આપણી વચ્ચે હવે ઘર્ષણ નથી

જાસુદ દ્વય


આપણી વચ્ચે હવે ઘર્ષણ નથી,
જે હતી ક્યારેક એ અણબણ નથી.

જીવ-શિવમાં ઐક્ય આવ્યું ક્યાંથી આ ?
સાચું પૂછો તો કોઈ કારણ નથી.

આપણેમાં ‘આપ’ આવે છે પ્રથમ,
તારો-મારો ‘હું’ તો ક્યાંયે પણ નથી.

લાખ ઝઘડ્યાં પણ છૂટાં ના થઈ શક્યાં,
ને હતું આપણને કે વળગણ નથી.

આપણેના આપામાં રહેતાં થયાં,
ત્યારથી બસ, માર્ગ છે, અડચણ નથી.

આપણેનું ગામ કેવું પ્યારું છે!
ક્યાંય ચોરે ચોતરે ચણભણ નથી.

– વિવેક મનહર ટેલર
(ઑક્ટોબર/૧૫-૧૨-૨૦૨૦)

સાપુતારા, ૨૪/૧૦/૨૦૨૦

11 thoughts on “આપણી વચ્ચે હવે ઘર્ષણ નથી

  1. વાહ કવિ… ‘આપણે’ની આ સુંદર કૃતિ બની છે. ત્રીજો શેર તો અદ્ભૂત બન્યો છે.

  2. આપણેમાં ‘આપ’ આવે છે પ્રથમ,
    આપણેમાં હું નથી, તું પણ નથી.
    – વિવેક મનહર ટેલર – aahaa..

  3. આપણેમાં હું નથી, તું પણ નથી
    તોય બંને આપણેમાં તો છીએ!
    નરી મોજ 👌💐
    અને 2017 ની તસ્બી ગઝલ પણ 👌💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *