બત્રીસ પૂતળીની વાર્તા

અલગ અલગ… સારસ બેલડી, ઊભરાટ


(શિખરિણી)

ઘણાં જોઈ લીધાં સહજીવન મેં અલ્પ વયમાં,
જડ્યાં ના કો’ જે હો સહજ સુખમાં ને મરકતાં;
હુંકારો, આશા ને શક-હક ન પાસે ફરકતાં,
અને જેઓ કો દી ન અનુભવતાં સાથ ભયમાં.

કશે શ્રદ્ધા ખૂટે, ધન સગવડો ક્યાંક ખૂટતાં,
વફા ને આસ્થાની ઉભય તરફે લાગતી કમી;
અને એ સૌ હો તો શરીરસુખમાં ક્વચિત્ નમી,
દગા, ટંટા, ભેદો મન-મત મહીં રાજ કરતાં.

લઈ છૂટાછેડા અલગ જીવતાં કો’ક બળિયાં,
બહુધા લોકો તો થઈ અજનબી એક જ થડે,
ન સાથે, ના નોખાં રહી જીવન જીવે કડેઘડે;
મળ્યાં છો ને બેઉ તન, મન છતાંયે ન મળિયાં.

મરેલાં લગ્નોનાં શબ ઊંચકી સૌ વિક્રમ જીવે,
ખૂલી જો જિહ્વા ને અઘટિત થયું તો? બસ બીવે.

– વિવેક મનહર ટેલર
(૨૮-૨૯/૧૨/૨૦૨૦)

16 thoughts on “બત્રીસ પૂતળીની વાર્તા

  1. Dear Vivek-bhai,
    I am one of your silent fans in Tucson, Arizona. Your
    command over our Gujarati Language is superb. This poem
    displays your deep understanding of human nature, unsatisfactory
    marital relations, and your artistry of expressions. Late Shri Ramesh Parekh
    would say “Wah Vivekbhai Wah” If you can spare a moment, I would love
    to talk with you . 1-520-979-9490
    Thanks.
    Naresh

  2. તોડ જોડ વાળા ખરબચડા દૂરાકૃષ્ટ સોનેટો એ જાણે દીગ્ગજો- વડીલોની જૂની પેઢીનો વિશેષાધિકાર હતો…
    અક્ષરમેળ છંદ વિષે જ્ઞાતિભેદ જેવો જેટલો પક્ષપાત ધરાવતા હોવા છતાં એ જમાનામાં, મધ્યની અને આજની નવી પેઢી એ રચેલા સુરેખ સાધંત સંઘેડાઉતાર સોનેટો ની કમી ઊડીને આંખે વળગે એવી છે.

    પ્રસ્તુત રચના એના સ્થૂળ અને સૂક્ષ્મ, બેઉ આયામમાં સંતર્પક સુંદર નીવડી છે. કવિ અહીં વ્યવહારની આરપારના સત્યને બખૂબી કાવ્યદેહ આપે છે. અંતની ચોટ તો સ્વાનુભવિઓના હ્યદયને લાગતાં જ ડોલાવી દે તેવી બળકટ છે…

    किम कवेस्तस्य काव्येन, किम काण्डेन धनुश्मत:
    परस्य हृदये लग्नम न घूर्णयती यच्छिर:

  3. આભિનંદન ડો.વિવેકભાઈ,
    વિષયની માર્મિક રજુઆત, આજની સમાજની વાસ્તવિક્તાનો સચોટ ઉલ્લેખ આપના સોનેટમા આપશ્રીએ બેખુબી બતાવ્યો છે, ખુબ જ આનદ,આનંદ થઈ ગયો……..

  4. લાંબા સમય પછી સોનેટ વાંચ્યા નો આનંદ થયો. સરળ ભાષા માં વ્યક્ત થયેલી વેદના હૃદય સ્પર્શી ગઈ.
    ખુબ સરસ સોનેટ લખવા ના ખુબ ખુબ અભિનંદન.

  5. આમ તો સોનેટ વિશે હું કોઈ ટિપ્પણી ના કરી શકું
    કાચી સમજ ને લીધે
    પણ આ સોનેટ સરળ ને મર્મસ્પર્શી લાગ્યુ

    વાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *