્ષર બંધારણ – એટલે કે પ્રથમ પંક્તિમાં ૫ અક્ષર, દ્વિતીયમાં ૭ અને તૃતીયમાં ૫ અક્ષર. જોડાક્ષરને એક અક્ષર ગણવામાં આવે છે.
    ગણેલા શબ્દોમાં અનેક વિચારો તથા ભાવો વર્ણવવામાં આવે છે; તેથી જે શબ્દો પસંદ કરવામાં આવે, તે ખૂબ ખૂબ સમજી વિચારીને પસંદ કરવામાં આવતા હોય છે.
    એક શબ્દ અથવા શબ્દ-સમૂહની પસંદગી માટે અનેક ભાવો ગોઠવાતા હોય છે. જો વિરામચિહ્નોનો પ્રયોગ થયો હોય તો તેની પાછળ પણ ભાવની યોગ્ય અભિવ્યક્તિ તથા અર્થ હોય છે.
    ઓછા શબ્દોમાં લખાયેલા હાઇકુને બરાબર સમજવા માટે તેને ઝડપથી એક વારમાં વાંચવાને બદલે ધીમે-ધીમે વાંચીને તેનો અર્થ સમજવાનો હોય છે અને શબ્દો દ્વારા જે કહેવાયું છે, તે ઉપરાંત જે ભાવોને શબ્દો નથી મળ્યા, પરંતુ અધ્યાહાર છે, તે પણ સમજવાના હોય છે. જેને બે શબ્દો વચ્ચે વાંચવું કહેવાય.
    આમ, હાઇકુ એ તેના રચયિતા તથા વાચક બંને માટે પડકારરૂપ છે. જો યોગ્ય રીતે લખાય અને સમજાય તો તેનું અદ્વિતીય રૂપ છે. તેને માણવામાં સરળતા લાવવા કોઈએ તે અંગે કોઇ ઘટના કહેવા પ્રયત્ન કર્યો હોય તો ખ્યાલ નથી, પણ મારા જ હાઇકુ પર વલીભાઇએ લખ્યું, ત્યારે મારું તે વિષે ધ્યાન ગયું. પછી તો એ પ્રણાલિ ચાલી.ઘણાં ખરાં હાઇકુમાં ઘટના વર્ણવવાનું કર્યું. એકવાર એક સિનેમાના ગાયન ‘હર સવાલકા સવાલ હી જવાબ હૈ’ પ્રમાણે ૧૭ અક્ષરમાં ઉત્તર આપવા માંડ્યું, જેમાં જોડાક્ષર દોઢ અક્ષર નથી ગણાતો તેથી સારું રહ્યું.
    એક આડ વાત. ગઝલની વ્યાખ્યામાં હરણની મરણચીસ એવું કહેવાયું છે અને તે કરુણરસ પ્રધાન રહેતી. ગઝલસભા એ શોકસભા જેવી લાગતી. ગઝલના કાશી એવા સૂરતમા આ ઓછું અનુકૂળ લાગ્યું, તેથી હઝલ લખાઇ અને તેના પઠનમાં માણનાર હસી રહે, ત્યાર બાદ દુબારાની પ્રથા થઇ !
    તેવી રીતે ગુઢ અર્થપ્રધાન હાઇકુને સરળ કરાયું અને હાસ્ય હાઇકુઓ થયાં.

  3. સુંદર સોનેટ…
    તાજેતર લખેલું હાયકુ..

    ઠાઠડી દોડી

    બજાવી રામધુન

    બેહરા કાને

  4. ટુંકી અને ટચ વાત હાયકુ દ્વારા સરસ રીતે ડો. વિવેકભાઈ લઈઅ આવ્યા છે, આભાર……………….

  5. હાયકુની ચમતકૃતિ અને સોનેટની ચોટ ….નો સુભગ સમન્વય.
    વિષય અનુરૂપ છંદથી ગાવાની સહજ ઈચ્છા જાગી,કાવ્ય ગવાઈ ગયું.

  6. પાન બધાંયે ખરી ગયાં છે,
    કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
    ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
    કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !

    Thank you for a wonderful poems with utmost deepest feelings….

    with regards,

    vinod

  7. પાન બધાંયે ખરી ગયાં છે,
    કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
    ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
    કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !

    Thanks for posting such a deepest feelings with utmost warmth

    with regard

    vinod

  8. જે જે સ્થળે ભ્રમણ સાથ રહી કરેલ,
    એ હેરિટેજ તરીકે જ હવે ગણાશે;
    સંગાથ છો કડડભૂસ થયો છતાંયે
    ત્યાં કાંગરોય ન ખરી શકવા સમર્

    ખુબ જ સુદર્.શબ્દ નથિ જડતા

  9. “જે જે સ્થળે ભ્રમણ સાથ રહી કરેલ,
    એ હેરિટેજ તરીકે જ હવે ગણાશે;
    સંગાથ છો કડડભૂસ થયો છતાંયે
    ત્યાં કાંગરોય ન ખરી શકવા સમર્થ”
    સંગાથ ભલે ક્ષણનો હોય પ્રેમીને મન એ સ્થળ હેરિટેજ સમાન છે.
    ભાવની સુંદર અભિવ્યક્તિ.

  10. મનના આંતરિક ભાવોને વાચા આપતી સુંદર રચના. હૃદય સ્પર્શી અને સંવેદના પ્રેરક.

  11. ….. Your poems are heat touching but I like your photography more….. 🙂 🙂

    જે જે સ્થળે ભ્રમણ સાથ રહી કરેલ,
    એ હેરિટેજ તરીકે જ હવે ગણાશે;
    સંગાથ છો કડડભૂસ થયો છતાંયે
    ત્યાં કાંગરોય ન ખરી શકવા સમર્થ.

    AWESOME….. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *