નીર ગયાં શું ભાળી?



કોરાકટ કાંઠા પર ઝૂકી પૂછે કદંબ ડાળી*
નદી અહીં વહેતી’તી પહેલાં, ક્યાં ગઈ દઈ હાથતાળી?

હલકાળી લટકાળી કેવી રૂપાળી જોરાળી!
ધીરજની નદીઓમાં પહેલાં સદીઓ જાત પખાળી;
પણ ગાય વસુકે એ પહેલાં તો સૂકે ચડી ભમરાળી,
કહાન પછીતે નીકળી ગઈ કે રીસમાં થઈ છે આળી?

રાધાએ પણ બંધ બાંધીને આંસુ રાખ્યાં ખાળી,
ગોપીઓ પણ જાત ઝબોળી નહાવાનું રહી ટાળી;
કાળા જળને જે મસ્તીઓ દેતી’તી અજવાળી,
મેશનું ટીલું રેલી ગ્યું ને નજરું લાગી કાળી.

ક્યાંય નથી માધવ એ ગાતાં યુગયુગ વાટ નિહાળી,
આવન કહ ગયો, અજહુઁ ન આયો**, કેવો છે વનમાળી?
નીર ગયાં શું ભાળી?

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૨૦)

(પુણ્ય સ્મરણ:
*હરીન્દ્ર દવે- કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી
**અમીર ખુસરો – आवन कह गए, अजहूँ न आए)

કદંબ ફળ…

23 thoughts on “નીર ગયાં શું ભાળી?

  1. Excellent emotions, excellent thoughts, superb poetry.
    Vivek-bhai, with this poem/geet you reminded me of
    Late Shri Ramesh Parekh. Many thanks & regards.

  2. સરસ ભાવવાહી રજુઆત,કવિ શ્રી હરીન્દ્રભાઈને અને અમીર ખુશરોને યાદ કરીને રાધા અને કહાન ની વાત કરતુ સરસ કાવ્ય, અભિનદન…..

  3. વાહ ખૂબ સરસ ગીત
    મજા આવી

    અને સાથે પેહલી વાર કદમ્બ નું ફળ પણ જોવા મળ્યું

    • આભાર… ભટારમાં કેનલ કોરીડોર પર અસંખ્ય વૃક્ષો કતારબંધ આપની પ્રતીક્ષામાં ઊભાં છે…

  4. કાળા જળને જે મસ્તીઓ દેતી’તી અજવાળી…..
    વાહ..વાહ વાહ..ખૂબ ભાવવહી ગીત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *