ધૂમકેતુ

ઝાંખી…. ….. તાપી તટે, ૨૦૨૨

(મંદાક્રાંતા)

સંધ્યાટાણે હું વનવગડે એકલો નીકળ્યો’તો,
નિરુદ્દેશે વિજન પથ પે સ્વૈરવિહાર કાજે,
લંબાવ્યું કો’ પડતર બીડે, ઊતરી રાત માથે,
સર્જાતું ત્યાં ફલક પર જે ચિત્ર, એને હું જોતો.

તારાઓની ટમટમ મહીં દૃષ્ટ આકાશગંગા,
નક્ષત્રો ને અનુપમ ગ્રહો, ચંદ્ર પાછો અનન્ય;
સૌની કાંતિ, કદ, સ્થળ – જુઓ! આગવાં ને અલભ્ય,
થોડી થોડી વધઘટ છતાં સ્થિર સૌ એકધારા.

મારી ચારેતરફ વસતી વસ્તી પોતેય આવી –
કોઈ આઘું, નિકટતમ કો’, ખાસ-સામાન્ય કોઈ,
સંબંધોમાં અગણિત વળી ધૂપછાંવેય જોઈ,
સૃષ્ટિ ભાતીગળ નિત, છતાં એક જેવી જણાતી.

હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.

– વિવેક મનહર ટેલર
(૦૭/૦૧-૦૮/૦૧/૨૦૨૨)

મુલાકાત…. … કમળ તળાવ, ડુમસ, સુરત ૨૦૨૨

9 thoughts on “ધૂમકેતુ

  1. ગુજરાતીમાં શ્રી બ.ક.ઠાકોરે જેને ‘ચતુરદર્શી’ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો હતો એવા ગુજરાતી ભાષાની લગભગ દસ દાયકાની સફર ખેડી ચૂકેલા આ સાહિત્યસ્વરૂપ સૉનેટનું મહિમાગાન જગતના એકાધિક દેશોએ કરેલું છે.

    મંદાક્રાંતા છંદ પહેલેથી જ મારો ગમતો છંદ રહ્યો છે..કલાપીની મંદાક્રાંતા છંદમાં લખેલી
    “વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
    માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !” પંક્તિઓએ હમેંશા મને આકર્ષી છે.

    અહીં આ સૉનેટમાં પ્રથમ ચતુષ્કમાં એકલા,કોઈ ઉદ્દેશ વગર સ્વૈરવિહાર માટે નીકળેલા કવિ રાત પડતાં જ ફલક પરનું દ્રશ્ય જોઈ પોતાના જીવનના વિચારોમાં ખોવાઈ જાય છે.બીજા ચતુષ્કમાં જીવનમાં સ્થળ,સમય અને કદ અનુસાર આવેલા વ્યક્તિઓને અહીં કવિએ તારા,ચંદ્ર આકાશગંગા,ગ્રહો વગેરે સાથે તાદાત્મ્ય સાધીને સુપેરે સાંકળી લીધાં છે.
    પોતાની આસપાસ રહેલા નિકટ-દૂરના સ્વજનો,જીવનની તડકી છાંયડીનો ઉલ્લેખ ત્રીજા ચતુષ્કમાં છે.

    ઊર્મિ કે ચિંતનનો ઉભરો એ સૉનેટનું જીવતું ભૂતતત્વ છે એ અહીં પુરવાર થાય છે.

    અને છેવટની બે પંક્તિઓ સચોટ ચમત્કૃતિજન્ય હોય એ સૉનેટના પ્રાણ સમી બની રહે છે.
    ‘હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
    જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.’

    આ બે પંક્તિઓ પોતેજ સ્વાદિષ્ટ છે માટે એનો આસ્વાદ કરાવવાની જરૂર જણાતી નથી. આ પંક્તિઓ મૂકીને કવિ અહીં સોનેટને એની ઊંચાઈએ લઈ ગયા છે.

    ત્રણ ચતુષ્ક અને યુગ્મ એમ કરીને કવિએ અહીં પ્રથમ ત્રણ ચતુષ્કમાં ભાવપિંડનો ક્રમશઃ વિકાસ કરીને છેલ્લે યુગ્મમાં એની પરાકાષ્ઠા સચોટપણે પ્રગટ કરી છે.

    એક સારું સૉનેટ રચવું એ કલાસૂઝની અઘરી કસોટી બને એ સર્વથા ઉચિત છે અને અહીં કવિ એ કસોટીમાં પાર ઉતર્યા હોવાનું જણાય છે.

    બાલમુકુંદ દવેના ‘જૂનું ઘર ખાલી કરતાં’ સોનેટની છેવટની મારી બે ખૂબ પ્રિય પંક્તિઓ અહીં વહેંચીને હું વિરમું છું.

    “કીલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે,
    બા બાપુ! ના કશુય ભૂલ્યા, એક ભૂલ્યા મને કેમ?”

    કવિને અઢળક શુભકામનાઓ🌹

    જાનકી અધ્યારુ.

  2. Vivekbhai,
    I have been your fan for a long time. “Dhumkeku” indeed is
    one of your best poems.Thanks for sharing.
    Best Regards,
    Naresh Shah ( Tucson, Arizona)

  3. Pingback: પાંચ કાવ્યો ~  ડૉ. વિવેક મનહર ટેલર – આપણું આંગણું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *