હોત હું જો કલાપી

OLYMPUS DIGITAL CAMERA
(કોના વાંકે….                        …નીલકંઠ (ઇન્ડિયન રોલર), ૧૮-૧૦-૨૦૧૧)

*

કવિ ઉદયન ઠક્કરનો આ પ્રશ્ન ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ વિચારતા કરી મૂકે છે. હું બહુધા ગઝલ લખું છું, ગીત પણ લખું છું. ક્યારેક મુક્તક, હાઈકુ, અછાંદસ અને એકાદ વાર મોનો-ઇમેજ કાવ્ય પર પણ હાથ અજમાવી ચૂક્યો છું. પણ અંદરથી સતત એવું થયા કરે કોઈ ઇમેજનો શિકાર થવાના બદલે કે બધા જ કાવ્યપ્રકારોમાં મારે મારી શક્તિને નાણી-તાણી જોવી જોઈએ. સંસ્કૃત વૃત્તોએ કાયમ ડરાવ્યો હોવા છતાં પ્રબળતાથી આકર્ષ્યો પણ એટલો જ.

એક સવારે છાપું લેવા ઘર બહાર નીકળ્યો અને નીલકંઠને મરેલું જોયું. સુરત શહેરમાં નીલકંઠ (જીવતું કે મરેલું) જોવા મળે એ જ મહાઆશ્ચર્ય અને એ પણ મારા જ ઘરના ઓટલા પર? મારી ભીતર મંદાક્રાન્તાનો પવન વાતો હોવાનું અનુભવ્યું અને આમ અચાનક જ સૉનેટની શરૂઆત થઈ.

સળંગ ચાર ગુરુ અને તરત જ સળંગ પાંચ લઘુ અક્ષરો અને બે યતિની લગામ લઈને વહેતા મંદાક્રાન્તા છંદમાં લખાયેલું આ સૉનેટ આપને કેવું લાગ્યું?

*

(મંદાક્રાન્તા)
ગાગાગાગા | લલલલલગા | ગાલગા ગાલગાગા

*

પ્રાતઃકાળે શિથિલ પગલે બારણું ખોલ્યું મેં જ્યાં,
છાપાંસ્થાને જીવનહીન મેં પંખી જોયું પડ્યું ત્યાં.
શ્વાસો મારા જડવત અને વેદનાસિક્ત આંખો,
કાયા એવી બધિર, લકવો કેમ જાણે પડ્યો હો !

નીલું એનું મનહર તનુ, રંગબેરંગી છાંટા
આંખો ખુલ્લી – મહીં તગતગે આભના કૈંક આંટા.
આવ્યો ક્યાંથી નગર વચમાં, ગામનો જીવ ભોળો ?
જાગી ઊઠ્યાં સ્મરણ સહસા, નીલકંઠો જ આ તો.

બિલ્લીની આ કરતૂત નથી, બચ્યું છે આ સુવાંગ,
રેઢો મૂકે કદી ન સમડી આવી રીતે શિકાર.
કોના વાંકે સૂતું વિહગ આ આખરી શ્વાસ ત્યાગી?
કે પાંખોમાં ભરી ક્ષિતિજને જિંદગી આજ થાકી ?

‘રે પંખીની ઉપર’ મનમાં વેદના કૈંક વ્યાપી,
કીધાં હોતે કવન બહુ મેં, હોત જો હું કલાપી.

– વિવેક મનહર ટેલર
(૧૯-૧૦-૨૦૧૧)

*

nilkanth
(નીલકંઠ….                                                       ….કચ્છ, ૨૧-૧૦-૨૦૦૯)

48 thoughts on “હોત હું જો કલાપી

  1. છંદ અને કાવ્યપ્રકાર એવું બધું મને બહુ નથી સમજાતું, પણ કવિતા લાજવાબ………

  2. દિલ મા હલચલ મચાવે તેવુ……ખુબ સરસ્……ગાતા ગાતા ભિતર મા હલિ જવાય તેવુ

  3. સરસ …..ગાતા ગાતા મન મા હલચલ મચિ ગઈ….આભિનન્દન્……

  4. ‘રે પંખીની ઉપર’ મનમાં વેદના કૈંક વ્યાપી,
    કીધાં હોતે કવન બહુ મેં, હોત જો હું કલાપી.

    ખુબ સરસ. હ્દયસ્પર્શી…

  5. ખુબ જ સરસ રચના,
    તમારી સંવેદનાઓને શબ્દો માં સરસ રીતે મુકી શક્ય છો.
    ઋદય ને સ્પર્શી ગઈ.

  6. શ્રિ વિવેક ભાય બહુ સરસ. પ્ક્ષિને મરેલુ જોઇ તમે જે વેદના અનુભવિ તે તમારા શ્બ્દો થિ સમ્જાય છે.આવા લાગણિ ભ્ર્યા કાવ્યો દિલ પર ચોટ મુકિજાય છે. મ્ને અમારા પકિસતાન ના ક્વિ સાલિક પોપટ યાનુ એક કાવ્ય યાદ આવિ ગ્યુ. જેના સ્બ્દો આમ છે.
    યુગ યુગ થિ ઉડનારા પન્ખિ પાખોનિ પ્ત્વારે.ચાલ્યા જ્શે નિલ ગગ્ન્મા હિમત્ને સથ્વારે ઉડનારા આકશે પન્ખિ કોણ તિયા તેનિ વારે ધાશે. એક સર્સ કાવ્ય અને દિલ ના ઉડાણ માથિ નિક્ળેલા વિચારો કેટ્લા અસર કરેછે ? વિવેક ભાય અભિન્ન્દન. આવા લાગ્ણિ સ્ભર કાવ્ય આપ્તા ર્હેજો . સુભેછા અને સ્દભાવ્ના.

  7. કોના વાંકે સૂતું વિહગ આ આખરી શ્વાસ ત્યાગી?
    કે પાંખોમાં ભરી ક્ષિતિજને જિંદગી આજ થાકી ?

    બહુ જ સુન્દર અને સન્વેદનશિલ સોનેટ. જાણે કલાપિ અનુભવ્યા.

  8. શ્રિ વિવેક ભાય બહુજ સુન્દર આ કાવ્ય મા નિલકથ ને મરેલુ જોય તમે જે વેદના અનુભ્વિ તે સમ્જિ સકાય છે. મને પાકિસ્તાન ના ક્વિ સલિક પોપઽયા નુ એક કવ્ય યાદ આવિ ગ્યુ .સ્બ્દો આ મુજ્બ છે. આકાશે ઉઙનારા પખિ નિલ્ગ્ગ્ન્મા તારિ કોણ વ્હારે ધાશે? યુગ યુગ થિ ઉઙ્નારા પન્ખિ પાખોનિ પ્ત્વારે,ચાલ્યા જ્શે આ નિલ ગ્ગ્ન્મા હિમ્ત ના સથ્વારે ઉઙ્નારા આકાશે પખિ ઉઙ્નારા આકાશે. પખિ કુદરત્ નુ અનોખુ સ્રર્જ્ન છે. આ નિરદોષ પખિનિ વેદના સમજવિ કઠિન છે. વિવેક ભાય બહુ સ્રરસ ભાવ્ના ભ્ર્યુ કવ્ય છે. અભિન્દન સ્વિકર્જો અને લખ્તા રહેજો. મારિ સ્દભાવ્ના સ્વિકર્જો.

  9. કવિ-રાજ્વી કલાપી જ્યાં હશે ત્યાં પ્રસન્ન થતા હશે. શીર્ષક દ્વારા કલાપીને આપેલો અર્ઘ્ય એકદમ ઉચિત છે. મંદાક્રાંતા સરસ રીતે જળવાયો છે. નિજી સંવેદન પણ હૃદ્ય છે.

  10. ખુબ સુંદર….

    આસપાસ કંઇ બને અને કોઇ કવિ દિલને કંઇ થાય નહિ એમ તો ન જ બને. સંવેદના ના કોઇ પ્રકાર નથી હોતા….. જેમ કે હાઇકુ, સોનેટ વિ….સંવેદના સંવેદના જ હોય છે….બસ એ બધા સુધી પહોમ્ચવી જોઇએ….પછી માધ્યમ કોઇ પણ હોય.

  11. મંદ મંદ આક્રંદ કરતું હ્રુદયસ્પર્શી સોનેટ
    ‘રે પંખીની ઉપર’ મનમાં વેદના કૈંક વ્યાપી,
    કીધાં હોતે કવન બહુ મેં, હોત જો હું કલાપી.
    ખૂબ સુંદર
    જાણે કલાપીને જ શ્ર ધ્ધાં જ લી

    પ્યારું ત્યજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર
    ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની

  12. “સંવેદના સંવેદના જ હોય છે….બસ એ બધા સુધી પહોંચવી જોઇએ….પછી માધ્યમ કોઇ પણ હોય.”
    –હીરલ વ્યાસ “વાસંતીફૂલ”
    સાચું લખ્યું હીરલબહેન, તમારા પ્રતિભાવ પરથી મને મારા સર્જાઈ રહેલા પુસ્તક “વિવેકના શેરોનો આનંદ” માટે સૂત્ર સ્ફૂર્યું:
    “વિવેકના શેરોનો આનંદ બધા સુધી પહોંચવો જોઈએ.” અલબત્ત, વિવેકના શેરોમાં સંવેદના પણ છે.
    –ગિરીશ પરીખ

  13. ૧૭ અક્ષરનો મંદાક્રાન્તા એકદમ શુધ્ધ રચાયો છે. એટલું જ નહિ પણ સંવેદના સ્પર્શીને,અતીતના ઉંડાણમાં જઇ, ભાવુક કવિ કલાપીને સાહજિકતાથી ખેંચી હાજરાહજૂર કરી દે છે. કવિ કર્મની આ જ તો મોટી કાબેલિયત. વિવેકભાઇ, આ સોનેટ ખુબ ગમ્યું.

  14. એક તો સોનેટ વાંચ્યું જ બહુ લાંબા સમયે..અને એમાંય નીલકંઠના મૃત્યુનો વિષય..ખૂબ જ સુંદર..મજા પડી.આભાર

  15. અતિ સુંદર કાવ્ય

    આંખો ખુલ્લી – મહીં તગતગે આભના કૈંક આંટા

    અને

    કે પાંખોમાં ભરી ક્ષિતિજને જિંદગી આજ થાકી?

    વાહ ભાઈ વાહ

    — જનક શાહ

  16. વિવેકભાઈ, એ પંખી પણ કેવું ભાગ્યશાળી કે અંતિમ શ્વાસ તમારા જેવા સંવેદનશીલ કવિના દરવાજા પર લીધા! અને અમને એક ઉત્તમ સોનેટની ભેટ મળી.

  17. વિવેકેભૈ …..કલાપિ બહુજ હજ્ર રા હજુર …………………ધન્યવાદ ………ભૌ ,,,બહુ જ સરસ વાત ને બહુજ સરસ રજુવાત …………………………………………………………………….

  18. વાહ અતિસુંદર …શાળા છોડ્યા બાદ પહેલી વખત જાણે કલાપી ની શૈલી નો રસપાન કર્યો

  19. સૉનેટ લખવાના મારા સર્વપ્રથમ પ્રયાસને વિધાયક રીતે મૂલવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું…

  20. કોના વાંકે સૂતું વિહગ આ આખરી શ્વાસ ત્યાગી?
    કે પાંખોમાં ભરી ક્ષિતિજને જિંદગી આજ થાકી ?

    વાહ ! મંદાક્રાન્તા પણ કાબિલે તારિફ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *